<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

યુએસ પ્રતિબંધ બિલ પર ભારતની સિંહગર્જના: "અમે કોઈ દેશના દબાણ સામે ઝૂકશું નહીં"

વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે કહ્યું કે , ભારત પોતાના રાષ્ટ્રીય હિત અને ૧૪૦ કરોડ નાગરિકો માટે કોઈપણ બાહ્ય દબાણ વિના સ્વતંત્ર નિર્ણય લેવા કટિબદ્ધ

નવી દિલ્હી: રશિયા પર લાદવામાં આવી રહેલા પશ્ચિમી દેશોના પ્રતિબંધો અને અમેરિકા તરફથી વધી રહેલા આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે કેન્દ્ર સરકારે વૈશ્વિક મંચ પર ભારતનું વલણ અત્યંત સ્પષ્ટ અને મક્કમ શબ્દોમાં રજૂ કર્યું છે. વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત એક સાર્વભૌમ રાષ્ટ્ર છે અને તે કોઈ અન્ય દેશના ઇશારે કે દબાણ હેઠળ આવીને પોતાના નિર્ણયો બદલશે નહીં. ભારતની વિદેશ નીતિ સંપૂર્ણપણે સ્વતંત્ર છે અને દેશના ૧૪૦ કરોડ નાગરિકોનું કલ્યાણ તથા સુરક્ષા જ સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા રહેવાની છે.

પશ્ચિમી દેશો દ્વારા ભારત પર અન્યાયી આયાત જકાત (ટેરિફ) અને આર્થિક પ્રતિબંધોનો ડર બતાવવાના પ્રયાસો સામે કડક પ્રહાર કરતા મંત્રીએ સ્પષ્ટ કર્યું કે અન્યાયી ટેરિફ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. ભારત પોતાના આર્થિક હિતો અને સાર્વભૌમત્વ સાથે કોઈ પણ સંજોગોમાં નમતું જોખશે નહીં. તેમણે ઉમેર્યું કે ભારત કોઈ પણ વૈશ્વિક જૂથમાં કે ગઠબંધનમાં જોડાવા માટે બાહ્ય દબાણને વશ થશે નહીં, પરંતુ માત્ર ને માત્ર પોતાના રાષ્ટ્રીય હિતો અને દેશના આર્થિક ભવિષ્યને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેશે.

દેશની વધતી જતી ઊર્જા જરૂરિયાતો અને સસ્તા ઇંધણના મુદ્દે ભારતે પોતાની નીતિ સ્પષ્ટ કરી છે. વિદેશ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે દેશ માટે ઊર્જા સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ બાબત છે અને નાગરિકોને અવિરત અને પોષણક્ષમ ભાવે ઇંધણ આપવું સરકારની ફરજ છે. ભારત એવા તમામ વૈશ્વિક સ્ત્રોતોમાંથી ક્રૂડ ઓઇલ અને ઊર્જા મેળવવાનું ચાલુ રાખશે જે વ્યાપારી રીતે વ્યવહારુ, ખર્ચ-અસરકારક અને દેશહિતમાં હશે. આ નિવેદન દ્વારા ભારતે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે વૈશ્વિક દબાણ છતાં દેશના આર્થિક વિકાસ અને ઊર્જા ક્ષેત્રના હિતો પર કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.

(6:54 PM IST)