<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

અમેરિકી સેના હચમચીઃ ઈરાન યુદ્ધમાં નિષ્‍ફળતા બાદ ૨૫ દિવસમાં ૪ ટોચના અધિકારીઓની હકાલપટ્ટી

પેન્‍ટાગોને નેવી સેક્રેટરી જોન ફેલોનને પદભ્રષ્ટ કર્યા હોર્મુઝની ખાડીમાં ઈરાની નાકાબંધી તોડવામાં નિષ્‍ફળતા અને મધ્‍યસત્ર ચૂંટણીના દબાણ વચ્‍ચે ટ્રમ્‍પ સરકારનો આકરો નિર્ણય

વોશિંગ્‍ટન, તા.૨૩: ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાની વ્‍યૂહાત્‍મક નિષ્‍ફળતા હવે જગજાહેર થઈ રહી છે. તાજેતરના સૌથી મોટા ઘટનાક્રમમાં, પેન્‍ટાગોને નેવી સેક્રેટરી જોન ફેલોનને તેમના પદ પરથી હટાવી દીધા છે. ફેલોન પર આરોપ છે કે તેઓ હોર્મુઝ સ્‍ટ્રેટમાં ઈરાની જહાજોની અવરજવર રોકવામાં અને નાકાબંધી લાગુ કરવામાં ખરાબ રીતે નિષ્‍ફળ રહ્યા છે. છેલ્લા ૨૫ દિવસમાં આ ચોથા એવા ઉચ્‍ચ લશ્‍કરી અધિકારી છે જેમને યુદ્ધમાં ધાર્યું પરિણામ ન મળતા સત્તા ગુમાવવી પડી છે. ફેલોન અગાઉ ટ્રમ્‍પના નજીકના માનવામાં આવતા હતા, પરંતુ યુદ્ધના મેદાનમાં મળેલી પછડાટ તેમના માટે ભારે પડી છે.

ફેલોન પહેલા, અમેરિકાએ આર્મી ચીફ જનરલ રેન્‍ડી જ્‍યોર્જ, મેજર જનરલ ડેવિડ હોલ્‍ડલી અને મેજર જનરલ વિલિયમ ગ્રીન જુનિયરને પણ બરતરફ કર્યા છે. આ શ્રેણીબદ્ધ એક્‍શન દર્શાવે છે કે અમેરિકી સંરક્ષણ મંત્રાલય (પેન્‍ટાગોન) યુદ્ધની વર્તમાન સ્‍થિતિથી અત્‍યંત નારાજ છે. સેન્‍ટકોમના અહેવાલો મુજબ, અમેરિકાએ હોર્મુઝમાં ૧૦,૦૦૦ સૈનિકો તૈનાત કર્યા હોવા છતાં, બુધવારે ૩૪ ઈરાની જહાજો કોઈપણ અવરોધ વિના ત્‍યાંથી પસાર થવામાં સફળ રહ્યા હતા, જે અમેરિકી નૌકાદળની મોટી નિષ્‍ફળતા માનવામાં આવે છે.

બીજી તરફ, રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ હવે આ યુદ્ધમાંથી સન્‍માનજનક એક્‍ઝિટ શોધી રહ્યા છે. અમેરિકામાં આગામી મધ્‍યસત્ર ચૂંટણીઓ આવી રહી છે અને ટ્રમ્‍પને ડર છે કે જો યુદ્ધ લાંબુ ખેંચાશે તો જનતાની નારાજગી તેમને ભારે પડી શકે છે. આ જ કારણસર, ઈરાન સાથેની શાંતિ બેઠકમાં નિષ્‍ફળતા મળી હોવા છતાં, ટ્રમ્‍પે એકપક્ષીય રીતે યુદ્ધવિરામને અનિヘતિ સમય માટે લંબાવવાની જાહેરાત કરી છે. આમ, સૈન્‍ય અધિકારીઓની બરતરફી અને યુદ્ધવિરામનો નિર્ણય અમેરિકાની ભીંસમાં મુકાયેલી સ્‍થિતિનો પુરાવો આપે છે.

(3:49 PM IST)