News of Sunday, 12th April 2026
અમેરિકા-ઈરાન મંત્રણા પડી ભાંગી: ખાડી દેશોમાં અનિશ્ચિતતા
ઈસ્લામાબાદમાં પરમાણુ અને હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે કોઈ સહમતી ન સધાતા જે.ડી. વાન્સ ખાલી હાથે રવાના: વાટાઘાટોની નિષ્ફળતા વચ્ચે વ્યૂહાત્મક જળમાર્ગ પરથી એકસાથે 16 જહાજો પસાર થતા કુતૂહલ

ઈસ્લામાબાદ: પાકિસ્તાનની ધરતી પર અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી હાઈ-પ્રોફાઈલ વાટાઘાટો આખરે કોઈ પણ નક્કર પરિણામ વિના સમાપ્ત થઈ છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ અને ઈરાની પ્રતિનિધિમંડળ વચ્ચે અનેક રાઉન્ડની ચર્ચાઓ છતાં હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા અને પરમાણુ અધિકારો જેવા જટિલ મુદ્દાઓ પર ગજગ્રાહ યથાવત રહ્યો હતો. મંત્રણા નિષ્ફળ જતા ઉપરાષ્ટ્રપતિ વાન્સ ઈસ્લામાબાદથી વોશિંગ્ટન જવા રવાના થયા છે. આ ઘટનાક્રમથી ખાડી દેશોમાં ફરી એકવાર તણાવ વધવાની આશંકા સેવાઈ રહી છે, કારણ કે બંને દેશો પોતપોતાની શરતો પર મક્કમ રહ્યા હતા.
ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેમણે પોતાના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે ઘણી દરખાસ્તો રજૂ કરી હતી, પરંતુ અમેરિકાની કડક શરતોને કારણે કોઈ પ્રગતિ થઈ શકી નથી. ઈરાની વિદેશ મંત્રાલયે પણ પુષ્ટિ કરી છે કે ડ્રાફ્ટની આપ-લે થઈ હોવા છતાં અંતિમ સમજૂતી પર મહોર મારી શકાઈ નથી. બીજી તરફ, અમેરિકાએ આ નિષ્ફળતાને ઈરાન માટે મોટું નુકસાન ગણાવ્યું છે. જે.ડી. વાન્સે સંકેત આપ્યો હતો કે ઈરાન પાસે હજુ પણ અમેરિકાની શ્રેષ્ઠ ઓફર સ્વીકારવાની તક છે, પરંતુ હાલ પૂરતું યુએસ પ્રતિનિધિમંડળ કરાર વિના પરત ફરી રહ્યું છે.
રાજકીય મડાગાંઠ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાંથી એક મહત્વના સમાચાર પણ સામે આવ્યા છે. શનિવારના રોજ આ અત્યંત સંવેદનશીલ જળમાર્ગમાંથી રેકોર્ડબ્રેક 16 જહાજો પસાર થયા હતા, જે યુદ્ધવિરામ પછીનો સૌથી વ્યસ્ત દિવસ માનવામાં આવે છે. ઈરાને ચીમકી આપી છે કે જ્યાં સુધી અમેરિકા વાજબી કરાર માટે તૈયાર નહીં થાય ત્યાં સુધી આ દરિયાઈ માર્ગ પર યથાસ્થિતિ જળવાઈ રહેશે. વૈશ્વિક બજાર અને તેલ પુરવઠા માટે અત્યંત મહત્વના એવા આ રૂટ પર વધેલી હલચલ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની છે, કારણ કે મંત્રણાની નિષ્ફળતાની સીધી અસર આ જળમાર્ગની સુરક્ષા પર પડી શકે છે.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
