<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

બાળકોને ઈન્‍ટરનેટનો ઉપયોગ કરવાનો અધિકાર

સુપ્રિમ કોર્ટે મૌલિક અધિકાર જાહેર કર્યો બાળકોની ઓનલાઈન સુરક્ષા માટે ચાઈલ્‍ડ મોડ અપનાવવાનું કોર્ટનું સૂચન

નવી દિલ્‍હી, તા.૧૭: આજના આધુનિક, હાઇટેક અને ડિજિટલ યુગમાં બાળકોના ઇન્‍ટરનેટ ઉપયોગ તેમજ તેમની ઓનલાઇન સુરક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે એક અત્‍યંત મહત્‍વપૂર્ણ અને આંખ ઉઘાડનારો ઐતિહાસિક ચુકાદો આપ્‍યો છે. જસ્‍ટિસ જે.બી. પારડીવાલા અને જસ્‍ટિસ કે. વિનોદ ચંદ્રનની ખંડપીઠે સ્‍પષ્ટ અને આકરા શબ્‍દોમાં આદેશ આપતાં જણાવ્‍યું છે કે બાળકોની ઉંમર ગમે તે હોય, તેમને ઇન્‍ટરનેટના ઉપયોગથી સંપૂર્ણપણે વંચિત રાખી શકાય નહીં. અદાલતે ભારપૂર્વક કહ્યું કેઃ ઇન્‍ટરનેટનો ઉપયોગ કરવો એ બાળકોનો પણ બંધારણીય મૂળભૂત અધિકાર છે.

સર્વોચ્‍ચ અદાલતે પોતાના ચુકાદામાં સ્‍પષ્ટ કર્યું કેઃ ભારતીય બંધારણની કલમ ૨૧ (જીવવાના અધિકાર) અને કલમ ૧૯(૧)(એ) (વાણી અને અભિવ્‍યક્‍તિની સ્‍વતંત્રતા) હેઠળ દરેક નાગરિકની જેમ બાળકો પણ માહિતી મેળવવાનો, વિચારો શોધવાનો અને પોતાને વ્‍યક્‍ત કરવાનો પૂરો હક ધરાવે છે. ઓનલાઇન સાયબર જોખમો, ફ્રોડ કે અશ્‍લીલ સામગ્રીના ડરથી બાળકોને ઇન્‍ટરનેટ અને સોશિયલ મીડિયાથી દૂર કરવા તે મુદ્દાનો ઉકેલ નથી. ચોક્કસ વયથી નીચેના બાળકોમાં વિચારવાની કે પોતાની જાતને વ્‍યક્‍ત કરવાની ક્ષમતા નથી હોતી તેમ માનવું સંપૂર્ણપણે ભૂલભરેલું છે.

કોર્ટે વધુમાં નોંધ્‍યું કે આજના સમયમાં ઇન્‍ટરનેટ માત્ર મનોરંજનનું સાધન નથી પરંતુ જ્ઞાન, શિક્ષણ અને સર્જનાત્‍મકતાનું વિશાળ માધ્‍યમ બની ગયું છે. ખાસ કરીને દેશના દૂર-સુદૂર અને ગ્રામીણ વિસ્‍તારોમાં રહેતા હજારો બાળકો માટે ઇન્‍ટરનેટ જ શીખવા અને નવી માહિતી મેળવવાનું એકમાત્ર સશક્‍ત સાધન છે. આવી સ્‍થિતિમાં બાળકો પાસેથી ડિજિટલ માધ્‍યમો છીનવી લેવાથી તેમના સર્વાંગી વિકાસ, અભ્‍યાસ અને પોતાની જાતને વ્‍યક્‍ત કરવાની સુવર્ણ તકો પર સીધો પ્રહાર થાય છે.

તદુપરાંત, સુપ્રીમ કોર્ટે સ્‍પષ્ટ કર્યું કે બાળકોને ઇન્‍ટરનેટની સ્‍વતંત્રતા આપવાનો અર્થ તેમની સુરક્ષાની અવગણના કરવાનો બિલકુલ નથી. કોર્ટે બાળકોની સલામતી અને તેમની સ્‍વતંત્રતા બંનેને એકસમાન મહત્‍વ આપતા તમામ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ્‍સ અને ઓનલાઇન સેવા આપતી કંપનીઓને કડક નિર્દેશ આપ્‍યા છે. બેન્‍ચે આદેશ આપ્‍યો છે કે બાળ જાતીય શોષણ અને દુર્વ્‍યવહાર સંબંધિત સામગ્રીને તાત્‍કાલિક ધોરણે શોધીને ડિલીટ કરવા માટેની પોતાની ટેકનિકલ સિસ્‍ટમ વધુ મજબૂત કરવામાં આવે, જેથી બાળકોને ડિજિટલ દુનિયાથી અલગ કર્યા વિના જ સુરક્ષિત વાતાવરણ પૂરું પાડી શકાય

(3:43 PM IST)