<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક મોટી વિમાન દુર્ઘટનામાંથી માંડ માંડ બચ્યા

મુરાદાબાદ એરપોર્ટ પર ટેકઓફ પહેલાં સરકારી વિમાનનું એન્જિન અચાનક ફેલ થયું: એન્જિનમાંથી ધુમાડો નીકળતા એરપોર્ટ પર અફરાતફરી: પાયલોટ અને સુરક્ષા ટીમની સતર્કતાથી તમામ મુસાફરો સુરક્ષિત બચી ગયા

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક મોટી વિમાન દુર્ઘટનામાંથી માંડ માંડ બચી ગયા હતા. મુરાદાબાદ એરપોર્ટ પરથી લખનૌ જવા માટે તેઓ સરકારી વિમાનમાં સવાર થયા હતા, ત્યારે ટેકઓફ પહેલાં જ વિમાનમાં ગંભીર ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, 6 સીટવાળું સરકારી વિમાન રનવે પર ટેકઓફ માટે તૈયાર થઈ રહ્યું હતું. એ જ સમયે વિમાનનું ડાબું એન્જિન  અચાનક બંધ થઈ ગયું હતું. થોડી જ પળોમાં એન્જિનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો, જેના કારણે એરપોર્ટ પર ચિંતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

 

ઘટના બનતાની સાથે જ પાયલોટ અને ગ્રાઉન્ડ સ્ટાફ તાત્કાલિક સક્રિય બન્યા હતા. એરપોર્ટ વહીવટીતંત્ર અને સુરક્ષા એજન્સીઓએ વિમાન પાસે પહોંચી ગયા હતા અને નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક સહિત તમામ ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. વિમાનમાં સર્જાયેલી ખામી બાદ બ્રજેશ પાઠક હવે રોડ માર્ગે  લખનૌ જવા માટે રવાના થયા હતા.

 

 

આ પહેલીવાર નથી જ્યારે બ્રજેશ પાઠકની હવાઈ મુસાફરીમાં અવરોધ આવ્યો હોય. મે મહિનાની શરૂઆતમાં પણ એક મોટી ઘટના બની હતી, જેમાં તેઓ અને ઉત્તર પ્રદેશના બીજા નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય દિલ્હીથી લખનૌ જતાં સમયે ખરાબ હવામાન અને ભારે તોફાન ફસાઈ ગયા હતા. નબળી દૃશ્યતા અને ખરાબ હવામાનને કારણે પાયલોટે વિમાનને ભોપાલ તરફ વાળવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે બંને નાયબ મુખ્યમંત્રીઓનું લખનૌ પહોંચવાનું સમયપત્રક કલાકો સુધી મોડું પડ્યું હતું.

 

 

મુરાદાબાદ એરપોર્ટ પર બનેલી આ ગંભીર ઘટનાને પગલે નાગરિક ઉડ્ડયન વિભાગએ વિમાનનું સંપૂર્ણ ટેકનિકલ નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે. એન્જિનિયરોની વિશેષ ટીમ એ તપાસ કરી રહી છે કે વિમાનનું એન્જિન કેમ નિષ્ફળ ગયું અને VVIP મુવમેન્ટ પહેલાં કરવામાં આવતી નિયમિત તપાસ દરમિયાન આ ખામી કેમ સામે આવી નહીં.

આ ઘટના બાદ સરકારી વિમાનોની સુરક્ષા વ્યવસ્થા અને મેન્ટેનન્સ પ્રક્રિયા પર પણ સવાલો ઉભા થયા છે. VVIP મુસાફરી દરમિયાન આવી ગંભીર ખામી સામે આવતા હવે સુરક્ષા ધોરણોને વધુ કડક બનાવવાની માંગ ઉઠી રહી છે.

(7:15 PM IST)