News of Thursday, 21st May 2026
તમિલનાડુમાં વિજયની નવી રાજકીય ઇનિંગઃ મંત્રીમંડળનું વિસ્તરણઃ ૨૩ મંત્રીઓ શપથ લેશે
મુખ્યમંત્રી વિજયના નેતૃત્વમાં ગઠબંધન સરકારની નવી ટીમ તૈયાર

ચેન્નઈ, તા.૨૧: તમિલનાડુના રાજકારણમાં આજે એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે, કારણ કે અભિનેતામાંથી રાજનેતા બનેલા મુખ્યમંત્રી વિજયના નેતળત્વ હેઠળની સરકારનું પ્રથમ ઐતિહાસિક મંત્રીમંડળ વિસ્તરણ યોજાઈ રહ્યું છે. આ સમારોહ માત્ર વહીવટી પ્રક્રિયા નથી, પરંતુ વિજયની રાજકીય તાકાતનું પ્રદર્શન પણ છે. રાજભવન ખાતે આયોજિત ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યપાલ દ્વારા ૨૩ જેટલા ધારાસભ્યોને મંત્રી પદ અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવશે. આ યાદીમાં અનુભવી અને યુવા ચહેરાઓનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે આગામી સમયમાં તમિલનાડુના વિકાસ મોડેલને નવી દિશા આપશે.
આ વિસ્તરણમાં સૌથી મહત્વની બાબત સાથી પક્ષોનું ગઠબંધન છે. લાંબા સમયની અટકળો બાદ આખરે VCK (વિડુથલાઈ ચિરુથૈગલ કાચી) વિજય સરકારમાં જોડાવા માટે સત્તાવાર રીતે તૈયાર થઈ ગયું છે, જે દલિત અને પછાત વર્ગના મતોના પ્રભુત્વને જોતા મોટો માસ્ટરસ્ટ્રોક માનવામાં આવે છે. જોકે, બીજી તરફ IUML (ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ) એ આજના શપથ ગ્રહણથી અંતર રાખ્યું છે. પાર્ટીના આંતરિક સૂત્રો મુજબ, મંત્રી પદ માટે બેમાંથી કયા નામ પર મહોર મારવી તે અંગે હજુ મડાગાંઠ ચાલી રહી છે. આ ગેરહાજરી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે, પરંતુ સરકાર તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે કે તમામ સાથી પક્ષોને યોગ્ય પ્રતિનિધિત્વ મળશે.
શપથ લેનારા ૨૩ મંત્રીઓની યાદીમાં ભૌગોલિક સંતુલનનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. થૂથુકુડીના શ્રીનાથથી લઈને કોઈમ્બતુરના વી. સંપત કુમાર અને વેલાચેરીના કુમાર આર. સુધી, સમગ્ર રાજ્યના ખૂણેખૂણાને મંત્રીમંડળમાં સ્થાન આપી સર્વસમાવેશક શાસનનો સંદેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને સી. વિજયલક્ષ્મી અને જેગડેશ્વરી જેવી મહિલા નેતાઓની પસંદગી વિજયનીસ્ત્રી સશક્તિકરણની કટિબદ્ધતા દર્શાવે છે. હવે જોવાનું એ રહેશે કે આ નવી ટીમ મુખ્યમંત્રી વિજયના વિઝન તમિલનાડુને કેટલી ઝડપથી સાકાર કરી શકે છે અને આગામી ચૂંટણીઓ પહેલા જનતાના વિશ્વાસ પર કેટલી ખરી ઉતરે છે
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
