<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

રામ મંદિર દાનની રકમમાં કથિત ગેરરીતિઓના વિવાદ મામલે તાત્કાલિક સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર : વેકેશન બાદ અરજી પર હાથ ધરાશે સુનાવણી

જસ્ટિસ એમ. એમ. સુંદરેશ અને જસ્ટિસ શીલ નાગૂની પીઠે તાત્કાલિક લિસ્ટિંગની માંગ ફગાવી : દાનની રકમમાં કથિત ઉચાપતની તપાસ માટે એસઆઈટી રચવાની માંગ સાથે વકીલ નરેન્દ્રકુમાર ગોસ્વામી સહિત અન્યની અરજી

નવી દિલ્હી: અયોધ્યામાં નિર્માણ પામેલા ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે એકત્રિત કરવામાં આવેલી દાનની રકમમાં કથિત ગેરરીતિઓ અને ઉચાપતની તપાસ કરવાની માંગ કરતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. સર્વોચ્ચ અદાલતે આ મામલે કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવાનો ઈનકાર કરીને સ્પષ્ટ કર્યું છે કે આ વિવાદાસ્પદ અરજી પર હવે કોર્ટના વેકેશન પૂર્ણ થયા બાદ જ વિધિવત સુનાવણી હાથ ધરવામાં આવશે.

 

જસ્ટિસોની પીઠે તાત્કાલિક સુનાવણીની જરૂરિયાત સામે પ્રશ્ન ઉઠાવ્યો:

સોમવારે આંશિક કાર્ય દિવસ દરમિયાન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ. એમ. સુંદરેશ અને જસ્ટિસ શીલ નાગૂની સંયુક્ત પીઠ સમક્ષ આ બાબતનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અરજીકર્તાએ પોતે અદાલતમાં રૂબરૂ પેશ થઈને આ કેસનું મેન્શનિંગ કર્યું હતું અને દલીલ કરી હતી કે રામ મંદિર માટે મળેલા કરોડો રૂપિયાના દાનનો કથિત દુરુપયોગ થયો હોવાના આક્ષેપો અત્યંત ગંભીર પ્રકૃતિના છે, તેથી તેના પર તાત્કાલિક સુનાવણી થવી અનિવાર્ય છે. જોકે, જસ્ટિસ એમ. એમ. સુંદરેશે આ દલીલ સામે સામો પ્રશ્ન પૂછ્યો હતો કે આ મામલામાં એવી કઈ તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે કે જેના પર અત્યારે જ સુનાવણી કરવી પડે.

 

અરજીકર્તાની દલીલોથી સુપ્રીમ કોર્ટની પીઠ સંતુષ્ટ ન થઈ:

ન્યાયાધીશના પ્રશ્નના જવાબમાં અરજીકર્તાએ જણાવ્યું હતું કે, જે પ્રકારે રાજ્ય સરકાર કે સંબંધિત તંત્ર આ સમગ્ર મામલાને હેન્ડલ કરી રહ્યું છે તેનાથી ભારે શંકાઓ પેદા થઈ રહી છે. જોકે, સુપ્રીમ કોર્ટની પીઠ અરજીકર્તાની આ પ્રકારની મૌખિક દલીલોથી બિલકુલ સંતુષ્ટ થઈ નહોતી. અદાલતે આ કેસને તાત્કાલિક લિસ્ટમાં સામેલ કરવાનો ઇનકાર કરીને તેને કોર્ટ ફરીથી ખુલ્યા બાદ નિયમિત પ્રક્રિયા હેઠળ સૂચિબદ્ધ કરવાનો કડક નિર્દેશ આપ્યો હતો.

 

વિશેષ તપાસ ટીમની રચના કરવાની અરજીમાં માંગ:

સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરવામાં આવેલી આ મુખ્ય અરજીમાં રામ મંદિરના ચંદાની રકમમાં થયેલી કથિત ગેરરીતિઓની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે એક વિશેષ તપાસ ટીમ એટલે કે એસઆઈટીની રચના કરવાની માંગ કરવામાં આવી છે. આ સાથે જ કેન્દ્ર સરકાર, ઉત્તર પ્રદેશ સરકાર અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રેસ્ટને દેશ-વિદેશના કરોડો શ્રદ્ધાળુઓ અને દાનદાતાઓના હિતોની સુરક્ષા માટે યોગ્ય અને નક્કર પગલાં ભરવાના આદેશો આપવાની પણ દાદ માંગવામાં આવી છે.

 

ભક્તોની ચિંતાનો અરજીમાં ઉલ્લેખ અને અન્ય અરજીઓ દાખલ:

અરજીમાં એવો તર્ક રજૂ કરવામાં આવ્યો છે કે, દાનની રકમમાં કથિત ગેરરીતિઓ અને અનિયમિતતાઓના આરોપો આખરે તપાસમાં સાચા સાબિત થાય કે ન થાય, પરંતુ મીડિયા અને જાહેર પટલ પર આવી રહેલા સમાચારોએ એ કરોડો લોકોની વચ્ચે ઊંડી ચિંતા જગાવી દીધી છે જેમણે રામ મંદિર આંદોલનને પોતાનું સમર્થન આપ્યું હતું કે મંદિર નિર્માણમાં આર્થિક યોગદાન આપ્યું હતું. અયોધ્યાની ગરિમાની પુનઃસ્થાપના માટે સંઘર્ષ કરનારી પેઢીઓ આ સમાચારોથી ચિંતિત છે. ઉલ્લેખનીય છે કે, આ જ પ્રકારના ગંભીર આક્ષેપો સાથે જોડાયેલી એક અલગ જ અરજી વકીલ નરેન્દ્રકુમાર ગોસ્વામી તરફથી પણ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે, જે તમામ પર હવે વેકેશન બાદ જ સુનાવણી થશે.

(12:38 PM IST)