News of Thursday, 26th November 2026
વંદે ભારત સ્લીપર ટ્રેનમાં હવે ફલાઇટ જેવું ભોજનઃ નાસ્તા-જમવાના મેન્યૂમાં ફેરફાર
ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા સુધારવા આઈઆરસીટીસીનો પાયલટ પ્રોજેક્ટઃ મુંબઈ-બેંગલુરુ, હાવડા-કામાખ્યા અને નવી દિલ્હી-વારાણસી રૂટ પર પ્રાંરભ

મુંબઈ તા.૨૬: લાંબી મુસાફરી દરમિયાન ટ્રેનમાં ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને મળતી ફરિયાદો ઘટાડવા ભારતીય રેલવેએ નવી પહેલ કરી છે. હવે વંદે ભારત સ્લીપર ટ્રેનમાં મુસાફરોને વાનગીઓની લાંબી યાદીને બદલે ફલાઇટમાં મળે છે તેવું મર્યાદિત અને નક્કી કરેલું મેન્યૂ પીરસવામાં આવશે. આ પાયલટ પ્રોજેક્ટ હેઠળ હાલમાં ત્રણ રૂટ પર નાસ્તા, બપોરના ભોજન અને રાત્રિભોજનની વ્યવસ્થામાં ફેરફાર કરાયો છે.
ઈન્ડિયન રેલવે કેટરિગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશને (IRCTC) મુંબઈ-બેંગલુરુ, હાવડા-કામાખ્યા અને નવી દિલ્હી-વારાણસી વંદે ભારત સ્લીપર ટ્રેનોમાં આ કોમ્પેક્ટ મેન્યૂ શરૂ કર્યું છે. તેનો હેતુ વાનગીઓની સંખ્યા ઘટાડીને ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવાનો છે.
આ પ્રોજેક્ટમાં ભોજન બનાવવાની જવાબદારી રેલવે અથવા તેના હાલના કેટરિગ વેન્ડરોને બદલે મોટા ક્લાઉડ કિચનને સોંપાઈ છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, કામાખ્યા રૂટ માટે મેફેર ગ્રુપ, હાવડા રૂટ માટે તાજસેટ્સ અને અન્ય બે વંદે ભારત ટ્રેનો માટે સરોવર પોર્ટિકો ગ્રુપ સાથે કામ કરવામાં આવી રહ્યું છે.
એરલાઇન્સ અને હોટલોને ભોજન પૂરું પાડતાં સેલ કિચનની સેવાઓ પણ લેવામાં આવી છે. અહીં નિર્ધારિત માપદંડો પ્રમાણે એકસરખી ગુણવત્તાવાળું ભોજન તૈયાર કરી, પેકિગ કર્યા બાદ મુસાફરોને પીરસવામાં આવે છે. મુંબઈ-બેંગલુરુ ટ્રેનમાં નાસ્તામાં ચટણી અને સાંભાર સાથે ઈડલી-વડાં, પૌંઆ અથવા ઉપમામાંથી એક વિકલ્પ મળશે. બપોરના અને રાત્રિના ભોજનમાં રોટલી, ભાત અને દાળ સાથે મુખ્ય વાનગી તરીકે ચિકન અથવા એક શાકનો વિકલ્પ મળશે.
નવા મેન્યૂમાં નાસ્તામાંથી સૂપ, ઓમલેટ, સેન્ડવિચ, છાશ અને ચોકલેટ દૂર કરાયાં છે. જ્યારે બપોરના અને રાત્રિના ભોજનમાંથી સૂકું શાક, દહીં, સલાડ, અથાણું અને મીઠાઈ હટાવાયાં છે.
વાનગીઓની સંખ્યા ઘટતાં એક મુસાફરને અપાતા ભોજનનું કુલ વજન ૭૦૦થી ૭૫૦ ગ્રામથી ઘટીને ૪૫૦થી ૫૦૦ ગ્રામ થયું છે. જોકે, આઈઆરસીટીસીના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે થાળીમાં દરેક વાનગીની માત્રા એટલે કે પોર્શન સાઇઝ પહેલાં જેટલી જ રાખવામાં આવી છે.
આઈઆરસીટીસીના વેસ્ટ ઝોનના ગ્રુપ જનરલ મેનેજરના જણાવ્યા મુજબ, ક્લાઉડ કિચનમાંથી ભોજનની સપ્લાય શરૂ થયા બાદ ફરિયાદોમાં ૧૦ ટકા ઘટાડો નોંધાયો છે. પાયલટ પ્રોજેક્ટ સફળ રહેશે તો પ્રીમિયમ ટ્રેનો સહિત લાંબા અંતરની અન્ય ટ્રેનોમાં પણ આ કોમ્પેક્ટ મેન્યૂ લાગુ કરવા વિચારણા થઈ શકે છે.
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
