તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
ચારધામ યાત્રાના વાહન નિયમોમાં ઉત્તરાખંડ સરકારનો મોટો ફેરફાર: કમર્શિયલ ગાડીઓ માટે 'ગ્રીન કાર્ડ' અને પ્રાઇવેટ કાર માટે 'ટ્રિપ કાર્ડ' કરાયું ફરજિયાત
ટુરિસ્ટ બસ અને ટેક્સી ચાલકો પાસે આ પ્રમાણિત દસ્તાવેજ નહીં હોય તો પોલીસ અધવચ્ચેથી જ વાહન કરશે જપ્ત; ઓનલાઈન અને RTO કચેરીઓ પર ચેકિંગ પ્રક્રિયા શરૂ

હરિદ્વાર: ઉત્તરાખંડમાં હાલમાં હકડેઠઠ મેદની વચ્ચે ચાલી રહેલી સુપ્રસિદ્ધ ચારધામ યાત્રાને વધુ સુરક્ષિત, સુવ્યવસ્થિત અને અકસ્માત રહિત બનાવવા માટે ત્યાંના રાજ્ય વહીવટી તંત્ર અને પરિવહન વિભાગે કમર કસી છે. પહાડી રસ્તાઓ પર શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વાહન વ્યવસ્થા અંગે કેટલાક અત્યંત કડક અને નવા નિયમો તાત્કાલિક ધોરણે લાગુ કરી દેવામાં આવ્યા છે. હવેથી ચારધામના રૂટ પર દોડતા વાહનો માટે 'ગ્રીન કાર્ડ' (Green Card) ને એક અનિવાર્ય અને આધારભૂત દસ્તાવેજ માનવામાં આવશે. પોલીસ અને આરટીઓ (RTO) ની સંયુક્ત ટીમો દ્વારા યાત્રાના તમામ એન્ટ્રી પોઈન્ટ્સ પર લોખંડી ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
શું છે ગ્રીન કાર્ડનો નિયમ? આ વાહનો માટે છે ખૂબ જ જરૂરી
પરિવહન વિભાગના જણાવ્યા અનુસાર, 'ગ્રીન કાર્ડ' મુખ્યત્વે વાહનની ફિટનેસ અને કાનૂની માન્યતા નક્કી કરતું પ્રમાણપત્ર છે. આ નિયમ ખાસ કરીને પ્રવાસીઓ લાવતી ટુરિસ્ટ બસ, ટ્રાવેલ્સ, ટેક્સી અને કેબ જેવા તમામ કમર્શિયલ (વ્યાપારી) વાહનો માટે બનાવવામાં આવ્યો છે. આ કાર્ડ મેળવતા પહેલા વાહનનું સંપૂર્ણ ફિઝિકલ ચેકિંગ થાય છે, જે એ બાબત નિશ્ચિત કરે છે કે પહાડો પર દોડવા માટે ગાડી સંપૂર્ણ ફિટ છે. આ ગ્રીન કાર્ડની અંદર જ વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ, ઓલ ઈન્ડિયા પરમિટ, રોડ ટેક્સ, ઇન્સ્યોરન્સ પોલિસી (વીમો) અને પીયુસી (PUC) જેવા તમામ જરૂરી દસ્તાવેજો ડિજિટલી લિંક થયેલા હોય છે.
પ્રાઇવેટ ગાડીવાળા માટે રાહત, પણ 'ટ્રિપ કાર્ડ' તો રાખવું જ પડશે
જો તમે તમારા પોતાના અંગત વાહન એટલે કે ખાનગી કાર (Private Vehicle) દ્વારા ગુજરાત કે અન્ય રાજ્યમાંથી ચારધામ યાત્રા કરવા જઈ રહ્યા છો, તો તમારે 'ગ્રીન કાર્ડ' બનાવવાની કોઈ જરૂર નથી. પરંતુ, ઉત્તરાખંડ સરકારે ખાનગી વાહનો માટે 'ટ્રિપ કાર્ડ' (Trip Card) અનિવાર્ય બનાવ્યું છે. એટલે કે, પ્રાઇવેટ કાર લઈને જતાં મુસાફરો પાસે પણ યાત્રા દરમિયાન ટ્રિપ કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે. જો યાત્રાના રૂટ પર ચેકિંગ દરમિયાન વાહન ચાલક પાસે ગ્રીન કાર્ડ કે ટ્રિપ કાર્ડ નહીં હોય, તો પોલીસ તેમને કોઈપણ સંજોગોમાં આગળ જવાની મંજૂરી નહીં આપે અને ત્યાંથી જ પરત મોકલી દેશે અથવા દંડ ફટકારશે.
ઘરે બેઠા ઓનલાઈન મેળવો કાર્ડ, યાત્રાનું રજીસ્ટ્રેશન પણ ફરજિયાત
આ કાર્ડ મેળવવા માટે શ્રદ્ધાળુઓએ મુશ્કેલી વેઠવાની જરૂર નથી. વાહનની આરસી બુક (RC), ડ્રાઈવિંગ લાયસન્સ (DL) અને ચાલુ વીમા પોલિસીની મદદથી ઉત્તરાખંડ પરિવહન વિભાગની સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકાય છે. આ સિવાય હરિદ્વાર કે ઋષિકેશ નજીકની RTO ઑફિસની રૂબરૂ મુલાકાત લઈને પણ વાહનનું ચેકિંગ કરાવીને ગ્રીન કાર્ડ મેળવી શકાય છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે વાહનોના કાર્ડ સિવાય તમામ મુસાફરોએ 'ઉત્તરાખંડ ટુરિઝમ'ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને પોતાનું વ્યક્તિગત બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન કરાવવું પણ એટલું જ અનિવાર્ય છે.
(11:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
