તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં ધમાકો: ગાઝામાં AI વડે નરસંહાર દર્શાવતી ડોક્યુમેન્ટરી 'NAZA' ને એવોર્ડ મળતા ઇઝરાયલ ભડક્યું; સંસ્કૃતિ મંત્રીએ ડાયરેક્ટર્સની નાગરિકતા છીનવી લેવાની આપી ધમકી
૨૫ મિનિટ સુધી મળેલા ઐતિહાસિક સ્ટેન્ડિંગ ઓવેશનથી ઇઝરાયલી સરકારમાં ખળભળાટ; 'લવેન્ડર' AI સિસ્ટમ અને વિરોધીઓને ટાર્ગેટ કરવાના આઘાતજનક ખુલાસાઓથી વૈશ્વિક સ્તરે ચર્ચા જાગી

નવી દિલ્હી : વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્પેશિયલ જ્યુરી પુરસ્કાર જીતનાર ગાઝા યુદ્ધ પર આધારિત સનસનાટીભરી ડોક્યુમેન્ટરી ફિલ્મ "NAZA" ને કારણે ઇઝરાયલના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. ગાઝામાં ઇઝરાયલી સેના દ્વારા આચરવામાં આવેલા કથિત નરસંહાર અને લશ્કરી કાર્યવાહીની પોલ ખોલનારી આ ફિલ્મના ઇઝરાયલી નિર્માતાઓ યુવાલ અબ્રાહમ અને રશેલ ઝોર સામે ઇઝરાયલ સરકાર લાલઘૂમ થઈ ગઈ છે. ઇઝરાયલના સંસ્કૃતિ મંત્રી મિકી ઝોહરે સોશિયલ મીડિયા પર આ ફિલ્મને "ઘૃણાસ્પદ" ગણાવીને બંને નિર્માતાઓ પર દેશદ્રોહનો આરોપ મૂક્યો છે અને તેમની ઇઝરાયલી નાગરિકતા તાત્કાલિક રદ કરવાની ધમકી આપી છે.
૮૦ મિનિટની આ દસ્તાવેજી ફિલ્મે વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર દરમિયાન સતત ૨૫ મિનિટ સુધી સ્ટેન્ડિંગ ઓવેશન (Standing Ovation) મેળવીને નવો ઓલ-ટાઇમ રેકોર્ડ બનાવ્યો હતો. ફિલ્મમાં ઇઝરાયલી ગુપ્તચર સંસ્થાઓ અને સેનાના ૨૪ અધિકારીઓના ગુપ્ત ઇન્ટરવ્યુ સામેલ છે. ફિલ્મમાં ધડાકો કરવામાં આવ્યો છે કે કેવી રીતે ગાઝામાં 'લવેન્ડર' (Lavender) નામની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સિસ્ટમનો ઉપયોગ કરીને પેલેસ્ટિનિયનોના કોમ્યુનિકેશન પર નજર રાખવામાં આવતી હતી અને ટાર્ગેટ કિલિંગ કરવામાં આવતું હતું. 'NAZA' શબ્દનો અર્થ ઇઝરાયલી ગુપ્તચરમાં હવાઈ હુમલા દરમિયાન સંભવિત નાગરિક જાનહાનિની સંખ્યા દર્શાવવા માટે થાય છે, જેમાં એક હમાસ આતંકીને મારવા માટે ૫૦૦ નિર્દોષ નાગરિકોના મોતને મંજૂરી અપાતી હોવાનો દાવો કરાયો છે.
ઓસ્કાર વિજેતા નિર્માતાઓ પર 'દેશદ્રોહ'નો આરોપ અને કાનૂની સંકટ
વર્ષ ૨૦૨૫ માં પેલેસ્ટાઇન હિંસા પર 'નો અધર લેન્ડ' ફિલ્મ માટે ઓસ્કાર જીતી ચૂકેલા યુવાલ અબ્રાહમ અને રશેલ ઝોર પર ઇઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇટામાર બેન-ગ્વિરે પણ હમાસ સાથે સંબંધો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ઇઝરાયલમાં ૨૦૨૨ અને ૨૦૨૩ ના કાયદાકીય સુધારા મુજબ, રાજ્ય પ્રત્યે વફાદારી ન દાખવનાર કે દેશદ્રોહ કરનાર નાગરિકની નાગરિકતા રદ કરવાની જટિલ જોગવાઈ છે. નિર્માતા યુવાલ અબ્રાહમે આશા વ્યક્ત કરી છે કે આ ફિલ્મ પશ્ચિમી દેશોને ઇઝરાયલ પર આર્થિક પ્રતિબંધો લાદવા મજબૂર કરશે, જ્યારે બીજી તરફ જમણેરી કટ્ટરપંથીઓ દ્વારા તેમના પરિવાર પર હુમલાની આશંકાઓ સેવાઈ રહી છે.
(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
