તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
કન્નડ સિનેમાના દિગ્ગજ અભિનેતા અનંત નાગને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવ્યા અભિનંદન, 22 સપ્ટેમ્બરે ગુજરાતના કેવડિયા ખાતે થશે ભવ્ય સન્માન!
પાંચ દાયકાથી વધુની શાનદાર કારકિર્દી અને 270થી વધુ ફિલ્મોમાં યાદગાર અભિનય કરનાર વરિષ્ઠ કલાકાર માટે વડાપ્રધાને તેમના અસાધારણ યોગદાનની કરી પ્રશંસા

નવી દિલ્હી : ભારતીય સિનેમાના સર્વોચ્ચ અને અત્યંત પ્રતિષ્ઠિત એવા 'દાદાસાહેબ ફાળકે પુરસ્કાર 2024' માટે કન્નડ સિનેમાના વરિષ્ઠ અભિનેતા અનંત નાગની પસંદગી કરવામાં આવી છે. આ ગૌરવશાળી સિદ્ધિ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવતા ભારતીય સિનેમા, ખાસ કરીને કન્નડ ચિત્રપટ જગતમાં તેમના અસાધારણ અને દીર્ઘકાલીન યોગદાનની પ્રશંસા કરી હતી. વડાપ્રધાને ઉમેર્યું હતું કે અનંત નાગની સહજ અભિનય શૈલી, વિવિધતા અને અનોખી પ્રતિભાએ તેમની દરેક ભૂમિકામાં વાસ્તવિકતાનો સંચાર કર્યો છે અને તેઓ આ સન્માન માટે સંપૂર્ણપણે હકદાર છે.
આગામી 22 સપ્ટેમ્બર, 2026ના રોજ ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ કેવડિયા ખાતે યોજાનારા 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં વરિષ્ઠ કલાકાર અનંત નાગને આ પ્રતિષ્ઠિત પુરસ્કારથી સત્તાવાર રીતે સન્માનિત કરવામાં આવશે. પાંચ દાયકાથી વધુની કારકિર્દી ધરાવતા અનંત નાગે ૧૯૭૩માં કન્નડ ફિલ્મ 'સંકલ્પ'થી પોતાના અભિનયનો પ્રારંભ કર્યો હતો અને ૧૯૭૪માં શ્યામ બેનેગલની પ્રખ્યાત ફિલ્મ 'અંકુર'થી હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો.
તેમણે પોતાના કરિયરમાં કન્નડ, હિન્દી, તેલુગુ, તમિલ, મરાઠી અને મલયાલમ સહિત વિવિધ ભાષાઓમાં ૨૭૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. દેશભરના ઘરોમાં અત્યંત લોકપ્રિય બનેલી ટેલિવિઝન શ્રેણી 'માલગુડી ડેઝ'થી લઈને કલ્ટ કન્નડ ફિલ્મો જેવી કે 'મુંગારુ માલે', 'કે.જી.એફ: ચેપ્ટર ૧' અને 'કે.જી.એફ: ચેપ્ટર ૨' સુધીની તેમની અનન્ય ફિલ્મોગ્રાફી આજે પણ કરોડો સિનેપ્રેમીઓના દિલમાં વિશેષ સ્થાન ધરાવે છે.
(8:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
