તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
અમેરિકા-ઈરાન વચ્ચેનો સીઝફાયર તૂટ્યો: ટ્રમ્પે કહ્યું, ‘વાતચીત ચાલુ રાખીશું પણ યુદ્ધવિરામનો અંત આવી ગયો છે’
હોર્મુઝની સામુદ્રધુનીમાં વ્યાપારી જહાજો પરના હુમલા બાદ વધેલા તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિનું આકરા પાણીએ નિવેદન: તહેરાનની વિનંતીને માન્ય રાખીને સંવાદના દરવાજા ખુલ્લા રાખ્યા, પરંતુ યુદ્ધવિરામના કરારને સત્તાવાર રીતે રદબાતલ જાહેર કર્યો

વોશિંગ્ટન:અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતા જતા સંઘર્ષના વાતાવરણમાં ફરી એકવાર ગંભીર વળાંક આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું છે કે ઈરાન સાથે થયેલો સીઝફાયર (યુદ્ધવિરામ) કરાર હવે સમાપ્ત થઈ ગયો છે. જોકે, આ આક્રમક નિવેદન છતાં ટ્રમ્પે ઈરાનની વિનંતીને ધ્યાનમાં રાખીને બંને દેશો વચ્ચેની સત્તાવાર વાતચીત ચાલુ રાખવા માટે સહમતી દર્શાવી છે.
હુમલાઓ બાદ બદલાયા સમીકરણો
તાજેતરમાં હોર્મુઝની સામુદ્રધુનીમાં ત્રણ વ્યાપારી ટેન્કરો પર થયેલા હુમલા બાદ બંને દેશો વચ્ચે ફરી તણાવ ભભૂકી ઉઠ્યો છે. આ હુમલાના જવાબમાં અમેરિકી સૈન્ય દ્વારા ઈરાનના અંદાજે ૯૦ સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં ઈરાની મીડિયાના અહેવાલ મુજબ ૧૪ લોકોના મોત થયા છે અને ૭૮થી વધુ લોકો ઘાયલ થયા છે. આ કાર્યવાહીના જવાબમાં ઈરાને પણ કુવૈત, કતાર અને બહેરીનમાં રહેલા અમેરિકી લશ્કરી મથકો તેમજ મિસાઈલ સિસ્ટમ્સને ટાર્ગેટ કરતા પરિસ્થિતિ વધુ વણસી છે.
ટ્રમ્પનું સોશિયલ મીડિયા પર આક્રમક વલણ
પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ મુકતા અમેરિકી રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, “ઈરાને અમારી પાસે વાતચીત ચાલુ રાખવાની વિનંતી કરી હતી. અમે આ બાબતે સહમતી દર્શાવી છે, પરંતુ અમે તેમને કોઈ પણ પ્રકારની ગેરસમજ વગર સ્પષ્ટ જણાવી દીધું છે કે સીઝફાયર (યુદ્ધવિરામ) હવે સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયો છે.” આ નિવેદન સૂચવે છે કે અમેરિકા હવે લશ્કરી કાર્યવાહી અને રાજદ્વારી વાટાઘાટો વચ્ચે સંતુલન જાળવવાના મૂડમાં નથી.
તાજેતરના કરાર પર અનિશ્ચિતતાના વાદળો
જૂન મહિનામાં જ બંને દેશો વચ્ચે થયેલા મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) હેઠળ જે શાંતિની આશા બંધાઈ હતી, તે હવે જોખમમાં મુકાઈ છે. વિશ્લેષકોનું માનવું છે કે સીઝફાયર તૂટવાથી વૈશ્વિક ઓઈલ સપ્લાય અને શિપિંગ વ્યવહાર પર ગંભીર અસર પડી શકે છે. હોર્મુઝની સામુદ્રધુની એ દુનિયાના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગો પૈકીનો એક હોવાથી અહીંની અસ્થિરતા સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બની છે.
તણાવ ઘટાડવાના પ્રયાસરૂપે કતારી મધ્યસ્થીઓ સતત ઈરાની અધિકારીઓ સાથે સંપર્કમાં છે, જેથી દરિયાઈ માર્ગોની સુરક્ષા અને અટકેલી વાટાઘાટોને ફરી પાટા પર લાવી શકાય. બીજી તરફ, અમેરિકાએ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે કે ઈરાનના વ્યાપારી જહાજો પરના હુમલા કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. હાલની સ્થિતિ જોતા, બંને દેશો ટેબલ પર વાતચીત કરવા તૈયાર હોવા છતાં, જમીની સ્તરે સંઘર્ષના વાદળો હજુ પણ ઘેરાયેલા છે.
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
