<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

અમેરિકાના ન્યાય વિભાગે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને સાગર અદાણી સામેના તમામ ફોજદારી તથા છેતરપિંડીના આરોપો કાયમી ધોરણે રદ કરીને કેસ સંપૂર્ણપણે બંધ કરી દીધો

વોશિંગ્ટન: અમેરિકાના ન્યાય વિભાગ દ્વારા ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સામે ચાલી રહેલા તમામ ફોજદારી કેસ કાયમી ધોરણે ફગાવી દેવામાં આવ્યા છે. નવેમ્બર ૨૦૨૪માં તેમની પર ભારતમાં સૌર ઊર્જાના કોન્ટ્રાક્ટ મેળવવા છવ્વીસ કરોડ પચાસ લાખ ડોલરની લાંચ આપવાનો અને રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનો આરોપ હતો. જોકે પૂરતા પુરાવા અને અધિકારક્ષેત્રના અભાવે આ કેસ હંમેશા માટે બંધ કરાયો છે. 

 

અદાણી જૂથના કાનૂની સલાહકાર રોબર્ટ ગિયુફ્રાની રજૂઆતો બાદ આ નિર્ણય લેવાયો છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ મામલે અમેરિકન કાયદા લાગુ પડતા નથી. આ ઉપરાંત સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન સાથે સિવિલ કેસમાં પણ સમાધાન થયું છે જેમાં ગૌતમે સાઠ લાખ ડોલર અને સાગરે એક કરોડ વીસ લાખ ડોલર ચૂકવવાની સંમતિ આપી છે. સાથે જ ટ્રેઝરી વિભાગના પ્રતિબંધ ભંગના કેસમાં પણ કંપનીએ સત્તાવીસ કરોડ પચાસ લાખ ડોલર ચૂકવીને સમાધાન કર્યું છે. 

 

માત્ર થોડા દિવસોમાં અદાણી જૂથ સામે ચાલી રહેલી અમેરિકાની તમામ તપાસ અને કાનૂની પ્રક્રિયાઓનો અંત આવ્યો છે. અદાલતે કેસ કાયમી રદ કર્યો હોવાથી ભવિષ્યમાં આ જ આરોપોસર તેમની સામે ફરીથી કોઈ તપાસ કે નવો કેસ ખોલી શકાશે નહીં. 

 

આ મોટા અને ઐતિહાસિક નિર્ણયથી અદાણી જૂથના વૈશ્વિક વ્યાપાર વિસ્તરણ તથા આર્થિક યોજનાઓને મોટું પીઠબળ મળશે. વધુમાં આ ચુકાદાથી રોકાણકારોનો કંપની પરનો વિશ્વાસ ફરી એકવાર સંપૂર્ણપણે મજબૂત બની જશે.*

(10:45 PM IST)