News of Saturday, 21st November 2026
કુર્લા ગાર્ડનમાં યુવક-યુવતી પર હુમલાનો વીડિયો વાયરલ: મુંબઈના તમામ બગીચાઓમાં તાત્કાલિક સીસીટીવી લગાવવા અમિત સાટમની માગ
ફિનિક્સ માર્કેટસિટી નજીક પ્રમોદ મહાજન ગાર્ડનમાં બનેલી ઘટનામાં આઠ સગીરની અટકાયત; વાલીઓને નોટિસ પાઠવી જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવાની તજવીજ

મુંબઈ:પશ્ચિમ કુર્લા સ્થિત ફિનિક્સ માર્કેટસિટી મોલની પાછળ આવેલા પ્રમોદ મહાજન ગાર્ડનમાં એક યુવક-યુવતી પર સગીરોના ટોળાએ કરેલા કથિત હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકીય અને વહીવટી સ્તરે ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને પગલે મુંબઈ ભાજપ અધ્યક્ષ અમિત સાટમે મુંબઈ મહાનગરપાલિકા (BMC) અને મુંબઈ પોલીસને શહેરના તમામ બગીચાઓની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા તેમજ તાત્કાલિક ધોરણે સીસીટીવી કેમેરા લગાવવાની જોરદાર માગ કરી છે.
વીડિયો સામે આવ્યા બાદ પ્રતિક્રિયા આપતાં અમિત સાટમે જણાવ્યું હતું કે, "અમે આ વીડિયો જોયો છે. મુંબઈ મહાનગરપાલિકા અને મુંબઈ પોલીસે શહેરના તમામ ગાર્ડનની સુરક્ષા વ્યવસ્થા તપાસવાની જરૂર છે. ઘણા બગીચાઓમાં સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે અભેદ્ય દેખાતી નથી. અમારી માગ છે કે પાલિકા મુંબઈના તમામ બગીચાઓમાં તાત્કાલિક સીસીટીવી કેમેરા બેસાડે." તેમના મતે સીસીટીવી નેટવર્કથી બગીચાઓમાં સુરક્ષા વધુ મજબૂત બની શકે છે.
શું હતી સમગ્ર ઘટના?
મળેલી વિગતો અનુસાર, શુક્રવારે સાંજે યુવક-યુવતી પ્રમોદ મહાજન ગાર્ડનમાં ગયા હતા ત્યારે સગીરોના એક જૂથે તેમને ઘેરી લઈ અપશબ્દો કહ્યા હતા. યુવક-યુવતીએ સમજાવવાનો પ્રયાસ કરતાં મામલો ઉગ્ર બન્યો હતો અને ટોળાએ લાકડી, હોકી સ્ટિક, પથ્થરો તેમજ લાત-મુક્કા વડે હુમલો કર્યો હોવાનો આરોપ છે. યુવકે બચવાનો પ્રયાસ કર્યો અને યુવતી વચ્ચે પડીને હુમલો અટકાવવા મથી હતી, ત્યારબાદ બંને માંડ-માંડ ત્યાંથી નીકળી શક્યા હતા. સ્થળ પર હાજર કેટલાક લોકોએ મોબાઈલમાં આ સમગ્ર ઘટના કેદ કરી લીધી હતી, જે બાદમાં વાયરલ થઈ હતી.
પોલીસની કાર્યવાહી અને કાયદાકીય પગલાં
ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ ઘાટકોપર પોલીસે ફરિયાદી યુવતીનો સંપર્ક કરીને તેની ફરિયાદના આધારે આઠ સગીરો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. જેમાં ગેરકાયદે મંડળી રચવી (કલમ 189(2)), હથિયારબંધ ગેરકાયદે મંડળીનો સભ્ય હોવું (કલમ 189(4)), ખતરનાક સાધન કે માધ્યમથી સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી (કલમ 118(1)), શાંતિ ભંગ કરવાના ઈરાદાથી જાણી જોઈને અપમાન કરવું (કલમ 352) અને ગુનાહિત ધાકધમકી (કલમ 351(2)) નો સમાવેશ થાય છે.
પોલીસે આઠેય સગીરોની અટકાયત કરી છે અને તેમને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત સંડોવાયેલા સગીરોના વાલીઓને નોટિસ પાઠવવામાં આવી છે. હુમલા પાછળનું ચોક્કસ કારણ જાણવા અને અગાઉ કોઈ વિવાદ થયો હતો કે કેમ તેની ખાતરી કરવા પોલીસ ફરિયાદી યુવક-યુવતી તથા સગીરોના નિવેદનો નોંધીને વધુ તપાસ ચલાવી રહી છે.
(6:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
