<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

ગરમી અને નવરાત્રિની માગ વચ્ચે શાકભાજી તથા ફૂલોના ભાવમાં ભડકો: ભીંડા, વટાણા અને લીલા મરચાં ૧૦થી ૨૦ ટકા મોંઘા થયા!

મુંબઈ-પુણેના જથ્થાબંધ બજારોમાં ગરમીને કારણે આવક ઘટતા ભાવ ઊંચકાયા: તહેવારોની સિઝનમાં ફૂલોની માંગ વધતા ગલગોટા અને ગુલાબ પણ મોંઘા થયા

મુંબઈ : મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી વધી રહેલી ગરમીની તીવ્રતા અને આગામી નવરાત્રિના તહેવારોની ભારે માંગને કારણે સામાન્ય જનતાના રસોડાનું બજેટ ગરમાયું છે. તાપમાન વધવાને કારણે ખેતરોમાંથી પાકનું ઉત્પાદન ઘટ્યું છે અને જથ્થાબંધ બજારોમાં શાકભાજીની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે. આ પરિસ્થિતિના કારણે ભીંડા, લીલા મરચાં, કાકડી, સિમલા મરચાં અને વટાણા જેવા દૈનિક વપરાશના શાકભાજીના ભાવમાં ૧૦ થી ૨૦ ટકા સુધીનો નોંધપાત્ર ઉછાળો આવ્યો છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજ્યના વિવિધ ભાગો તેમજ અન્ય રાજ્યોમાંથી પુણેના મુખ્ય માર્કેટ યાર્ડમાં ફળો અને શાકભાજીના માત્ર ૯૦ જેટલા ટ્રકો આવ્યા હતા. કર્ણાટક, ગુજરાત અને આંધ્રપ્રદેશમાંથી લીલા મરચાં, હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાંથી ફણસી, ઇન્દોરથી ગાજર તેમજ આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાંથી સરગવા સિંગની આવક થઈ છે. છૂટક બજારમાં શાકભાજીના પ્રતિ કિલોના ભાવ નજર કરીએ તો, લીલા મરચાં રૂ. ૧૪૦-૧૬૦, ભીંડા રૂ. ૧૧૦-૧૨૦, વટાણા રૂ. ૧૦૦-૧૨૦, રીંગણા રૂ. ૮૦-૧૦૦, ગુવાર રૂ. ૧૨૦-૧૩૦ અને કાંદા રૂ. ૬૦-૭૦ ની આસપાસ વેચાઈ રહ્યા છે. નવરાત્રિના ઉપવાસ દરમિયાન બટાકાની માંગ અચાનક વધી જવાને કારણે તેના ભાવ પણ વધીને રૂ. ૩૫ થી ૪૦ પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે.

 

શાકભાજીની સાથે-સાથે તહેવારોના આગમનને કારણે ફૂલોના બજારમાં પણ ભારે તેજી જોવા મળી રહી છે. ગત સપ્તાહની સરખામણીમાં તમામ પ્રકારના ફૂલોના ભાવમાં ૧૦ થી ૨૦ ટકાનો વધારો થયો છે. છૂટક બજારમાં ગલગોટા રૂ. ૨૦-૫૦, રજનીગંધા રૂ. ૩૦૦-૫૦૦, શેવંતી રૂ. ૧૦૦-૨૦૦ પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે, જ્યારે જુઈ અને ચમેલી જેવા સુગંધિત ફૂલોના ભાવ વધીને રૂ. ૧૦૦૦ થી ૧૨૦૦ પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. તહેવારોની મોસમમાં શાકભાજી અને ફૂલો બંનેના ભાવ વધવાથી સામાન્ય ગ્રાહકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

 

(8:31 PM IST)