તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th July 2026
હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા તમામ માલવાહક જહાજો પર અમેરિકા ૨૦% ટેક્સ વસૂલશે : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સનસનાટીભરી જાહેરાત
યુએસ હવે ‘ધ ગાર્ડિયન ઓફ ધ હોર્મુઝ સ્ટ્રેટ’ તરીકે ઓળખાશે, સુરક્ષાના બદલામાં વળતર મેળવવું ન્યાયી પ્રક્રિયા : ઈરાનની કટોકટી વચ્ચે સામુદ્રધુની પર સંપૂર્ણ અંકુશ મેળવી નાકાબંધી પુનઃ લાગુ કરવાનો અમેરિકાનો આક્રમક પ્લાન

વોશિંગ્ટન: મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા ભીષણ સંગર્ષની વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક અર્થતંત્ર અને દરિયાઈ વ્યાપારને હચમચાવી મુકે તેવી મોટી જાહેરાત કરી છે. સોમવારે પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ એવા હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માંથી પસાર થતા તમામ માલવાહક જહાજો (કાર્ગો) પર અમેરિકા ૨૦% ફી અથવા ટેક્સ વસૂલશે. આ વૈશ્વિક જળમાર્ગ પર પોતાનો લશ્કરી અંકુશ સ્થાપિત કરવાના ઈરાદા સાથે અમેરિકાએ આ વિસ્તારની સુરક્ષાની જવાબદારી પોતાના હાથમાં લીધી હોવાનો દાવો કર્યો છે, જેના બદલામાં તમામ દેશોના જહાજો પાસેથી વળતર વસૂલવાની પ્રક્રિયા તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવી રહી છે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર અમેરિકાને ‘ધ ગાર્ડિયન ઓફ ધ હોર્મુઝ સ્ટ્રેટ’ જાહેર કર્યું:
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક પોસ્ટમાં લખ્યું છે કે, "યુએસએ (USA) હવેથી 'ધ ગાર્ડિયન ઓફ ધ હોર્મુઝ સ્ટ્રેટ' તરીકે ઓળખાશે. આ અત્યંત અસ્થિર વિસ્તારમાં સુરક્ષા અને સલામતી પૂરી પાડવા માટે જે પણ ખર્ચ થશે, તેના વળતર રૂપે ન્યાયીપણાના આધારે અહીંથી પસાર થતા તમામ કાર્ગો પર ૨૦% ના દરે વસૂલાત કરવામાં આવશે." આ પોસ્ટ પૂર્વે તેમણે ફોક્સ ન્યૂઝને આપેલા એક ઈન્ટરવ્યુમાં પણ આ જ સૂર આલાપ્યો હતો અને સામુદ્રધુનીને અમેરિકા પોતાના હસ્તક લઈને તેને 'ગાર્ડિયન એન્જલ' ની જેમ ચલાવશે તેવો દાવો કર્યો હતો.
ઈરાન પર દરિયાઈ નાકાબંધી પુનઃ લાગુ, અન્ય દેશો માટે માર્ગ ખુલ્લો હોવાનો દાવો:
પ્રમુખ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે હોર્મુઝની સામુદ્રધુની સંપૂર્ણપણે ખુલ્લી છે અને ખુલ્લી જ રહેશે, પરંતુ અમેરિકા ઈરાન પર દરિયાઈ નાકાબંધી (બ્લોકેડ) પુનઃ લાગુ કરી રહ્યું છે. આ નાકાબંધી માત્ર ઈરાનના જહાજો કે તેમના ગ્રાહકોને આવતા-જતા રોકવા માટે જ છે. ઈરાન સિવાયના અન્ય તમામ દેશો આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગનો મુક્ત અને ન્યાયી ઉપયોગ કરી શકશે. જોકે, અમેરિકાના આ દાવાઓ વચ્ચે બંને દેશો વચ્ચે સતત બીજા દિવસે પણ સૈન્ય હુમલાઓ ચાલુ રહ્યા હતા, જેમાં બંને પક્ષો સામુદ્રધુની પર પોતાનું પ્રભુત્વ હોવાનો દાવો કરી રહ્યા છે.
ઈરાને અમેરિકાની જાહેરાતને ફગાવી, સહયોગ કરનારા દેશોને યુદ્ધની ચેતવણી આપી:
બીજી તરફ, ઈરાનના ખાતમ અલ-અંબીયા મિલિટરી કમાન્ડના પ્રવક્તાએ એક વીડિયો સંદેશ જાહેર કરીને અમેરિકાને આકરો જવાબ આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે તેહરાન કોઈપણ સંજોગોમાં અમેરિકાને આ જળમાર્ગના સંચાલનમાં દખલગીરી કરવા દેશે નહીં. ઈરાને ખાડીના અન્ય દેશોને પણ કડક ચેતવણી આપી છે કે જો કોઈ દેશ આ માર્ગ મુદ્દે અમેરિકાને સહયોગ કરશે તો તેને ઈરાન સામે 'યુદ્ધ સમાન કૃત્ય' ગણવામાં આવશે. આ સાથે જ ઈરાનની પર્સિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટી (PGSA) એ એક્સ (X) પર પોસ્ટ કરીને અમેરિકી દળોની પ્રતિકૂળ અસરોને કારણે હાલ પૂરતો આ માર્ગ બંધ હોવાનું જાહેર કર્યું છે અને જહાજોને પસાર થવાની પરમિટ માત્ર તેમની સત્તાવાર વેબસાઈટ પરથી જ મેળવવા તાકીદ કરી છે.
વૈશ્વિક તેલ વ્યાપારનું મુખ્ય કેન્દ્ર અને અગાઉના શાંતિ કરારનો અંત:
ગયા મહિને થયેલા એક વચગાળાના શાંતિ કરાર હેઠળ ઈરાન આ માર્ગ પરથી પસાર થતા જહાજો પર ટેક્સ વસૂલવાનો અને ટ્રાફિક નિયંત્રિત કરવાનો પોતાનો અધિકાર હોવાનું જણાવે છે, જેને અમેરિકા સહિતના પશ્ચિમી દેશો આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદાનું ઉલ્લંઘન ગણાવી ફગાવી રહ્યા છે. પ્રમુખ ટ્રમ્પે પણ ગયા અઠવાડિયે સંકેત આપ્યો હતો કે આ વચગાળાનો કરાર હવે ખતમ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, હોર્મુઝની સામુદ્રધુની વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે, જ્યાંથી વિશ્વના કુલ તેલ અને લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) ના પુરવઠાનો પાંચમો ભાગ (૨૦%) પસાર થાય છે. ચાલુ વર્ષે ૨૮ ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયેલના હુમલામાં ઈરાનના તત્કાલીન સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈના મોત બાદ ઈરાને પ્રથમ વખત આ નાકાબંધી કરી હતી, જે બાદ આ વૈશ્વિક સંઘર્ષ ઉગ્ર બન્યો છે. હાલમાં પાકિસ્તાન, કતાર અને ઈજિપ્ત જેવા દેશો આ યુદ્ધનો અંત લાવવા મધ્યસ્થી તરીકે પ્રયાસો કરી રહ્યા છે.
(9:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
