<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

ચંદીગઢમાં જન્મેલા ભારતીય મૂળના વકીલ હરમીત કૌર ધિલ્લોનનું યુએસ સિવિલ રાઈટ્સ ડિવિઝનના વડા પદેથી રાજીનામું: મધ્યસત્ર ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીની હાર બાદ ટ્રમ્પ વહીવટીતંત્રમાંથી વિદાય લેનારા બન્યા પ્રથમ વરિષ્ઠ અધિકારી

અટર્ની જનરલ ટોડ બ્લેન્ચે ધિલ્લોનના સેવાકાર્યના કર્યા વખાણ, ટ્રમ્પ સરકારમાં DEI નીતિઓ નાબૂદ કરવા અને નાગરિક સ્વતંત્રતાના રક્ષણમાં ભજવી હતી મહત્વની ભૂમિકા

નવી દિલ્હી, તા.૦૬: અમેરિકાના રાજકારણ અને ટ્રમ્પ વહીવટીતંત્રમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં ચંદીગઢમાં જન્મેલા ભારતીય મૂળના જાણીતા વકીલ અને યુએસ ન્યાય વિભાગના 'સિવિલ રાઈટ્સ ડિવિઝન' (નાગરિક અધિકાર વિભાગ) ના વડા હરમીત કૌર ધિલ્લોને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, જે મધ્યસત્ર ચૂંટણીમાં રિપબ્લિકન પક્ષની હાર બાદ ટ્રમ્પ પ્રશાસનમાંથી રાજીનામું આપનારા પ્રથમ વરિષ્ઠ અધિકારી બન્યા છે.

યુએસ એટર્ની જનરલ ટોડ બ્લેન્ચે ગુરુવારે હરમીત કૌર ધિલ્લોનના રાજીનામાની જાહેરાત કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તેમણે કોઈપણ પક્ષપાત કે ડર વગર દરેક અમેરિકીની નાગરિક સ્વતંત્રતાનું રક્ષણ કર્યું છે અને કાયદાનો ચુસ્તપણે અમલ કરાવ્યો છે, તેમજ દેશ માટેની તેમની ઉત્કૃષ્ટ જાહેર સેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

બીજી તરફ, હરમીત કૌર ધિલ્લોને આ પદ છોડવાનો નિર્ણય સંપૂર્ણપણે સ્વેચ્છિક હોવાનું સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ સુસી વાઇલ્સના વિશેષ આગ્રહને કારણે જ તેમણે ચૂંટણીના દિવસ સુધી પોતાના રાજીનામાની જાહેરાત કરવાનું મુલતવી રાખ્યું હતું.

સોશિયલ મીડિયા પર પોતાની ભાવનાઓ વ્યક્ત કરતા ધિલ્લોને આસિસ્ટન્ટ એટર્ની જનરલ (AAG) તરીકે દેશની સેવા કરવાને પોતાના જીવનનું સૌથી મોટું સન્માન ગણાવ્યું હતું અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માનતા જણાવ્યું હતું કે તેમના કાર્યકાળ દરમિયાન તેમની ટીમે ગેરકાયદેસર 'DEI' (વિવિધતા, સમાનતા અને સમાવેશ) નીતિઓને નાબૂદ કરવામાં અને મહિલાઓ તથા છોકરીઓની રમતોના રક્ષણ માટે મજબૂત લડત આપી છે.

ચંદીગઢના એક પંજાબી શીખ પરિવારમાં જન્મેલા હરમીત કૌર ધિલ્લોનના માતા-પિતા ૧૯૭૦ના દાયકામાં અમેરિકામાં સ્થાયી થયા હતા, જ્યાં તેમના પિતા ઓર્થોપેડિક સર્જન તરીકે સેવા આપતા હતા, અને સાન ફ્રાન્સિસ્કોમાં લાંબા સમય સુધી સફળ લો ફર્મ ચલાવ્યા બાદ તેઓ ટ્રમ્પના ૨૦૨૦ના ચૂંટણી પ્રચાર અને કાયદાકીય ટીમ સાથે ગાઢ રીતે સંકળાયેલા રહ્યા હતા.
 

ટ્રમ્પના એક પ્રમુખ અને રૂઢિચુસ્ત સમર્થક તરીકે જાણીતાં ધિલ્લોને નાગરિક અધિકારોના વકીલ તરીકે ખ્યાતિ મેળવી હતી, અને મધ્યસત્ર ચૂંટણીઓમાં રિપબ્લિકન પાર્ટીને મળેલી હાર વચ્ચે ટ્રમ્પ વહીવટીતંત્રમાંથી તેમનું આ પ્રથમ મોટું રાજીનામું રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યું છે.

(5:49 PM IST)