તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટો શાંતિ પ્રસ્તાવ સાથે આક્રમક મુત્સદ્દીગીરી: પોતાના ખાસ દૂતોને મોસ્કો અને કિવ મોકલ્યા
શાંતિ વાટાઘાટો અને મુલાકાતને સુચારૂ બનાવવા માટે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ સામસામે હવાઈ હુમલા બંધ કરી અસ્થાયી યુદ્ધવિરામ રાખવાની રજૂ કરી મોટી દરખાસ્ત

વોશિંગ્ટન/કિવ/મોસ્કો: ચાર વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા રશિયા અને યુક્રેન વચ્ચેના ભીષણ યુદ્ધને અટકાવવા માટે વૈશ્વિક સ્તરે મોટા રાજદ્વારી સમીકરણો સર્જાયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધનો કાયમી અંત લાવવાના ઉદ્દેશ્યથી એક નવો 'શાંતિ પ્રસ્તાવ' તૈયાર કરીને પોતાના બે ખાસ દૂતો જારેડ કુશ્નર અને સ્ટીવ વિટકોફને મોસ્કો અને કિવના પ્રવાસે રવાના કર્યા છે. આ મહત્વપૂર્ણ મુલાકાત અને વાટાઘાટો શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજી શકાય તે માટે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ રશિયા સમક્ષ અસ્થાયી રૂપે યુદ્ધવિરામ (સીઝફાયર) જાહેર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, તેમના જમાઈ જારેડ કુશ્નર અને જાણીતા ઉદ્યોગપતિ સ્ટીવ વિટકોફ યુદ્ધવિરામ અને શાંતિ કરારની નવી યોજના લઈને રશિયા અને યુક્રેન જઈ રહ્યા છે. ટ્રમ્પે આ બંને દૂતોને કુશળ વાટાઘાટકારો ગણાવતા ઉમેર્યું હતું કે, આ વાટાઘાટોથી યુદ્ધનો અંત લાવવામાં મોટી સફળતા મળવાની આશા છે. જોકે, આ પ્રસ્તાવમાં યુક્રેને પોતાની કોઈ જમીન કે વિસ્તાર રશિયાને સોંપવો પડશે કે કેમ તે અંગે ટ્રમ્પે કોઈ સ્પષ્ટતા કરી નથી. આ યુદ્ધ પાછળ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અને યુક્રેનિયન પ્રમુખ ઝેલેન્સ્કી વચ્ચેના 'વ્યક્તિત્વના સંઘર્ષ'ને જવાબદાર ગણાવ્યો હતો.
બીજી તરફ, યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ ટેલિગ્રામ પર એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, અમરિકી દૂતોની સુરક્ષા અને મુલાકાતની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે યુક્રેન તરફથી રશિયા પર કોઈ હવાઈ હુમલા કરવામાં આવશે નહીં. તેમણે રશિયાને પણ સામે પક્ષે હવાઈ હુમલા અટકાવીને શાંતિ જાળવવાની અપીલ કરી છે. ઝેલેન્સ્કીએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ અમેરિકા તરફથી રજૂ થનારા શાંતિ પ્રસ્તાવ અને તેના પર રશિયાના વલણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેથી યુદ્ધનો અંત લાવવાના વાસ્તવિક વિકલ્પો શોધી શકાય.
અમેરિકી દૂતોની આ મુલાકાત પૂર્વે પણ રશિયા દ્વારા યુક્રેનના વિવિધ શહેરો પર દિવસ દરમિયાન હવાઈ હુમલા ચાલુ રહ્યા હતા. યુક્રેનની ગુપ્તચર સંસ્થાના મુખ્ય મથક પર પણ તાજેતરમાં હુમલો થયો હોવાના અહેવાલો મળ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે ટ્રમ્પના શાસનમાં વ્હાઈટ હાઉસના દૂતોની કિવની આ પ્રથમ મુલાકાત છે, જેના પર સમગ્ર વિશ્વની નજર મંડાયેલી છે.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
