તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
કર્ણાટક વિધાનસભામાં 'વંદે માતરમ્' વિવાદ: ગીતની માત્ર બે જ કડીઓ વગાડતાં ભડક્યા ભાજપના ધારાસભ્યો, ગૃહમાં જ ગાયું સંપૂર્ણ રાષ્ટ્રીય ગીત
કોંગ્રેસ સરકારના આદેશ બાદ વંદે માતરમ્ ટૂંકાવી દેવાતા વિપક્ષનો હોબાળો: સ્પીકરના શ્રદ્ધાંજલિ પ્રસ્તાવ વચ્ચે ભાજપના સભ્યોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો

બેંગલુરુ, તા.૨૧: કર્ણાટક વિધાનસભા અને વિધાન પરિષદના વિશેષ સત્રના પ્રથમ જ દિવસે 'વંદે માતરમ્' ગીતને લઈને ભારે રાજકીય વિવાદ અને હોબાળો સર્જાયો છે. સોમવારે ગૃહની કાર્યવાહીની શરૂઆતમાં સત્તાવાર રીતે વગાડવામાં આવેલું 'વંદે માતરમ્'નું ઓડિયો રેકોર્ડિંગ માત્ર બે કડીઓ પછી અચાનક પૂરું થઈ ગયું હતું. સરકારના આ વલણથી નારાજ થયેલા ભારતીય જનતા પાર્ટી (BJP) ના ધારાસભ્યોએ વિરોધ દર્શાવતા ગૃહની અંદર જ વિરોધ પક્ષના બાંકડા પર ઊભા રહીને સંપૂર્ણ રાષ્ટ્રીય ગીત ગાયું હતું અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.
હકીકતમાં, કર્ણાટકની કોંગ્રેસ સરકારે તાજેતરમાં એક આદેશ જારી કર્યો છે જે મુજબ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અથવા રાજ્યપાલની હાજરીવાળા પ્રોટોકોલ કાર્યક્રમો સિવાયના તમામ સરકારી કાર્યક્રમો અને સત્રોમાં 'વંદે માતરમ્'ની માત્ર પ્રથમ બે કડીઓ જ ગાવામાં આવશે. આ નિયમ મુજબ વિધાનસભાનું સત્ર શરૂ થતાં બે કડીઓ પૂરી થતાં જ સંગીત બંધ કરી દેવાયું હતું અને સ્પીકર જી.એસ. પાટિલે જાણીતી હસ્તીઓને શ્રદ્ધાંજલિ આપવાની મંજૂરી આપી હતી. નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે પૂર્વ ધારાસભ્ય આર.બી. શિરિયાનવરના અવસાન અંગે શ્રદ્ધાંજલિ પ્રસ્તાવ વાંચવાનું શરૂ કર્યું કે તરત જ ભાજપના ધારાસભ્યો રોષે ભરાયા હતા અને તેમણે સ્પીકરની કાર્યવાહી વચ્ચે જ આખું ગીત ગાવાનું શરૂ કરી દીધું હતું.
વિધાન પરિષદમાં પણ બંધારણની પ્રસ્તાવના વચ્ચે ભાજપનો વિરોધ
આવો જ નજારો વિધાન પરિષદમાં પણ જોવા મળ્યો હતો, જ્યાં પરિષદના અધ્યક્ષ સલીમ અહમદે પ્રણાલિકા મુજબ બંધારણની પ્રસ્તાવનાનું વાચન શરૂ કર્યું ત્યારે ભાજપના સભ્યોએ રાષ્ટ્રગીતની બાકીની કડીઓ મોટેથી ગાવાનું ચાલુ રાખ્યું હતું અને 'વંદે માતરમ્' અધૂરું વગાડવા બદલ સરકાર વિરુદ્ધ ભારે નારેબાજી કરી હતી. ઉલ્લેખનીય છે કે કર્ણાટક સરકારે રાજ્યમાં પ્રવર્તમાન ગંભીર દુષ્કાળની સ્થિતિ તેમજ પશ્ચિમ ઘાટ અંગેના ડૉ. કસ્તૂરીરંગન અહેવાલની અસરો જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આ ત્રણ દિવસીય વિશેષ વિધાનસભા સત્ર બોલાવ્યું છે, પરંતુ પ્રથમ જ દિવસે આ કાવ્યાત્મક અને રાજકીય વિવાદને કારણે ગૃહનો માહોલ ગરમાયો હતો.
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
