<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનસેવાથી રાષ્ટ્રસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં વડનગરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’નો ભવ્ય પ્રારંભ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતી અને હાટકેશ્વર મહાદેવના દર્શન કરી કરાઈ પ્રાર્થના : વડનગરથી વારાણસી સુધીની ૨૫૦થી વધુ બાઈકર્સની ભવ્ય રેલીને ફ્લેગ ઓફ આપી કરાઈ રવાના

વડનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન અને જનસેવાથી રાષ્ટ્રસેવાના અવિરત ૨૫ વર્ષના ઐતિહાસિક ઉપલક્ષમાં મહેસાણાના વડનગર ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. વડનગરના સુપ્રસિદ્ધ શર્મિષ્ઠા તળાવના કિનારે આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મહાનુભાવોએ શર્મિષ્ઠા તળાવ ખાતે આયોજિત મહાઆરતીમાં સહભાગી થઈને પ્રધાનમંત્રીના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનું સંબોધન:
અમિતભાઈ શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આઝાદી પછી અત્યાર સુધી કોઈપણ રાજનેતાએ સતત ૨૫ વર્ષ સુધી રાજ્ય અને દેશના વડા તરીકે સેવા આપવાનો વિક્રમ સ્થાપ્યો નથી. પ્રધાનમંત્રીએ એક પણ દિવસની રજા લીધા વિના ૨૫ વર્ષ રાષ્ટ્રની સેવામાં વ્યતીત કર્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ૨૫ વર્ષના જાહેર જીવનમાં તેમના પર ભ્રષ્ટાચારનો એક પણ ડાઘ લાગ્યો નથી અને વિરોધ પક્ષો પણ તેમના પર વ્યક્તિગત ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી શકતા નથી. પ્રધાનમંત્રીએ ૧૪૦ કરોડ ભારતીયોને જ પોતાનો પરિવાર માન્યો છે અને ‘ભારત પ્રથમ’ના મંત્ર સાથે દેશને નવી દિશા આપી છે.

દેશના વિકાસના ચિત્રને રજૂ કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રીના ૧૨ વર્ષના કાર્યકાળને ગરીબ કલ્યાણના સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવશે. ૨૫ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવાનું ભગીરથ કાર્ય આ શાસનમાં થયું છે. ૮૦ કરોડ ગરીબોને નિ:શુલ્ક અનાજ, આવાસ, શૌચાલય, વીજળી, ગેસ સિલિન્ડર અને ૫ લાખ સુધીની મફત સારવારની સુવિધા પૂરી પાડીને છેવાડાના માનવીનું જીવન સ્તર સુધારવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે ભારતને ‘ફ્રેઝાઈલ ફાઈવ’માંથી બહાર કાઢીને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બનાવવાનું શ્રેય નરેન્દ્રભાઈ મોદીના મજબૂત નેતૃત્વને જાય છે.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના ગાળાને યાદ કરતા તેમણે જણાવ્યું કે ૨૪ કલાક વીજળી, જ્યોતિગ્રામ યોજના, વનબંધુ અને સાગરખેડૂ કલ્યાણ યોજના જેવા મોડેલ્સ દ્વારા ગુજરાતનો સર્વસ્પર્શી વિકાસ થયો હતો અને આજે એ જ ગુજરાત મોડેલ દેશના વિકાસનો આધાર બન્યું છે. તેમણે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદી, ટ્રિપલ તલાકની સમાપ્તિ, સર્જિકલ સ્ટ્રાઈક અને ડિજિટલ ઈન્ડિયા જેવા સાહસિક નિર્ણયોનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય સુરક્ષા અને આત્મવિશ્વાસને નવી ઊંચાઈએ પહોંચાડ્યા છે. ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનો જે સંકલ્પ લેવાયો છે, તેને પૂર્ણ કરવા માટે આ સેવા સંકલ્પ અભિયાન યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બનશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું વક્તવ્ય:
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાનના જન્મ દિવસે તેમની જન્મભૂમિથી શરૂ થઈ રહેલી બાઈક યાત્રાને રાષ્ટ્ર સેવાની સંકલ્પ યાત્રા ગણાવી હતી. તેમણે કહ્યું કે, વડનગરની ભૂમિએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને દેશપ્રેમ, સેવા-સાદગી અને સમાજ માટે રાષ્ટ્રહિત પ્રથમના ભાવથી સમર્પિત થવાની પ્રેરણા આપી છે. વડાપ્રધાનના અપ્રતિમ પરિવર્તન અને અપ્રતિમ વિકાસના મૂળમાં તેમની ૨૫ વર્ષની જનસેવા સાધના અને સમર્પણ રહ્યા છે.

આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, એક સમયે નગણ્ય ગણાતું ભારત આજે તકોનો દેશ બન્યું છે અને જે દેશના યુવાઓ રોજગાર માટે બહારની દુનિયા તરફ જોતા હતા એ દેશ આજે મોટો ટેલેન્ટ પૂલ બન્યો છે. ટેક્નોલોજીના ઉપયોગમાં પાછળ રહેવાનું ભારતનું મેણું ભાંગીને આજે ડિજિટલ પેમેન્ટથી લઈને સ્પેસ ટેક્નોલોજી સુધી ભારતનો ડંકો વાગે છે. કરોડો લોકોનો વિશ્વાસ મેળવીને નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાન સેવક તરીકે દેશને વિશ્વ ગૌરવ અપાવ્યું છે. આત્મનિર્ભરતાના મંત્ર સાથે ૭.૮ ટકાના વિકાસ દરથી દેશને વધુ તેજ ગતિ મળી છે અને ભારતમાંથી નક્સલવાદનો સફાયો થયો છે. તાજેતરમાં ભારતમાં પૂર્ણ થયેલી બ્રિક્સ સમિટની સફળતાથી ભારત વિશ્વમિત્ર તરીકે ઉભરી આવ્યું છે.

અન્ય મહાનુભાવોના વિચારો:
કાર્યક્રમમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, વડનગરની માટીમાંથી ઉઠેલો અવાજ આજે વૈશ્વિક સ્તરે ગુંજી રહ્યો છે. તેમણે કલમ ૩૭૦ નાબૂદી, રામ મંદિર નિર્માણ અને ડિજિટલ ઈન્ડિયા જેવા ઐતિહાસિક નિર્ણયોનો ઉલ્લેખ કરી વડાપ્રધાનના મક્કમ નેતૃત્વને બિરદાવ્યું હતું.

કેન્દ્રીય મંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલે પણ વડાપ્રધાનની ‘લાસ્ટ માઈલ ડિલિવરી’ની નીતિની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ૧૨ વર્ષમાં ૨૫ કરોડ લોકો ગરીબીની રેખામાંથી બહાર આવ્યા છે અને ભારત આજે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે.

વડનગરથી વારાણસી ભવ્ય બાઈક રેલી:
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે વડનગરથી વારાણસી સુધીની ભવ્ય બાઈક રેલીને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવાયું હતું. ‘અનંત અનાદિ’ વડનગરથી ‘આધ્યાત્મિક’ વારાણસી સુધી ૨૫૦થી વધુ બાઈકર્સ રાષ્ટ્રસેવા અને જનજાગૃતિનો સંદેશ પ્રસરાવશે. યુવાનો શર્મિષ્ઠા તળાવનું પવિત્ર જળ લઈ વડનગરથી યાત્રા યોજી કાશી વિશ્વનાથ મહાદેવને જલાભિષેક કરશે, જે બે ઐતિહાસિક અને આધ્યાત્મિક નગરો વચ્ચેના અતૂટ સંબંધને પ્રદર્શિત કરે છે.

ધાર્મિક અનુષ્ઠાન અને સ્વચ્છતા અભિયાન:
કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતી બાદ સુપ્રસિદ્ધ હાટકેશ્વર મંદિર સુધી પદયાત્રા યોજી હતી. ઐતિહાસિક તીર્થધામ હાટકેશ્વર મહાદેવના ચરણોમાં શીશ નમાવી દેશ અને રાજ્યની પ્રગતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રીએ વડનગર રેલવે સ્ટેશન ખાતે આયોજિત સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કરી નાગરિકોને પોતાના પરિસરને સ્વચ્છ રાખવાનો સંદેશ પાઠવ્યો હતો તેમજ ‘એક પેડ મા કે નામ’ ઝુંબેશ અંતર્ગત સ્ટેશન પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.

આ ગૌરવપૂર્ણ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ, અગ્રણી જગદીશ વિશ્વકર્મા, રાજ્ય સરકારના મંત્રીઓ, સામાજિક અગ્રણીઓ, સાંસદો, ધારાસભ્યો, સંતો-મહંતો અને વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

(4:35 PM IST)