તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th April 2026
અમેરિકા-ઈરાન શાંતિ વાટાઘાટોમાં ગૂંચવાડો: અમેરિકાએ ઈરાની વલણને જવાબદાર ઠેરવ્યું, જ્યારે ઈરાને વોશિંગ્ટનની 'ગેરકાયદેસર માંગણીઓ' સામે નોંધાવ્યો વિરોધ
ઈસ્લામાબાદ મંત્રણા બાદ ઈરાની વિદેશ મંત્રાલયનું આક્રમક નિવેદન: હોર્મુઝની સામુદ્રધુની, પરમાણુ કાર્યક્રમ અને યુદ્ધના કાયમી અંત મુદ્દે ગંભીર ચર્ચા વચ્ચે 'સદ્ભાવના' બતાવવા અમેરિકાને અપાઈ ચેતવણી

ઇસ્લામાબાદ:અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી નિર્ણાયક શાંતિ વાટાઘાટોમાં બંને પક્ષો વચ્ચે સહમતિ સધાય તેવા કોઈ સંકેત હજુ સુધી મળી રહ્યા નથી. ઈસ્લામાબાદમાં યોજાયેલી આ બેઠક બાદ બંને દેશોના પ્રતિનિધિઓ દ્વારા જે નિવેદનો આપવામાં આવ્યા છે, તેનાથી વાટાઘાટોમાં પેદા થયેલો ગૂંચવાડો સ્પષ્ટપણે સપાટી પર આવ્યો છે. અમેરિકી પક્ષે ઈરાનના જક્કી વલણને આડે હાથ લીધું છે, જ્યારે ઈરાને આ તમામ નિષ્ફળતા માટે અમેરિકાની આકરી શરતોને જવાબદાર ગણાવી છે.
અમેરિકાની શરતો સ્વીકારવા ઈરાન તૈયાર નથી:
મંત્રણાના અંતે અમેરિકી પક્ષ દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવાયું હતું કે, "અમે એવી કોઈ સ્થિતિ સુધી પહોંચી શક્યા નથી જ્યાં ઈરાની પક્ષ અમારી શરતો સ્વીકારવા તૈયાર હોય." આ નિવેદન સૂચવે છે કે અમેરિકા જે શરતો પર યુદ્ધવિરામ કે શાંતિ ઈચ્છે છે, તેના પર ઈરાને મક્કમતાથી નકાર ભણી દીધો છે. આ ટૂંકા અને સ્પષ્ટ નિવેદને વાટાઘાટોની સફળતા પર હાલ પૂરતું પ્રશ્નાર્થ ચિન્હ મૂકી દીધું છે.
ઈરાની વિદેશ મંત્રાલયનો વળતો પ્રહાર:
બીજી તરફ, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા એસ્માઈલ બકાઈએ સોશિયલ મીડિયા પર એક નિવેદન જારી કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો છે. બકાઈએ આ વાટાઘાટોને "અત્યંત ગહન અને સઘન" ગણાવી હતી. જોકે, તેમણે ઉમેર્યું હતું કે ચાલુ મંત્રણાઓની સફળતાનો સંપૂર્ણ આધાર સામે પક્ષની ગંભીરતા અને સદ્ભાવના પર નિર્ભર છે. તેઓએ વોશિંગ્ટનને અપીલ કરી છે કે તેઓ ઈરાનના કાયદેસરના અધિકારો અને હિતોનો સ્વીકાર કરે.
ચર્ચાના મુખ્ય મુદ્દાઓ અને વિવાદનું કેન્દ્ર:
ઈરાની પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં મુખ્યત્વે ત્રણ ગંભીર વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી:
હોર્મુઝની સામુદ્રધુની: આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પરનું નિયંત્રણ અને સુરક્ષા.
પરમાણુ કાર્યક્રમ: ઈરાનના પરમાણુ સંવર્ધન અને તેના પરના પ્રતિબંધો.
યુદ્ધનો અંત: ઈરાનમાં ચાલી રહેલા વર્તમાન યુદ્ધનો કાયમી અને સંપૂર્ણ અંત લાવવાની પ્રક્રિયા.
બકાઈએ અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે તેઓ "અતિશય અને અવાસ્તવિક માંગણીઓ તેમજ ગેરકાયદેસર વિનંતીઓ" કરવાનું બંધ કરે. આમ, બંને દેશો વચ્ચે મડાગાંઠ યથાવત છે અને આગામી દિવસોમાં આ મંત્રણાઓ કઈ દિશામાં જશે તેના પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
