<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

ગાઝિયાબાદમાં આંબેડકરની પ્રતિમાની તોડફોડથી સનસનાટી: રોષે ભરાયેલા લોકોએ હાઈવે જામ કરી મચાવ્યો ભારે હોબાળો

ઇન્દ્રપુરી કોલોનીમાં અસામાજિક તત્વોએ વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરતા જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો, ધારાસભ્ય નંદ કિશોર ગુર્જરની દોષિતો સામે NSA હેઠળ કડક કાર્યવાહીની માંગ સાથે પોલીસ છાવણીમાં ફેરવાતો વિસ્તાર

ગાઝિયાબાદ:ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં લોની બોર્ડર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળની ઇન્દ્રપુરી કોલોનીમાં બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને અજાણ્યા બદમાશો દ્વારા નિશાન બનાવવામાં આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ઘટનાની જાણ થતા જ સેંકડોની સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને દિલ્હી-સહારનપુર હાઈવેને સંપૂર્ણપણે બ્લોક કરી દીધો હતો. ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ સૂત્રોચ્ચાર કરીને ન્યાયની માંગ કરી હતી, જેના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.

પરિસ્થિતિની ગંભીરતાને જોતા લોનીના ધારાસભ્ય નંદ કિશોર ગુર્જર અને નગરપાલિકા અધ્યક્ષા રંજીતા ધામા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ધારાસભ્યએ આ ઘટનાને શાંતિપૂર્ણ માહોલ બગાડવાનું સુનિયોજિત ષડયંત્ર ગણાવીને તંત્ર પાસે માંગ કરી છે કે આવા તત્વો સામે નેશનલ સિક્યુરિટી એક્ટ (NSA) હેઠળ ગુનો દાખલ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ. લોકોનો આક્રોશ એટલો પ્રચંડ હતો કે પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે હાઈવેની એક લેન ખાલી કરાવવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી, તેમ છતાં લોકો ગુનેગારોની તાત્કાલિક ધરપકડ ન થાય ત્યાં સુધી હટવા તૈયાર નહોતા.

તણાવપૂર્ણ માહોલને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરી છે. પોલીસે અત્યાર સુધીમાં બે શંકાસ્પદ શખ્સોની અટકાયત કરી હોવાના અહેવાલ છે, પરંતુ સ્થાનિક લોકોમાં હજુ પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પ્રદર્શનકારીઓને શાંત પાડવા સમજાવટ કરી રહ્યા છે અને ખાતરી આપી રહ્યા છે કે કોઈપણ દોષિતને બક્ષવામાં આવશે નહીં. હાલમાં સમગ્ર લોની વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

(3:07 PM IST)