તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
દરિયાની મધ્યમાં અમેરિકાની સર્જિકલ સ્ટ્રાઈક: યુએસ ડિસ્ટ્રોયરે ઈરાની જહાજને અધવચ્ચે જ દબોચ્યું, હિંદ મહાસાગરમાં વધતો તણાવ
યુએસએસ રાફેલ પેરાલ્ટાએ ઈરાન તરફ જતાં જહાજને ઘેરીને લીધું કબજે; અમેરિકી મરીન્સે હેલિકોપ્ટરથી દોરડા વાટે ઉતરીને પાર પાડ્યું મિશન, ઈરાનની દરિયાઈ નાકાબંધી વધુ કડક

વોશિંગ્ટન : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના માહોલ વચ્ચે સમુદ્રમાં પણ મોટી હલચલ જોવા મળી રહી છે. અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ પુષ્ટિ કરી છે કે તેમના ગાઈડેડ-મિસાઈલ ડિસ્ટ્રોયર 'યુએસએસ રાફેલ પેરાલ્ટા' એ એક ઈરાની ધ્વજ ધરાવતા જહાજને મધદરિયે અટકાવ્યું છે. આ જહાજ ઈરાનના બંદર તરફ જવાનો પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ અમેરિકી નૌકાદળના અધિકારીઓએ ૨૪ એપ્રિલના રોજ તેને આંતરીને તેની તપાસ શરૂ કરી દીધી હતી.
અમેરિકાની આ કાર્યવાહી તેની ઈરાન સામેની કડક દરિયાઈ નાકાબંધીની વ્યૂહરચનાનો એક ભાગ છે. સંયુક્ત ચીફ્સ ઓફ સ્ટાફના અધ્યક્ષ જનરલ ડેન કેઈને પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, જો રાષ્ટ્રપતિ આદેશ આપે તો અમેરિકી સૈન્ય મોટી લડાઈ લડવા માટે પણ સજ્જ છે. ૮ એપ્રિલથી શરૂ થયેલા આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૩૪ જહાજોએ અમેરિકાની નાકાબંધીનો સામનો કર્યો છે અને હિંમત હારીને પરત ફરવાનો નિર્ણય લીધો છે.
હેલિકોપ્ટરથી ઉતરીને જહાજ પર કબજો:
જનરલ કેઈને 'મોટર જહાજ ટુસ્કા' ને જપ્ત કરવાની રોમાંચક વિગતો પણ શેર કરી હતી. તેમણે જણાવ્યું કે અનેક ચેતવણીઓ છતાં જહાજ ન રોકાતા, યુએસ મરીન્સે હેલિકોપ્ટર દ્વારા 'ફાસ્ટ રોપિંગ' પદ્ધતિથી ચાલતા જહાજ પર છલાંગ લગાવી હતી અને ટૂંકા સમયમાં જ જહાજ અને તેના ક્રૂ મેમ્બર્સને પોતાની કસ્ટડીમાં લઈ લીધા હતા. હાલ આ તમામ અમેરિકાની સુરક્ષિત કસ્ટડીમાં છે.
તેલના પરિવહન પર અમેરિકાની વક્રદૃષ્ટિ:
અમેરિકાની આ કાર્યવાહી માત્ર ઈરાન આસપાસના દરિયા પૂરતી સીમિત નથી, પરંતુ છેક ઈન્ડો-પેસિફિક સુધી ફેલાયેલી છે. ૨૦ એપ્રિલના રોજ ૨ મિલિયન બેરલ 'પ્રતિબંધિત ઈરાની તેલ' લઈને જઈ રહેલા ટેન્કર 'ટિફની' ને જપ્ત કરાયું હતું. ત્યારબાદ ૨૨ એપ્રિલે હિંદ મહાસાગરમાં 'મેજેસ્ટિક એક્સ' નામના ટેન્કરને પણ દબોચી લેવામાં આવ્યું હતું. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાનના 'ડાર્ક ફ્લીટ' એટલે કે છુપી રીતે તેલની હેરફેર કરતા જહાજો વિરુદ્ધ પેસિફિક અને હિંદ મહાસાગરમાં આવી આકરી કાર્યવાહી ચાલુ રહેશે.
અમેરિકાએ ઈરાનના તમામ બંદરો પર કડક નાકાબંધી કરી છે, જેમાં કોઈપણ રાષ્ટ્રીયતા ધરાવતું જહાજ જો ઈરાન તરફ જશે કે ત્યાંથી બહાર આવશે, તો તેને અટકાવવામાં આવશે. આ સાથે જ જનરલ કેઈને ૧૯૮૩માં બેરૂતમાં શહીદ થયેલા અમેરિકી સૈનિકોને પણ યાદ કર્યા હતા, જે દર્શાવે છે કે અમેરિકા અત્યારે ઈરાન સામે જૂના હિસાબો ચૂકતે કરવાના મૂડમાં છે. દરિયામાં વધી રહેલી આ ગતિવિધિઓથી વૈશ્વિક વેપાર અને તેલની કિંમતો પર પણ અસર પડવાની ભીતિ છે.
(10:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
