<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

યુએસ ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથની ઈરાનને અંતિમ ચેતવણી: ચોરીછૂપીથી જહાજો રોકવા એ સાર્વભૌમત્વ નથી પણ ચાંચિયાગીરી છે

22 એપ્રિલે યુદ્ધવિરામ પૂર્ણ થતા પહેલા તેલના આંતરરાષ્ટ્રીય બજારમાં ફફડાટ અને સૈન્ય હિલચાલ તેજ: હોર્મુઝની લડાઈ: શું ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી ‘મહા યુદ્ધ’ના મંડાણ થશે?

વોશિંગ્ટન:  વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાં અત્યારે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથે અત્યંત આક્રમક વલણ અપનાવતા ઈરાનને સ્પષ્ટ શબ્દોમાં લલકાર્યું છે. તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય જળસીમામાં વેપારી જહાજોને ડરાવવા અને ધમકાવવા એ કોઈ દેશનું નિયંત્રણ નથી, પરંતુ આધુનિક યુગની ‘ચાંચિયાગીરી’ છે. ઈરાન જે રીતે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર પોતાની પકડ મજબૂત કરવાના દાવા કરે છે, તેની સામે અમેરિકાએ પોતાની નૌકાદળની તાકાતનું પ્રદર્શન કરવાની તૈયારી બતાવી છે. હેગસેથે ઉમેર્યું કે ઈરાનની દરેક ગતિવિધિ પર અમેરિકી સેટેલાઇટ્સ અને ગુપ્તચર એજન્સીઓની ૨૪ કલાક નજર છે, અને જો ઈરાન પોતાની હરકતોથી બાજ નહીં આવે તો ટૂંક સમયમાં જ સૈન્ય કાર્યવાહીનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે.

બંને દેશો વચ્ચેનો તણાવ એવા સમયે ચરમસીમાએ પહોંચ્યો છે જ્યારે બે અઠવાડિયાનો નાજુક યુદ્ધવિરામ આગામી 22 એપ્રિલે સમાપ્ત થવા જઈ રહ્યો છે. પાકિસ્તાનમાં આયોજિત શાંતિ વાટાઘાટો નિષ્ફળ રહ્યા બાદ હવે રાજદ્વારી રસ્તો બંધ થતો જણાય છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી વિશ્વના કુલ તેલ પુરવઠાનો અંદાજે 20% હિસ્સો પસાર થાય છે, જેના કારણે જો અહીં યુદ્ધ ફાટી નીકળે તો વૈશ્વિક અર્થવ્યવસ્થા ખોરવાઈ જવાની ભીતિ છે. હેગસેથે ઈરાનના એ દાવાઓને પણ ફગાવી દીધા છે કે તેમની પાસે મજબૂત નૌકાદળ છે, તેમણે કટાક્ષમાં જણાવ્યું હતું કે ઈરાન પાસે સાચી નૌકાદળ શક્તિનો અભાવ છે અને તે માત્ર કાટમાળમાંથી શસ્ત્રો શોધીને પોતાની તાકાત બતાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યું છે.

સામે પક્ષે ઈરાને પણ પીછેહઠ કરવાના કોઈ સંકેત આપ્યા નથી. ઈરાની સેનાના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફે જાહેરાત કરી છે કે છેલ્લા એક વર્ષમાં તેમણે લશ્કરી ડ્રોનનું ઉત્પાદન 10 ગણું વધારી દીધું છે. ખાસ કરીને અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલા બાદ ઈરાને પોતાની સંરક્ષણ અને આક્રમણ પદ્ધતિને વધુ મજબૂત બનાવી છે. ઈરાન હવે આધુનિક ‘એટેક ડ્રોન્સ’ના જોરે અમેરિકાને પડકારવા સજ્જ છે. આ પરિસ્થિતિ જોતા આગામી કેટલાક દિવસો સમગ્ર વિશ્વ માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થશે, કારણ કે જો આ બે મહાસત્તાઓ આમને-સામને આવશે તો તેની સીધી અસર પેટ્રોલ-ડીઝલના ભાવ અને વૈશ્વિક વેપાર પર પડશે.

(6:43 PM IST)