<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચીનને ખુલ્લી ચેતવણી: ‘ઈરાનને હથિયારો આપવાનું બંધ કરો, અન્યથા પરિણામ ભયંકર આવશે અને જીનપિંગ મુસીબતમાં મુકાશે’

ઈરાન દ્વારા અમેરિકી ફાઈટર જેટ અને હેલિકોપ્ટર તોડી પાડવામાં ચીની મિસાઈલોનો વપરાશ થયો હોવાનો ઇન્ટેલિજન્સ ઘટસ્ફોટ: હોર્મુઝની સામુદ્રધુનીમાં બિછાવેલી સુરંગો સાફ કરી અમેરિકા માર્ગ ખુલ્લો કરાવશે, જો ઈરાન નહીં માને તો જડમૂળથી ખતમ કરવાની ગર્જના

વોશિંગ્ટન:અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ચીન સામે લાલ આંખ કરી છે. ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગને કડક લહેજામાં ચેતવણી આપી છે કે જો ચીન ઈરાનને હથિયારોની સપ્લાય ચાલુ રાખશે, તો ચીન અને જીનપિંગે અત્યંત ગંભીર પરિણામો ભોગવવા પડશે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઈરાનને ચીન દ્વારા મળતી સૈન્ય મદદ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો છે અને જો પાકિસ્તાનમાં ચાલી રહેલી શાંતિ વાટાઘાટો નિષ્ફળ જશે, તો તેના માટે ઈરાન સાથે ચીન પણ જવાબદાર ગણાશે.

 

અમેરિકી વિમાનો તોડી પાડવા પાછળ ચીની ટેકનોલોજીનો હાથ:

અમેરિકી ઇન્ટેલિજન્સ રિપોર્ટ મુજબ, ચીન ઈરાનને અમેરિકી લડાકુ વિમાનોની સચોટ લોકેશન પૂરી પાડી રહ્યું છે. ઈરાને ચીન પાસેથી મળેલા ખભા પરથી છોડી શકાય તેવા એન્ટી-એર મિસાઈલ સિસ્ટમ (MANPADS) નો ઉપયોગ કરીને અમેરિકાના અત્યાધુનિક F-15E ફાઈટર જેટ અને બ્લેક હોક હેલિકોપ્ટરોને તોડી પાડ્યા છે. છેલ્લા ૨૦ વર્ષમાં કોઈ દુશ્મન દેશ અમેરિકાના વિમાનો સુધી પહોંચી શક્યો નહોતો, જે ચીની મદદને કારણે ઈરાને કરી બતાવ્યું છે. એવું પણ માનવામાં આવે છે કે ઈરાન ચીનની એડવાન્સ લોન્ગ રેન્જ મિસાઈલ સિસ્ટમ HQ-9B નો ઉપયોગ કરી રહ્યું છે.

 

હોર્મુઝની સામુદ્રધુની અને યુદ્ધમાં જીતનો દાવો:

ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ જંગમાં અંતે વિજય અમેરિકાનો જ થશે. ઈરાને હોર્મુઝની સામુદ્રધુનીમાં જે બારૂદી સુરંગો (Mines) બિછાવી છે, તેનો જવાબ અમેરિકા પાસે છે. અમેરિકાના ‘માઈન સ્વીપર્સ’ જહાજો આ વિસ્તારની સફાઈ કરી રહ્યા છે અને તેલ-ગેસના ટેન્કરો માટે આ રસ્તો કોઈપણ ભોગે ખુલ્લો રાખવામાં આવશે. ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપતા કહ્યું કે ઈરાન પાસે હવે માત્ર સમજૂતી કરવાનો જ વિકલ્પ છે, જો તે નહીં માને તો તેને જડમૂળથી ખતમ કરી દેવામાં આવશે.

 

ચીન દ્વારા ઈરાનને સૈન્ય મજબૂતી:

  1. માર્ચ ૨૦૨૬ માં ચીને ઈરાન મોકલેલા બે દરિયાઈ જહાજોમાં સોડિયમ પરક્લોરેટ હોવાની આશંકા છે, જે રોકેટના ઘન બળતણ બનાવવા માટે મુખ્ય ઘટક છે. આગામી અઠવાડિયામાં ચીન ઈરાનને નવી એર ડિફેન્સ સિસ્ટમ સોંપે તેવી પણ શક્યતા છે. એક તરફ ચીન સીઝફાયર માટે ઈરાનને મનાવવાનો ઢોંગ કરે છે, તો બીજી તરફ હથિયારો આપીને યુદ્ધને હવા આપી રહ્યું છે. આ બેવડી નીતિ સામે ટ્રમ્પે હવે કડક વલણ અપનાવતા એશિયા અને મધ્ય પૂર્વના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

(10:29 AM IST)