તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
મહારાષ્ટ્રમાં નવરાત્રિ પૂર્વે VHPનું કડક વલણ: ગરબા અને દાંડિયા મહોત્સવમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ; આયોજકો માટે માર્ગદર્શિકા જાહેર
ખેલૈયાઓના આધાર કાર્ડ ચેકિંગ અને તિલક લગાવવા આહ્વાન: વીએચપીએ કહ્યું , "નવરાત્રિ માત્ર નૃત્ય નથી, દેવીની પૂજા છે, હિન્દુ વારસાની સુરક્ષા માટે નિર્ણય જરૂરી"

નવી દિલ્હી : આગામી મહિનાથી શરૂ થઈ રહેલા નવરાત્રિ મહોત્સવને લઈને વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ મહારાષ્ટ્રમાં ગરબા અને દાંડિયા કાર્યક્રમો અંગે એક મોટો અને કડક નિર્ણય લીધો છે. વીએચપીએ રાજ્યમાં યોજાનારા નવરાત્રિ ઉત્સવ દરમિયાન મુસ્લિમ સમુદાયના સભ્યોની ભાગીદારી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. આ સાથે જ સંગઠન દ્વારા ગરબા મહોત્સવના આયોજકો માટે વિશેષ માર્ગદર્શિકા પણ નક્કી કરવામાં આવી છે, જેમાં પાસ કે એન્ટ્રી વખતે દરેક ખેલૈયા અને દર્શકના આધાર કાર્ડ ચકાસવા અને કપાળ પર તિલક લગાવીને જ પ્રવેશ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
વીએચપીના પ્રવક્તા અને સંયુક્ત સચિવ શ્રીરાજ નાયરે આ નિર્ણય અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે નવરાત્રિ એ માત્ર ગીત કે નૃત્યનો તહેવાર નથી, પરંતુ આદ્યશક્તિની આરાધના અને મૂર્તિપૂજાનો પવિત્ર ઉત્સવ છે. જેઓ મૂર્તિપૂજામાં વિશ્વાસ ધરાવતા નથી તેમણે આ ધાર્મિક આયોજનમાં શા માટે ભાગ લેવો જોઈએ તેવો પ્રશ્ન ઉઠાવતા તેમણે ઉમેર્યું કે આ પગલું કોઈ સમુદાય સામે નથી, પરંતુ હિન્દુ તહેવારોની સાંસ્કૃતિક ઓળખ અને સુરક્ષા જાળવવા માટેનું સાવચેતીભર્યું પગલું છે. તેમણે વધુમાં કહ્યું કે જો મુસ્લિમો નવરાત્રિ ઉજવવા માંગતા હોય તો તેમણે પરિવારના સભ્યો સાથે આવીને પોતાના સ્થળોએ આયોજન કરવું જોઈએ.
બીજી તરફ, આ નિવેદન વચ્ચે તાજેતરમાં ન્યૂયોર્કમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતના નિવેદનનો સંદર્ભ પણ ચર્ચામાં રહ્યો હતો, જેમાં ભાગવતે સાર્વત્રિક એકતા અને આદર પર ભાર મુકતા કહ્યું હતું કે ભારતમાંથી મુસ્લિમો ન હોવા જોઈએ એવું માનનાર હિન્દુ હોઈ શકે નહીં. આ અંગે પૂછવામાં આવતા વીએચપીના પ્રવક્તાએ આરએસએસ વડાના નિવેદન પર કોઈ સીધી ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો અને પુનરોચ્ચાર કર્યો હતો કે સંગઠન પોતાની ધાર્મિક પરંપરાઓ અને માર્ગદર્શિકા સાથે કોઈ પણ પ્રકારનું સમજોતું કરવા તૈયાર નથી.
(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
