News of Sunday, 19th July 2026
વૈષ્ણોદેવી યાત્રા સંપૂર્ણ સ્થગિત: ૧૫ હજાર શ્રદ્ધાળુઓ કટરા ખાતે અટવાયા: જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં મોડી રાત્રે વાદળ ફાટવાથી અને ભારે મૂશળધાર વરસાદ ખાબકતા ભારે તબાહી: પૂરના ધસમસતા પ્રવાહમાં આખું કબ્રસ્તાન અને વાહનો ધોવાયા: નેશનલ હાઈવે પર ભૂસ્ખલનના કારણે રસ્તાઓ બંધ: બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ: હેલિકોપ્ટર સેવા પણ સ્થગિત

રાજૌરી: જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં મોડી રાત્રે ૧ થી આજે રવિવારે સવારના ૬ વાગ્યા દરમિયાન થયેલા અતિભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાએ ભારે તબાહી મચાવી છે.
મૂશળધાર વરસાદને કારણે સ્થાનિક દરહાલી નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું હતું. આ પૂરના પાણી નજીકની બેલા કોલોનીમાં ઘૂસી જતા આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો. પરિણામે અસંખ્ય પરિવારો ઘરોમાં કેદ થઈ ગયા હતા અને બસ સ્ટેન્ડમાં ઉભેલા ડઝનબંધ વાહનો ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા હતા.
માંજાકોટ તહસીલના કોટલી કલાબન અને ગોલીનારી વિસ્તારોમાં વાદળ ફાટવાથી સ્થાનિક કબ્રસ્તાન ધોવાઈ ગયું હતું. થન્ના મંડી સબ-ડિવિઝનના વિસ્તારો પણ પ્રભાવિત થયા છે.
બીજી તરફ, કટડા અને આસપાસના વિસ્તારોમાં મૂશળધાર વરસાદ ચાલુ રહેતાં સુરક્ષાના ભાગરૂપે પ્રખ્યાત માતા વૈષ્ણોદેવીની યાત્રા સ્થગિત કરાઈ છે.
બેટરી કાર માર્ગ પર મોટા ખડકો પડ્યા છે અને ભૈરવ ઘાટી માર્ગ પર હળવું ભૂસ્ખલન થયું છે.
હેલિકોપ્ટર સેવા સહિતની તમામ સુવિધાઓ બંધ કરાતા ૧૫૦૦૦ જેટલા યાત્રાળુઓ કટડામાં અટવાયા છે.
ભારે વરસાદના કારણે નેશનલ હાઈવેની અપ ટ્યુબ પર માટી ધસી પડતાં રસ્તો બ્લોક થયો છે. હવામાન વિભાગની ચેતવણી બાદ રાહત ટીમો તૈનાત કરવામાં આવી છે.
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
