<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

પુત્રને ગોલ્ફ શીખવવા જવા માટે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે મંગાવ્યું લશ્કરી હેલિકોપ્ટર! સિક્રેટ સર્વિસના એજન્ટો વાન્સ પરિવારની આવી ‘વીઆઇપી’ ડિમાન્ડ્સથી તોબા પોકારી ઉઠ્યા

છેલ્લી ઘડીના પ્રોગ્રામ અને વૈભવી માંગણીઓથી સુરક્ષા એજન્ટોનું મનોબળ તૂટ્યું; કરદાતાઓના લાખો રૂપિયાનો ધુમાડો થતો હોવાનો ચોંકાવનારો ખુલાસો – કસ્ટમ સિક્કા બનાવી એજન્ટોએ ઉડાવી મજાક!

વોશિંગ્ટન, તા. ૧૬:અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ (JD Vance) અને તેમનો પરિવાર હાલમાં એક ગંભીર વિવાદમાં ફસાયો છે. સરકારી સંસાધનો અને મોંઘા લશ્કરી વાહનોનો પોતાના અંગત કામ માટે ‘અયોગ્ય અને અભૂતપૂર્વ’ ઉપયોગ કરવાને કારણે યુએસ સિક્રેટ સર્વિસ (Secret Service) ના એજન્ટોમાં ભારે આક્રોશ અને નારાજગી ફેલાઈ છે. ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે જેડી વાન્સે તાજેતરમાં તેમના નાના પુત્રને ગોલ્ફના પાઠ ભણાવવા લઈ જવા માટે સ્પેશિયલ યુએસ મરીન કોર્પ્સના સૈન્ય હેલિકોપ્ટરની માંગણી કરી હતી!

જો કે, વોશિંગ્ટન, ડીસીમાં સર્જાયેલા અત્યંત ખરાબ હવામાન અને જોરદાર પવનના કારણે છેલ્લી ઘડીએ આ ફ્લાઇટ રદ કરવી પડી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉપરાષ્ટ્રપતિ તેમના પુત્ર સાથે સૈન્ય હેલિકોપ્ટરમાં બેસીને ‘જોઇન્ટ બેઝ એન્ડ્રુઝ’ ખાતે આવેલા વૈશ્વિક સ્તરના ગોલ્ફ સેન્ટરમાં જવાના હતા.

કરદાતાઓના લાખો રૂપિયાનો ધુમાડો

સંરક્ષણ વિભાગના બજેટ અનુસાર, આવા સૈન્ય હેલિકોપ્ટરને હવામાં એક કલાક ઉડાડવાનો ખર્ચ આશરે $16,000 થી $24,600 (અંદાજે રૂપિયા ૧૫ થી ૨૩.૫ લાખ) થાય છે. ભૂતકાળના ઉપરાષ્ટ્રપતિઓએ ક્યારેય પોતાના બાળકો માટે આવા મોંઘા સરકારી સંસાધનોનો ઉપયોગ કર્યો નથી. સામાન્ય રીતે સુરક્ષા એજન્ટો બાળકોને સ્થાનિક સ્તરે સુરક્ષિત એસયુવી (SUV) કારમાં લઈ જતા હોય છે. આ આયોજિત ગોલ્ફ ટ્રીપથી વાકેફ એક વ્યક્તિએ ગુસ્સા સાથે જણાવ્યું હતું કે, "આ તદ્દન હાસ્યાસ્પદ છે. માઇક પેન્સ કે કમલા હેરિસે ક્યારેય પોતાના કાર્યકાળ દરમિયાન આવું કંઈ કર્યું નથી."

સિક્રેટ સર્વિસના એજન્ટો કેમ થયા કંટાળ્યા?

રિપોર્ટ અનુસાર, જેડી વાન્સ અને તેમનો પરિવાર પોતાના કોઈપણ શિડ્યુલને વળગી રહેતા નથી. તેઓ છેલ્લી ઘડીએ પોતાના પ્લાન બદલી નાખે છે અને દરેક મૂવમેન્ટને ‘ઓફ ધ રેકોર્ડ’ (OTR) રાખવાનો આગ્રહ રાખે છે.

·         રજાઓ રદ કરવી પડે છે: અચાનક બદલાતા પ્લાન્સને કારણે રજા પર રહેલા એજન્ટોએ તાત્કાલિક ફરજ પર આવવું પડે છે અને કલાકો પહેલા સુરક્ષા તપાસ કરવી પડે છે.

·         નવું ઘર શોધવા હેલિકોપ્ટરનો ઉપયોગ: તાજેતરમાં વર્જિનિયામાં પોતાના પરિવાર માટે નવું ઘર ખરીદવા અથવા ભાડે રાખવા માટે પણ વાન્સે છેલ્લી ઘડીએ ઘણી હેલિકોપ્ટર ટ્રીપ્સની માંગ કરી હતી.

·         એક સુરક્ષા એજન્ટના જણાવ્યા મુજબ, "વાન્સ હજુ પણ એવું વિચારે છે કે તે સેનેટર છે અને ગમે ત્યાં પોતાની મરજીથી હરી-ફરી શકે છે. આનાથી મેનપાવર અને સરકારી નાણાંનો ભારે બગાડ થઈ રહ્યો છે."

‘બોબકેટ’ કસ્ટમ સિક્કા બનાવી એજન્ટોએ ઉડાવી મજાક!

ઉપરાષ્ટ્રપતિ અને તેમના પરિવારની વારંવારની છેલ્લી ઘડીની હેરાનગતિથી કંટાળીને સુરક્ષા કર્મચારીઓએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. તેઓએ જેડી વાન્સની આવી અણધારી ટ્રીપોની મજાક ઉડાવવા માટે ખાસ કસ્ટમ સિક્કા અને સ્ટીકરો બનાવ્યા છે. આ સિક્કાઓ પર જેડી વાન્સના સિક્રેટ સર્વિસ કોડ નેમ "બોબકેટ" (Bobcat) નો ઉપયોગ કરવામાં આવ્યો છે. બોબકેટ એ ઓહિયો યુનિવર્સિટીનું માસ્કોટ છે, જ્યાં વાન્સ ઉછર્યા હતા.

સિક્રેટ સર્વિસના ડેપ્યુટી ડિરેક્ટરનો બચાવ

આ સમગ્ર વિવાદ અને ભારે આક્રોશ વચ્ચે સિક્રેટ સર્વિસના ડેપ્યુટી ડિરેક્ટર મેટ ક્વિને પોતાના એજન્ટોનો બચાવ કરતા જણાવ્યું હતું કે, દેશના વીવીઆઈપી નેતાઓની સુરક્ષા સાથે કોઈ સમાધાન થઈ શકે નહીં. આ નોકરીમાં લાંબા કલાકો, અણધારી મુસાફરી અને સપ્તાહાંતે પણ કામ કરવું એ ફરજનો એક ભાગ છે. જો કે, આ ખુલાસા છતાં અમેરિકન મીડિયા અને કરદાતાઓમાં વાન્સ પરિવારની આ વૈભવી અને બિનજરૂરી માંગણીઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

(5:25 PM IST)