તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
પીઢ અભિનેતા રમાકાંત દાયમાનું લાંબી બીમારી બાદ નિધન:69 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
છેલ્લા ઘણા સમયથી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા:તેમના નિધનથી બોલિવૂડ અને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં શોક

મુંબઈ :ટીવી શો અને ફિલ્મોમાં પોતાની શાનદાર એક્ટિંગથી દર્શકોના દિલ જીતનારા પીઢ અને જાણીતા અભિનેતા રમાકાંત દાયમાનું મંગળવાર, 26 મેના રોજ નિધન થયું છે. 69 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અહેવાલો અનુસાર, તેઓ છેલ્લા ઘણા સમયથી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તેમના નિધનના સમાચારથી બોલિવૂડ અને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર દોડી ગઈ છે.
રમાકાંત દાયમાના નિધનની પુષ્ટિ તેમની સહ-અભિનેત્રી (કો-સ્ટાર) શુભાંગી લટકરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કરી છે. આ દુખદ સમાચાર શેર કરતી વખતે શુભાંગીએ રમાકાંત દાયમાનો એક જૂનો અને ખુશમિજાજ વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ ખૂબ જ ઉત્સાહથી ડાન્સ અને એક્ટિંગ કરતા જોવા મળી રહ્યા છે. તેમને ચક દે ઈન્ડિયા, પા જેવી ફિલ્મોમાં અભિનય કરી ટૂંકી પણ સુંદર યાદો દર્શકો સમક્ષ છોડી હતી
13 સપ્ટેમ્બર 1956ના રોજ જન્મેલા રમાકાંત દાયમાના અકાળ અવસાન પર શોક વ્યક્ત કરતા શુભાંગીએ એક લાંબી અને હૃદયસ્પર્શી નોટ પણ લખી છે. તેમણે રમાકાંત દાયમા સાથે વિતાવેલી પળોને યાદ કરી છે. વીડિયોમાં રમાકાંત દાયમાની જીવંતતા જોઈને ફેન્સ અને અન્ય સેલેબ્સ પણ સોશિયલ મીડિયા પર ભીની આંખે તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
રમાકાંત દાયમાએ પોતાની લાંબી કરિયરમાં અનેક સુપરહિટ ફિલ્મો અને ટીવી સીરિયલ્સમાં યાદગાર પાત્રો ભજવ્યા હતા. એક સક્ષમ અને સજ્જન કલાકાર તરીકે તેઓ હંમેશા સેટ પર બધાના પ્રિય રહ્યા હતા. તેમના જવાના કારણે ઈન્ડસ્ટ્રીએ એક ઉત્કૃષ્ટ કલાકાર ગુમાવ્યો છે.
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
