તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 10th May 2026
વૈશ્વિક આર્થિક સંકટ સામે લડવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનું રાષ્ટ્રજોગ આહ્વાન : ઈંધણ, વિદેશી પ્રવાસ અને સોનાની ખરીદીમાં કાપ મૂકી દેશભક્તિ સાબિત કરવા હૈદરાબાદથી હૃદયસ્પર્શી અપીલ
મોંઘવારી અને સપ્લાય ચેઈનના પડકારો વચ્ચે આત્મનિર્ભરતાનો મંત્ર : ખાદ્ય તેલ અને રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડવા, મેડ ઇન ઇન્ડિયા અપનાવવા તથા પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતો અને નાગરિકોને નરેન્દ્રભાઈનો ખાસ અનુરોધ

હૈદરાબાદ:વૈશ્વિક સંઘર્ષોને કારણે ઊભી થયેલી આર્થિક અસ્થિરતા અને ખોરવાયેલી સપ્લાય ચેઈન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ હૈદરાબાદ ખાતેથી દેશવાસીઓને એકતા અને જવાબદારીનો પાઠ ભણાવ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દેશભક્તિ એટલે માત્ર સરહદ પર બલિદાન આપવું જ નથી, પરંતુ મુશ્કેલ સમયમાં રાષ્ટ્ર પ્રત્યેની ફરજો નિભાવી જવાબદારીપૂર્વક જીવવું એ પણ એક મોટી દેશસેવા છે.
ઈંધણની બચત અને પરિવહન ક્ષેત્રે બદલાવ
વધતા જતા પેટ્રોલ અને ડીઝલના વપરાશને ઘટાડવા માટે નરેન્દ્રભાઈએ નાગરિકોને મેટ્રો અને જાહેર પરિવહનનો મહત્તમ ઉપયોગ કરવા વિનંતી કરી છે. જ્યાં ખાનગી વાહનો અનિવાર્ય હોય ત્યાં કાર-પૂલિંગની પદ્ધતિ અપનાવવા અને માલસામાનની હેરફેર માટે રેલવે પર પસંદગી ઉતારવા જણાવ્યું છે. આ ઉપરાંત, પ્રદૂષણ અને આયાત ઘટાડવા માટે ઈલેક્ટ્રિક વાહનો (EV) તરફ વળવા પ્રોત્સાહન આપ્યું છે.
કોવિડ સમયની કાર્યશૈલીનું પુનરાવર્તન
રાષ્ટ્રીય હિતમાં કાર્યક્ષમતા વધારવા માટે તેમણે કોરોના કાળ દરમિયાન અપનાવેલા પગલાં જેવા કે ‘વર્ક ફ્રોમ હોમ’, ઓનલાઇન કોન્ફરન્સ અને વર્ચ્યુઅલ મીટિંગ્સને ફરી અમલમાં લાવવા આહ્વાન કર્યું છે. આનાથી સમય અને સંસાધનો બંનેની બચત થશે તેમ તેમણે ઉમેર્યું હતું.
વિદેશી મુદ્રા ભંડારનું રક્ષણ અને સ્વદેશીનો આગ્રહ
દેશના વિદેશી મુદ્રા ભંડારને મજબૂત કરવા માટે નરેન્દ્રભાઈએ બિનજરૂરી વિદેશ પ્રવાસો, વિદેશી વેકેશન અને વિદેશમાં યોજાતા લગ્નપ્રસંગો ટાળીને સ્થાનિક પ્રવાસન અને ભારતમાં જ ઉજવણી કરવા અપીલ કરી છે. વધુમાં, એક વર્ષ માટે બિનજરૂરી સોનાની ખરીદી ટાળવા અને રોજિંદા વપરાશની વસ્તુઓ જેવી કે જૂતા, બેગ અને એસેસરીઝમાં ‘મેડ ઈન ઈન્ડિયા’ ઉત્પાદનોને પ્રાથમિકતા આપવા જણાવ્યું છે.
આરોગ્ય અને કૃષિ ક્ષેત્રે સુધારા
નાગરિકોના સ્વાસ્થ્ય અને દેશની આર્થિક તંદુરસ્તી માટે ખાદ્ય તેલનો વપરાશ ઘટાડવા નરેન્દ્રભાઈએ અનુરોધ કર્યો છે. ખેડૂતોને સંબોધતા તેમણે રાસાયણિક ખાતરનો વપરાશ 50 ટકા ઘટાડવા, પ્રાકૃતિક ખેતી અપનાવી જમીનનું આરોગ્ય સુધારવા અને ખેતીમાં ડીઝલ પંપના સ્થાને સોલર પંપનો ઉપયોગ વધારવા હાકલ કરી છે, જેથી આયાત પરની નિર્ભરતા ઘટાડી શકાય.
(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
