<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

રેલવે મુસાફરો માટે અત્યંત મહત્વનો નિયમ લાગુ: હવે અનરિઝર્વ્ડ ટિકિટ માટે સ્ક્રીનશોટ કે વોટ્સએપ મેસેજ નહીં ચાલે

ટિકિટોના દુરુપયોગ અને છેતરપિંડીને રોકવા માટે રેલવે પ્રશાસને કડક નિર્ણય લીધો છે, જેના અંતર્ગત મુસાફરોએ પ્રવાસ દરમિયાન મૂળ મોબાઇલ ફોન અને એપમાં જ ડિજિટલ ટિકિટ રજૂ કરવી પડશે

નવી દિલ્હી : ભારતીય રેલવે દ્વારા યુટીએસ (UTS) અને રેલ-વન જેવી મોબાઈલ એપ્લિકેશન્સ પરથી અનારક્ષિત ટિકિટ બુક કરનારા મુસાફરો માટે એક નવો અને સખત નિયમ અમલમાં મૂકવામાં આવ્યો છે. ઈ-ટિકિટના દુરુપયોગ અને બોગસ મુસાફરીને અટકાવવા માટે લેવાયેલા આ પગલા અંતર્ગત હવે મુસાફરો વોટ્સએપ પર આવેલા મેસેજ કે ટિકિટના સ્ક્રીનશોટના આધારે પ્રવાસ કરી શકશે નહીં.

 

રેલવેના નવા નિર્દેશો અનુસાર, મુસાફરે જે મોબાઈલ ફોન અને જે ઓરિજિનલ એપ દ્વારા ટિકિટ બુક કરી હોય, તે જ મૂળ મોબાઈલ અને એપમાં રહેલી ડિજિટલ ટિકિટ ટિકિટ ચેકિંગ સ્ટાફ સમક્ષ રજૂ કરવી અનિવાર્ય રહેશે. જો કોઈ મુસાફર અન્ય ફોન પર મોકલેલો સ્ક્રીનશોટ કે મેસેજ બતાવશે તો તેને માન્ય ગણવામાં આવશે નહીં અને દંડકીય કાર્યવાહી થઈ શકે છે.

 

ટિકિટ ચેકિંગ દરમિયાન નિરીક્ષકો દ્વારા માત્ર ટિકિટ જ નહીં પરંતુ ટિકિટ બુક કરવાનો સમય અને ટ્રેનના પ્રસ્થાનના સમયની પણ બારીકાઈથી ચકાસણી કરવામાં આવશે. આ સ્થિતિમાં મુસાફરો માટે લાંબા અંતરની આરક્ષિત ટિકિટોથી વિપરીત અનારક્ષિત તથા લોકલ મુસાફરીમાં મૂળ મોબાઈલ સાથે રાખવો ફરજિયાત બની ગયો છે.

 

આ સાથે રેલવે પ્રશાસને મુસાફરોને ખાસ સાવચેતી રાખવા ચેતવણી આપી છે કે પ્રવાસ દરમિયાન જો મોબાઈલની બેટરી ઉતરી જાય અને ફોન બંધ થઈ જાય તો "ફોન બંધ થઈ ગયો છે" તેવું બહાનું માન્ય ગણાશે નહીં. તેથી મુસાફરોએ પ્રવાસ શરૂ કરતા પહેલાં પોતાના મોબાઈલને પૂરતો ચાર્જ રાખવો ખૂબ જ જરૂરી છે.

 

અગાઉના સમયમાં ટિકિટની નકલ કે ફોરવર્ડ કરેલા મેસેજના સહારે મુસાફરી કરતા મુસાફરો સામે સુરક્ષા એજન્સીઓ હવે વધુ સઘન તપાસ હાથ ધરશે. રેલવેના આ કડક નિયમથી પારદર્શિતા વધશે અને છેતરપિંડીના કિસ્સાઓ પર લગામ લાગશે તેવી પૂરી આશા છે.

 

આ નવા નિયમો અંગે રેલવે સ્ટેશનો પર પણ જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે, જેથી મુસાફરોને સફર દરમિયાન કોઈપણ પ્રકારની અસુવિધા કે દંડનો સામનો કરવો ન પડે.

 

(8:42 PM IST)