તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
પૃથ્વીના પેટાળમાં વિશાળ જળભંડાર :ધરતી પરના તમામ મહાસાગરોના સંયુક્ત પાણી કરતા પણ ત્રણ ગણું હોવાનું અનુમાન
શોધે પૃથ્વીની ઉત્પત્તિ અને જળચક્રના વર્ષો જૂના સિદ્ધાંતોને નવો વળાંક આપ્યો :વિજ્ઞાન જગતમાં એક અત્યંત રોમાંચક ખુલાસો થયો

નવી દિલ્હી : પૃથ્વી પર જીવનનો આધાર ગણાતા પાણીને લઈને વિજ્ઞાન જગતમાં એક અત્યંત રોમાંચક ખુલાસો થયો છે. ભૂસ્તરશાસ્ત્રીઓએ પૃથ્વીની સપાટીથી આશરે 700 કિલોમીટર નીચે એક વિશાળ જળભંડાર શોધી કાઢ્યો છે, જેનું કદ પૃથ્વી પરના તમામ મહાસાગરોના સંયુક્ત પાણી કરતા પણ ત્રણ ગણું હોવાનું અનુમાન છે. આ શોધે પૃથ્વીની ઉત્પત્તિ અને જળચક્રના વર્ષો જૂના સિદ્ધાંતોને નવો વળાંક આપ્યો છે.
નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના ભૂ-ભૌતિકશાસ્ત્રી સ્ટીવ જેકોબસેન અને તેમની ટીમે હાથ ધરેલા અભ્યાસ મુજબ, આ પાણી આપણને સપાટી પર જોવા મળતા પ્રવાહી સ્વરૂપે નથી. પૃથ્વીના ઉપરના અને નીચલા મેન્ટલની વચ્ચેના ‘ટ્રાન્ઝિશન ઝોન’માં અત્યંત દબાણ અને ગરમીને કારણે પાણીના અણુઓ ‘રિંગવુડાઈટ’ નામના વાદળી રંગના ખડકની સ્ફટિકીય રચનામાં કેદ થયેલા છે. જેકોબસેનના મતે, આ ખડક એક સ્પંજની જેમ કામ કરે છે જે પાણીને પોતાની અંદર શોષી લેવાની ક્ષમતા ધરાવે છે.
આ અભ્યાસ માટે સંશોધકોએ સમગ્ર અમેરિકામાં સ્થાપિત 2000 થી વધુ સિસ્મોમીટર્સના ડેટાનો ઉપયોગ કર્યો હતો. વૈજ્ઞાનિકોએ પૃથ્વીના પેટાળમાં ઉઠતા ધરતીકંપના મોજાંઓનું વિશ્લેષણ કર્યું, જેમાં જાણવા મળ્યું કે જ્યારે આ મોજાંઓ ટ્રાન્ઝિશન ઝોનમાંથી પસાર થાય છે ત્યારે તેમની ગતિ ધીમી પડી જાય છે. વિજ્ઞાનના મતે મોજાંની ગતિમાં આ ઘટાડો ભીના ખડકોની હાજરી સૂચવે છે. આ સિદ્ધાંતને વધુ મજબૂતી ત્યારે મળી જ્યારે વર્ષ 2014 માં બ્રાઝિલના એક જ્વાળામુખીમાંથી નીકળેલા હીરામાં રિંગવુડાઈટ ખનિજનો ટુકડો મળી આવ્યો હતો, જેમાં પાણીના અંશો રહેલા હતા.
આ સંશોધન પૃથ્વી પર પાણીના આગમન અંગેની માન્યતાઓને પણ પડકારે છે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે પૃથ્વી પર પાણી ધૂમકેતુઓ અથવા ઉલ્કાઓ દ્વારા આવ્યું હશે, પરંતુ આ શોધ સૂચવે છે કે પૃથ્વીનું પાણી કદાચ અંદરથી જ ઉદભવ્યું છે અને લાખો વર્ષોથી જટિલ પ્રક્રિયાઓ દ્વારા સપાટી પર આવતું રહ્યું છે. સ્ટીવ જેકોબસેન જણાવે છે કે પૃથ્વીની સપાટી પરના સમુદ્રોનું સ્તર છેલ્લા કરોડો વર્ષોથી સ્થિર રહેવા પાછળ કદાચ આ ઊંડો જળભંડાર જ જવાબદાર છે, જે વધારાના પાણીને શોષી લે છે અથવા જરૂરિયાતે બહાર મોકલે છે.
આ શોધ માત્ર ભૂસ્તરશાસ્ત્ર પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે પૃથ્વીની આંતરિક ગતિશીલતા અને પ્લેટ ટેક્ટોનિક્સની પ્રક્રિયાને સમજવામાં પણ મોટી મદદ કરશે. જો પૃથ્વીના પેટાળમાં રહેલું આ પાણી બહાર આવી જાય, તો સમગ્ર પૃથ્વી જળબંબાકાર થઈ શકે છે અને માત્ર પર્વતોના શિખરો જ દેખાઈ શકે છે. હાલમાં વૈજ્ઞાનિકો આ પદ્ધતિનો ઉપયોગ કરીને વિશ્વના અન્ય ભાગોમાં પણ આવા જળભંડારની શોધ કરી રહ્યા છે જેથી પૃથ્વીની અંદર છુપાયેલા રહસ્યો પરથી પડદો ઉઠાવી શકાય.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
