તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th October 2026
જે-૧ વિઝા કૌભાંડમાં યુએસ સરકારની લાલ આંખ: હાર્વર્ડ અને યેલ સહિતની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ પર તોળાઈ રહ્યો છે તપાસનો ગાળિયો, વધુ સંસ્થાઓ તપાસના દાયરામાં આવવાની શક્યતા
વિદેશી સંશોધકોને ઓછું વેતન આપીને ફેડરલ ભંડોળનો દુરુપયોગ કરવાનો ગંભીર આરોપ; શ્રમ વિભાગના ઇન્સ્પેક્ટર જનરલ એન્થોની ડી'એસ્પોસિટોએ તપાસ વધુ સઘન બનાવવાની કરી જાહેરાત

વોશિંગ્ટન : અમેરિકામાં શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્ર સાથે જોડાયેલા જે-૧ વિઝા (J-1 Visa) ના દુરુપયોગ અને કૌભાંડને લઈને એક અત્યંત મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકન લેબર ડિપાર્ટમેન્ટના ઇન્સ્પેક્ટર જનરલ એન્થોની ડી'એસ્પોસિટોએ સ્પષ્ટ કર્યું છે કે આગામી સમયમાં J-1 વિઝા છેતરપિંડી અને અનિયમિતતાના કેસમાં વધુ યુએસ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ તપાસના દાયરામાં આવી શકે છે. આ મામલે હાલમાં કાનૂની સમન્સ પાઠવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને સઘન તપાસ ચાલી રહી છે.
અગાઉ સોશિયલ મીડિયા પર પોતાની એક પોસ્ટમાં ઇન્સ્પેક્ટર જનરલ ડી'એસ્પોસિટોએ જણાવ્યું હતું કે સંભવિત J-1 વિઝા છેતરપિંડીના આરોપસર હાલમાં નવ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ સઘન તપાસ હેઠળ છે અને હજુ અનેક નવી સંસ્થાઓના નામ આ યાદીમાં જોડાઈ શકે છે. અમેરિકામાં કાયદાનું પાલન સુનિશ્ચિત કરવા માટે આ માત્ર એક શરૂઆત છે અને જરૂર પડ્યે વોરંટનો અમલ તથા કડક કાર્યવાહી કરવામાં આવશે.
ગયા ગુરુવારે જ યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે J-1 વિઝાના ઉપયોગ અને ફાળવણી અંગે દેશની નવ શિખર સમાન યુનિવર્સિટીઓમાં ફેડરલ તપાસ શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે કેટલીક મોટી સંસ્થાઓ અમેરિકન સ્નાતકો અને કામદારોને ચૂકવવામાં આવતા પ્રમાણસર વેતન કરતા ઘણા ઓછા વેતન પર વિદેશી સંશોધકોને અમેરિકા લાવી રહી છે, જેના કારણે સ્થાનિક સ્તરે અસંતુલન સર્જાયું છે.
આ ફેડરલ તપાસના ઘેરાવામાં આવેલી અગ્રણી યુનિવર્સિટીઓમાં પિટ્સબર્ગ યુનિવર્સિટી, વિશ્વપ્રસિદ્ધ યેલ યુનિવર્સિટી, હાર્વર્ડ યુનિવર્સિટી, સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, બ્રાઉન યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા (ડેવિસ), કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (કેલટેક), એરિઝોના સ્ટેટ યુનિવર્સિટી અને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT) નો સમાવેશ થાય છે.
ઉપરાષ્ટ્રપતિ વાન્સે વિગતવાર આંકડા રજૂ કરતા જણાવ્યું હતું કે અમેરિકન સ્નાતક વિદ્યાર્થીઓ અને સંશોધકોએ તુલનાત્મક કાર્ય કરવા બદલ J-1 પ્રોગ્રામ હેઠળ લાવવામાં આવેલા વિદેશી સંશોધકો કરતાં આશરે ૨૦,૦00 ડૉલર વધુ કમાણી કરી છે. આ ઉપરાંત, આ નવ યુનિવર્સિટીઓમાં ફેડરલ ગ્રાન્ટ દ્વારા સમર્થિત પોસ્ટડોક્ટરલ કામદારો અને સંશોધકોમાં વિદેશી નાગરિકોનો હિસ્સો આશરે ૬૧ ટકા જેટલો મોટો હતો, જ્યારે અન્ય સામાન્ય યુનિવર્સિટીઓમાં આ પ્રમાણ માત્ર ૩૮ ટકા જ જોવા મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે J-1 વિઝા કાર્યક્રમ અંતર્ગત વિદેશી નાગરિકોને સંશોધન, શિક્ષણ, ઇન્ટર્નશિપ, તાલીમ અને અન્ય શૈક્ષણિક કે સાંસ્કૃતિક આદાનપ્રદાન જેવી પ્રવૃત્તિઓ માટે એક્સચેન્જ વિઝિટર્સ તરીકે અસ્થાયી રૂપે યુએસમાં પ્રવેશવાની છૂટ આપવામાં આવે છે. પરંતુ આ સુવિધાના આડમાં નાણાકીય ગેરવર્તણૂક અને ફેડરલ ભંડોળવાળા સંશોધનો પર વિદેશી પ્રભાવના દાવાઓ સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે.
આ સમગ્ર કૌભાંડ ડામવા માટે શ્રમ વિભાગના ઇન્સ્પેક્ટર જનરલે J-1 અને H-1B વિઝા જેવા ઉચ્ચ-જોખમવાળા કાર્યક્રમોમાં શંકાસ્પદ વિઝા છેતરપિંડીની તપાસ અને કાનૂની કાર્યવાહી કરવા માટે ખાસ 'વિઝા ફ્રોડ સ્ટ્રાઇક ટીમ'ની પણ રચના કરી છે. આ વિશેષ પહેલ હેઠળ શ્રમ વિભાગ, ન્યાય વિભાગ, હોમલેન્ડ સિક્યુરિટી, યુએસ નાગરિકતા અને ઇમિગ્રેશન સેવાઓ તેમજ સ્ટેટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સંયુક્ત રીતે તપાસ ચલાવી રહ્યા છે, જેથી વિઝાના દુરુપયોગને કડક હાથે ડામી શકાય.
(7:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
