તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th June 2026
યુએસ એરસ્ટ્રાઈકથી ભભૂકેલી પશ્ચિમ એશિયાની આગ: શાંતિ કરાર જોખમમાં મૂકાતા પાકિસ્તાને ઈરાનને લગાવ્યો ઈમરજન્સી ફોન
મધ્યસ્થી પાકિસ્તાને ક્ષેત્રીય સ્થિરતા જાળવી રાખવા ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સાથે રાતોરાત કરી હાઈ-લેવલ મંત્રણા

ઈસ્લામાબાદ: પશ્ચિમ એશિયાના યુદ્ધગ્રસ્ત ક્ષેત્રમાં હજુ તો શાંતિની આશા બંધાઈ જ હતી ત્યાં અમેરિકા અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા નવા સૈન્ય સંઘર્ષે આખા પ્રદેશને ફરી એકવાર ગંભીર તણાવની ગરતામાં ધકેલી દીધો છે. હોર્મુઝમાં એક વ્યાપારી જહાજ પર થયેલા ઈરાની ડ્રોન હુમલાના જડબાતોડ જવાબમાં શુક્રવારે યુએસ સેન્ટ્રલ કમાન્ડના વિમાનોએ ઈરાનના મિસાઈલ, ડ્રોન સ્ટોરેજ લોકેશન્સ અને કોસ્ટલ રડાર સાઇટ્સ પર ભીષણ હવાઈ હુમલા કર્યા છે. આ સૈન્ય એક્શનના કારણે માત્ર એક સપ્તાહ પહેલા, એટલે કે 18 જૂનના રોજ બંને દેશો વચ્ચે હસ્તાક્ષર થયેલા ઐતિહાસિક શાંતિ સમજૂતી પત્ર પર હવે અસ્તિત્વનું સંકટ તોળાઈ રહ્યું છે.
આ ભયાનક સૈન્ય સંઘર્ષની વચ્ચે, બંને દેશો વચ્ચે અગાઉ મધ્યસ્થીની ભૂમિકા ભજવી ચૂકેલું પાકિસ્તાન રાજદ્વારી સ્તરે તાત્કાલિક સક્રિય બન્યું છે. પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઈશાક દારે શુક્રવારે રાત્રે જ ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી સાથે ઈમરજન્સી ફોન કોલ પર વાતચીત કરી હતી. આ હાઈ-પ્રોફાઈલ વાર્તાલાપ દરમિયાન ઈશાક દારે ઈરાનને ખાતરી આપી હતી કે પાકિસ્તાન આ ગંભીર કટોકટીના સમયે પ્રદેશમાં સત્તાવાર રીતે શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે પોતાની "રચનાત્મક ભૂમિકા" ભજવવાનું ચાલુ રાખશે. ઈરાની વિદેશ મંત્રી અરાઘચીએ પણ આ મુશ્કેલ સમયમાં પાકિસ્તાનના સતત સમર્થનની પ્રશંસા કરી હતી, જોકે તેમણે પોતાના દેશની સુરક્ષા માટે તમામ તાકાત લગાવી દેવાની ચેતવણી પણ ઉચ્ચારી છે.
બીજી તરફ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે ઈરાને વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ એવા હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થઈ રહેલા જહાજો પર ઓછામાં ઓછા ચાર વન-વે એટેક ડ્રોન છોડ્યા હતા. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, તેમાંથી એક ડ્રોન સિંગાપોરના ધ્વજવાળા કાર્ગો શિપ 'એમવી એવર લવલી'ના ઉપરના ડેક સાથે અથડાયું હતું, જેનાથી જહાજને ભારે નુકસાન થયું હતું. અમેરિકી વહીવટીતંત્રે આ ડ્રોન હુમલાને સીઝફાયર (યુદ્ધવિરામ)નું ખુલ્લું ઉલ્લંઘન ગણાવ્યું છે, જ્યારે સ્વિટ્ઝર્લૅન્ડમાં પાકિસ્તાન અને કતારની મધ્યસ્થતા હેઠળ શરૂ થયેલી ટેકનિકલ સ્તરની શાંતિ વાટાઘાટો હવે આ નવા હુમલાઓ બાદ સંપૂર્ણપણે ખટાઈમાં પડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
