News of Saturday, 11th July 2026
વૈષ્ણવો અને પ્રવાસના રસિયાઓ માટે બખ્ખાં: ગુજરાતથી ગોકુળ-મથુરા અને રાજસ્થાન જવાની કન્ફર્મ ટિકિટનું ટેન્શન કાયમ માટે ખતમ, સ્પેશિયલ ટ્રેનોના ફેરામાં ધરખમ વધારો!
પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ-લાલકુઆં ટ્રેનના ૧૧-૧૧ વધારાના ફેરા લંબાવવાની જાહેરાત; સાબરમતીથી લાલગઢ વચ્ચે રોજ દોડશે એક નવી ધમાકેદાર ડેઇલી ટ્રેન

અમદાવાદ : જો તમે આગામી દિવસોમાં ગુજરાતમાંથી કૃષ્ણ નગરી ગોકુળ-મથુરા જવાનું આયોજન કરી રહ્યા છો અથવા રાજસ્થાનના પ્રખ્યાત ટુરિસ્ટ પ્લેસ પર ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો રેલવે ટિકિટના વેઇટિંગ લિસ્ટનું ટેન્શન હવે ભૂલી જાઓ. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની ભારે ભીડ અને સતત વધતી માંગને ધ્યાનમાં રાખીને એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતથી રાજસ્થાનના જોધપુર, જયપુર અને ઉત્તર પ્રદેશના મથુરાને જોડતી પ્રખ્યાત સ્પેશિયલ ટ્રેનના ફેરામાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે, જેનો સીધો લાભ ગુજરાતના લાખો મુસાફરો અને કૃષ્ણ ભક્તોને મળશે.
રેલવે પ્રશાસન તરફથી મળતી સત્તાવાર વિગતો અનુસાર, પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નંબર 05046/05045 રાજકોટ–લાલકુઆં સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનના ૧૧-૧૧ વધારાના ફેરા લંબાવવાનો નિર્ણય કરાયો છે. ટ્રેન નંબર 05046 રાજકોટ–લાલકુઆં સ્પેશિયલ ટ્રેન આગામી ૨૦ જુલાઈથી ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી દર અઠવાડિયે દોડશે. જ્યારે પરત ફરતી ટ્રેન નંબર 05045 લાલકુઆં–રાજકોટ સ્પેશિયલ ૧૯ જુલાઈથી ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી પોતાના લંબાવેલા ફેરા પૂર્ણ કરશે. મુસાફરો માટે સૌથી મહત્વના સમાચાર એ છે કે આ ટ્રેનોનું એડવાન્સ બુકિંગ આજથી એટલે કે ૧૧ જુલાઈ, ૨૦૨૬થી તમામ રેલવે ટિકિટ કાઉન્ટરો (PRS) અને IRCTCની વેબસાઇટ પર શરૂ કરી દેવામાં આવ્યું છે.
🚆 પ્રવાસીઓ માટે ખુશખબર: સાબરમતી-લાલગઢ નવી ડેઇલી ટ્રેન શરૂ
ગુજરાતીઓ માટે રાજસ્થાન હંમેશાથી ફેવરિટ ડેસ્ટિનેશન રહ્યું છે. લોકો રજાઓમાં માઉન્ટ આબુ, જોધપુર, જેસલમેર અને ઉદયપુર ઉપડી જતા હોય છે. પરંતુ જોધપુર તરફ ટ્રેનો ઓછી હોવાથી ટિકિટ મળવી લોઢાના ચણા ચાવવા સમાન હતું. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને સાબરમતી અને લાલગઢ વચ્ચે એક તદ્દન નવી 'ડેઇલી ટ્રેન' સેવાની જાહેરાત કરી છે.
આ નવી રેગ્યુલર ટ્રેન સેવાની વાત કરીએ તો, ટ્રેન નંબર ૧૯૪૦૭ (સાબરમતી-લાલગઢ) દરરોજ સાંજે ૧૭:૫૫ કલાકે સાબરમતીથી ઉપડશે અને બીજા દિવસે સવારે ૦૮:૧૦ કલાકે લાલગઢ પહોંચાડશે. જ્યારે વળતી મુસાફરીમાં ટ્રેન નંબર ૧૯૪૦৮ (લાલગઢ-સાબરમતી) દરરોજ રાત્રે ૨૧:૦૫ કલાકે લાલગઢથી ઉપડીને બીજા દિવસે સવારે ૧૧:૩૦ કલાકે સાબરમતી પરત ફરશે. રેલવેના આ ડબલ ધમાકાથી હવે રાજસ્થાન અને મથુરા તરફ જતા યાત્રિકોની મુસાફરી વધુ સુખદ, સરળ અને કન્ફર્મ બની જશે.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
