<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

યુઝરનેમ ફીચરઃ વ્‍હોટસએપ બાદ ટેલીગ્રામ-સિગ્નલને કેન્‍દ્રની નોટીસ

યુઝર નેમ પાછળ ફોન નંબર છુપાવવાથી કૌભાંડ માટે તક ઉભી થવાની ભીતી

નવી દિલ્‍હીઃ કેન્‍દ્ર સરકારે યુઝરનેમઅંગે મેટા નોટિસ આપ્‍યા બાદ, કેન્‍દ્ર સરકારે હવે મેસેજિંગ પ્‍લેટફોર્મના યુઝરનેમ ફીચરની તપાસનો વિસ્‍તાર કર્યો છે. વ્‍હોટસએપ સાથે ઉઠાવવામાં આવેલી આવી જ ચિંતાઓને પગલે હવે ટેલીગ્રામ અને સીગ્નલને નોટિસ મોકલવામાં આવી છે.

અહેવાલ મુજબ, ઇલેક્‍ટ્રોનિક્‍સ અને ઇન્‍ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય એ ટેલિગ્રામ અને સિગ્નલ પાસેથી યુઝરનેમ છેતરપિંડી, નકલ અને અન્‍ય પ્રકારના ઓનલાઈન દુરુપયોગ સાથે સંકળાયેલા જોખમોને કેવી રીતે સંબોધિત કરી રહ્યા છે તે અંગે જવાબો માંગ્‍યા છે. વધુમાં સરકારે ટેલિગ્રામને પણ પૂછયું છે કે, તેને આ ફીચર ઓફર કરવાનું ચાલુ રાખવાની મંજૂરી શા માટે આપવી જોઈએ.

ટેલિગ્રામ અને સિગ્નલને નોટિસ મોકલતા પહેલા સરકારે મેટાને વોટ્‍સએપ માટે યુઝરનેમ ફીચર રિલીઝ કરવાનું બંધ કરવાનો આદેશ આપ્‍યો હતો. સરકારે તેમને તેની ગોપનીયતા અને સુરક્ષા અસરો પર પરામર્શ પૂર્ણ ન થાય ત્‍યાં સુધી આ ફીચર રોલઆઉટ કરવાનું ટાળવા કહ્યું છે.

મેટાના ચીફ કમ્‍પ્‍લાયન્‍સ ઓફિસરને મોકલવામાં આવેલી નોટિસમાં, અધિકારીઓએ ત્રણ દિવસની અંદર વિગતવાર જવાબ માંગ્‍યો હતો અને પ્રશ્‍ન કર્યો હતો કે, શું આ ફીચર સાયબર ક્રાઇમનું જોખમ વધારી શકે છે. મંત્રાલયે હવે ટેલિગ્રામ અને સિગ્નલ સુધી સમીક્ષા લંબાવી છે, જે બંને પહેલાથી જ વપરાશકર્તાઓને ફોન નંબરને બદલે યુઝરનેમનો ઉપયોગ કરીને ચેટ કરવાની મંજૂરી આપે છે.

સરકાર ચિંતિત છે કે, યુઝરનેમ સ્‍કેમર્સ માટે સેલિબ્રિટી, જાહેર વ્‍યક્‍તિઓ, સરકારી અધિકારીઓ અથવા વિશ્વસનીય વ્‍યક્‍તિઓનો ઢોંગ કરવાનું સરળ બનાવી શકે છે. અધિકારીઓને ડર છે કે, યુઝરનેમ પાછળ ફોન નંબર છુપાવવાથી ફિશિંગ, ઓનલાઈન છેતરપિંડી અને ડિજિટલ ધરપકડ જેવા કૌભાંડો માટે નવી તકો ઊભી થઈ શકે છે.

(2:36 PM IST)