તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
અમેરિકન સેનેટરના નિશાન પર ભારતની 'વિઝા સંસ્કૃતિ': હૈદરાબાદના 'વિઝા મંદિરો' અને H-1B સિસ્ટમને ગણાવ્યું 'વિઝા કાર્ટેલ', આક્ષેપોથી મચ્યો ખળભળાટ
મોટી ટેક કંપનીઓ અમેરિકી કામદારોને કાઢીને સસ્તા વિદેશી શ્રમિકોની ભરતી કરી રહી હોવાનો સેનેટર એરિક શ્મિટનો ગંભીર આરોપ

હૈદરાબાદ, તા.૧૪: અમેરિકાના રિપબ્લિકન સેનેટર એરિક શ્મિટે હૈદરાબાદના પ્રખ્યાત 'વિઝા મંદિરો' અને અમેરિકાની H-1B વિઝા સિસ્ટમ પર આકરા પ્રહારો કરતા એક નવો વિવાદ છેડ્યો છે. શ્મિટે આરોપ લગાવ્યો છે કે આખી વિઝા સિસ્ટમ હવે એક 'કાર્ટેલ' (ગઠબંધન) જેવી બની ગઈ છે, જે અમેરિકન મધ્યમ વર્ગના કામદારોના હિતોને નુકસાન પહોંચાડી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સ દ્વારા તેમણે યુએસ રોજગાર વિઝા કાર્યક્રમોની ટીકા કરી છે.
સેનેટર શ્મિટે ખાસ કરીને હૈદરાબાદના ચિલકુર બાલાજી મંદિરનો ઉલ્લેખ કર્યો, જે વિશ્વભરમાં 'વિઝા ટેમ્પલ' તરીકે ઓળખાય છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, "આ 'વિઝા કાર્ટેલ'નું પોતાનું એક મંદિર હૈદરાબાદમાં છે, જ્યાં હજારો ભારતીયો પોતાના પાસપોર્ટ લઈને વેદીની આસપાસ ચક્કર લગાવે છે અને અમેરિકાના વર્ક વિઝા માટે પ્રાર્થના કરે છે." તેમણે ઉમેર્યું કે અમેરિકન કામદારોએ આવી 'મેનિપ્યુલેટેડ' (ગોઠવણવાળી) સિસ્ટમ સામે સ્પર્ધા કરવી પડે તે અન્યાયી છે.
તેમના ગંભીર આક્ષેપો મુજબ, ગૂગલ અને માઈક્રોસોફ્ટ જેવી મોટી ટેક કંપનીઓ એક તરફ હજારો અમેરિકન કર્મચારીઓની છટણી કરી રહી છે, તો બીજી તરફ તેટલી જ સંખ્યામાં H-1B વિઝા દ્વારા વિદેશી કામદારોને નોકરીએ રાખી રહી છે. શ્મિટના મતે H-1B, L-1, F-1 અને OPT જેવા કાર્યક્રમો અમેરિકનોના વેતન ઘટાડવાનું અને તેમની નોકરીઓ છીનવવાનું સાધન બની ગયા છે.
સેનેટરે વધુમાં જણાવ્યું કે આ સિસ્ટમમાં વ્યાપક સ્તરે છેતરપિંડી અને દુરુપયોગ થઈ રહ્યો છે. કેટલીક શેલ કંપનીઓ અને કિકબેક યોજનાઓ દ્વારા સસ્તો શ્રમ પૂરો પાડવામાં આવે છે, જે વાસ્તવમાં એક વ્યવસ્થિત 'શ્રમ પાઇપલાઇન' છે. તેમણે ચેતવણી આપી હતી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવી મહત્વની ટેકનોલોજી માટે ફાળવવામાં આવતા અબજો ડોલર પણ આ વિઝા વ્યવસ્થાને કારણે વિદેશોમાં વહી રહ્યા છે.
નોંધનીય છે કે હૈદરાબાદના 'વિઝા મંદિરો' દાયકાઓથી ભારતીય IT વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓમાં આસ્થાનું કેન્દ્ર રહ્યા છે. ખાસ કરીને જ્યારે વિઝા રિજેક્શનનો ડર હોય ત્યારે હજારો લોકો અહીં બાધા રાખવા આવે છે. ભારત હાલમાં H-1B વિઝાનો સૌથી મોટો લાભાર્થી દેશ છે, ત્યારે અમેરિકી સેનેટરનું આ આક્રમક વલણ આગામી સમયમાં વિઝા નીતિઓમાં ફેરફારના સંકેત આપી રહ્યું છે.
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
