તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th October 2026
અમેરિકાનો ૮ મોટી આઈટી કંપનીઓ સામે આકરો નિર્ણય : ભારતીય કંપનીઓ ઇન્ફોસિસ અને ટીસીએસ સહિતની કંપનીઓના પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન સસ્પેન્ડ કરાયા
અમેરિકન કર્મચારીઓની નોકરીની તકો પ્રભાવિત થતી હોવાનો શ્રમ મંત્રાલયનો આરોપ : નવા આવેદનો અટકાવાયા પણ H-1B વિઝા રદ નહીં થાય

વોશિંગ્ટન:અમેરિકામાં કારોબાર કરી રહેલી ભારતીય આઈટી કંપનીઓ અને ત્યાં કામ કરતા ભારતીય કર્મચારીઓ માટે એક મોટો આંચકાજનક અહેવાલ સામે આવ્યો છે. અમેરિકન લેબર ડિપાર્ટમેન્ટ (શ્રમ મંત્રાલય) દ્વારા ઇન્ફોસિસ, ટીસીએસ, વિપ્રો, એચસીએલ, કોગ્નિઝન્ટ અને કેપજેમિની સહિત ૮ મોટી આઈટી કંપનીઓને પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. આ યાદીમાં માઈક્રોસોફ્ટ અને એડોબ જેવી વૈશ્વિક જાયન્ટ કંપનીઓ પણ શામેલ છે. આ નિર્ણયના પગલે આ કંપનીઓના નવા પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન આવેદનો અટકી જશે તથા અગાઉથી પેન્ડિંગ રહેલી પ્રક્રિયાઓ પણ હાલ પૂરતી રોકાઈ જશે.
અમેરિકાના લેબર મિનિસ્ટર કીથ સોન્ડરલિંગ દ્વારા આ કડક નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે આ કંપનીઓની નીતિઓના કારણે સ્થાનિક અમેરિકન કર્મચારીઓ માટે નોકરીની તકો પ્રભાવિત થઈ છે. અમેરિકન સરકારના આંકડા અનુસાર, વર્ષ ૨૦૦૯થી અત્યાર સુધી આ કંપનીઓએ આશરે ૩૦ લાખ વિદેશી કર્મચારીઓ માટે વિનંતી કરી હતી, જેમાં ૨.૩૦ લાખથી વધુ H-1B વિઝા મંજૂર કરાયા હતા અને ૧ લાખથી વધુ પરમેનન્ટ લેબર સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. અમેરિકન શ્રમ મંત્રાલયના જણાવ્યા મુજબ, આના કારણે એવી ઘણી નોકરીઓ વિદેશી કર્મચારીઓને મળી ગઈ જેના માટે સ્થાનિક અમેરિકન નાગરિકો પણ યોગ્યતા ધરાવતા હતા.
પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન શું છે?
અમેરિકામાં જો કોઈ કંપની વિદેશી કર્મચારીને લાંબા સમય સુધી નોકરી પર રાખવા માંગતી હોય અને તેના માટે કાયમી નોકરી કે ગ્રીન કાર્ડની પ્રક્રિયા શરૂ કરવાની હોય, તો તેના માટે પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન જરૂરી બને છે. આ પ્રક્રિયામાં કંપનીએ પૂરવાર કરવું પડે છે કે સંબંધિત હોદ્દા માટે કોઈ લાયક અમેરિકન કર્મચારી ઉપલબ્ધ નથી, ત્યાર બાદ જ વિદેશી કર્મચારીના કાયમી વિઝાની પ્રક્રિયા આગળ વધે છે.
ભારતીય આઈટી ક્ષેત્ર અને H-1B વિઝા પર અસર:
આ નિર્ણયથી ભારતીય આઈટી કંપનીઓના અમેરિકન કારોબાર અને ભવિષ્યની યોજનાઓ પર અસર પડી શકે છે. જોકે, નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ નિર્ણયથી હાલમાં કામ કરી રહેલા કર્મચારીઓના H-1B વિઝા તરત જ રદ થશે નહીં. આ રોકની મુખ્ય અસર નવા અરજદારો અને પેન્ડિંગ કેસો પર પડશે. જો આ પ્રતિબંધ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો ભારતીય આઈટી વ્યાવસાયિકોને અમેરિકામાં કાયમી ધોરણે નોકરી આપવાની અને ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયા જટિલ બની શકે છે.
(10:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
