<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

ચૂંટણી વચનો પૂરા કરવા વિજયને ૨,૧૬૦ કિલો સોનું જોઈએ

દરેક નવજાત બાળકને સોનાની વીંટીઃ ગરીબી રેખા નીચેના પરિવારોની દુલ્‍હનને ૮ ગ્રામ સોનું-રેશમી સાડીઃ ચૂંટણી ઢંઢેરામાં બે મોટા વચન આપ્‍યા હતા : યોજનાના અમલીકરણ માટે કેન્‍દ્ર સરકાર અને આરબીઆઇના આયાત નિયમોનું પાલન કરવું ફરજિયાત બનશે

ચેન્‍નાઈ,તા.૭: થલાપતિ વિજયે તમિલનાડુની પ્રજાને આપેલા વચનોની ચોમેર ચર્ચા થઈ રહી છે. તેનું કારણ એ છે કે, વિજયની પાર્ટી તમિલગા વેત્રિ કઝગમ(TVK)ને સ્‍થાપના પછીની પહેલી જ ચૂંટણીમાં ૧૦૮ બેઠક મળી છે. આ રીતે જીત મેળવીને સરકાર બનાવવા થનગની રહેલી વિજયની પાર્ટી માટે લોકોને સોનું આપવાનું વચન પાળવું મોટો પડકાર બની શકે છે. આ વચનો પૂરા કરવા વિજયે રિઝર્વ બેંક ઑફ ઇન્‍ડિયાની મદદ લેવી પડશે.

વચનોનું ગણિતઃ કેટલા લાભાર્થી, કેટલો ખર્ચ?

થલાપતિ વિજયે ચૂંટણી ઢંઢેરામાં બે મોટા વચન આપ્‍યા હતા.

દરેક નવજાત બાળકને સોનાની વીંટી

ગરીબી રેખા નીચેના પરિવારોની દુલ્‍હનને ૮ ગ્રામ સોનુંૅરેશમી સાડી

તમિલનાડુમાં દર વર્ષે આશરે ૭૮૦,૦૦૦ બાળકો જન્‍મે છે.

દર વર્ષે ૪,૦૦,૦૦૦થી ૫,૦૦,૦૦૦ લગ્ન થાય છે. એમાંથી ૬૦% પરિવારો (લગભગ ૨,૭૦,૦૦૦ દુલ્‍હનો) ગરીબી રેખાની નીચે આવી જશે.

 એક દુલ્‍હનના ૮ ગ્રામ સોનાની કિમત (૨૨ કેરેટ, રૂ.૧૪,૦૦૦ પ્રતિ ગ્રામ) = રૂ.૧.૧૨ લાખ.

ફક્‍ત દુલ્‍હનોને સોનું આપવાનો વાર્ષિક ખર્ચ = ૨,૭૦,૦૦૦ સ રૂ.૧.૧૨ લાખ = રૂ.૩,૦૦૦ કરોડથી વધુ.

નવજાત બાળકો માટે વીંટીની કિમત લગભગ રૂ.૫,૦૦૦ ધારીએ તો ૪.૭ લાખ BPL બાળકોને વીંટીનો ખર્ચ રૂ.૨૩૫ કરોડ

આમ, બે વચનો માટે આપવાના થતાં સોનાનો અંદાજિત ખર્ચ ?૩૨૩૫ કરોડ જેટલો થવા જાય છે.

આટલા મોટા પ્રમાણમાં સોનું ખરીદવું એ માત્ર પૈસાનો જ વિષય નથી, પણ દેશના અર્થતંત્રનો પણ વિષય છે. દુલ્‍હનો અને નવજાત બાળકો માટે વાર્ષિક અંદાજે ૨૩૦૦થી ૨૫૦૦ કિલો સોનાની જરૂર પડશે. આટલી વિશાળ જથ્‍થાબંધ ખરીદી સીધી રીતે ભારતની 'ચાલુ ખાતાની ખાધ'ને અસર કરી શકે છે કારણ કે, ભારત સોનાની આયાત પર નિર્ભર છે. આથી, આવી યોજનાના અમલીકરણ માટે કેન્‍દ્ર સરકાર અને આરબીઆઇના આયાત નિયમોનું પાલન કરવું ફરજિયાત બનશે.

તમિલનાડુની આર્થિક તિજોરી માટે વિજયના સોનાના વચનો બહુ મોટો બોજ બની જવાની શક્‍યતા છે. રાજ્‍ય સરકારે આટલી મોટી માત્રામાં સોનું ખરીદવા માટે બજારમાંથી ઉધાર લેવું પડશે, જેના માટે આરબીઆઇની મંજૂરી અને દેવાની મર્યાદા (FRBM Act- Fiscal Responsibility and Budget Management Act) ધ્‍યાનમાં રાખવી પડશે. આ નિયમ મુજબ રાજ્‍ય સરકાર પોતાની મરજી મુજબ ઉધાર લઈ શકતી નથી.

વિજયના અન્‍ય વચનો પર પણ એક નજર નાંખીએ.

મહિલા-પ્રમુખ પરિવારોને દર મહિને રૂ.૨,૫૦૦

દરેક પરિવારને ૬ LPG સિલિન્‍ડર મફત

૧૦ લાખ બેરોજગાર સ્‍નાતકોને રૂ.૪,૦૦૦ માસિક ભથ્‍થું

આ બધા વચનો પૂરા કરવામાં તમિલનાડુનો ‘કલ્‍યાણ યોજના ખર્ચ' રૂ. ૧ લાખ કરોડે પહોંચી જશે, જે હાલ રૂ.૬૫,૦૦૦ કરોડ છે. આ રકમ રાજ્‍યના ૨૦૨૫-૨૬ના અંદાજિત બજેટ (રૂ.૩.૩૧ લાખ કરોડ) ના લગભગ ૩૦% જેટલું થાય. એનો અર્થ એ કે, દર ત્રણ રૂપિયામાંથી એક રૂપિયો ફક્‍ત કલ્‍યાણ યોજનાઓ પાછળ ખર્ચાશે. વિજયે વચનો આપતા તો આપી દીધા, પણ આ દિશામાં સમજી-વિચારીને આગળ વધવું પડશે, નહીંતર રાજ્‍યનો ખજાનો ખાલી થઈ જતાં વાર નહીં લાગે!.

(10:05 AM IST)