<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

બાંગ્લાદેશમાં ફરી હિંસા :ગારમેન્ટ કામદારોનું આંદોલન હિંસક બન્યું:ઢાકા અને ગાઝીપુરમાં હજારો કામદારો રસ્તા પર ઊતરતાં પોલીસ સાથે ઘર્ષણ

તોડફોડ અને આગચંપીની ઘટના:કામદારો દ્વારા 12,500 ટકાના લઘુત્તમ માસિક પગારને વધારી 30,000 ટકા કરવાની માગ:અનેક ફેક્ટરીઓનું કામકાજ પ્રભાવિત થતાં સરકારે છ સભ્યોના વેતન બોર્ડની રચના કરી

બાંગ્લાદેશમાં પગાર વધારાની માગ સાથે ગારમેન્ટ ઉદ્યોગના હજારો કામદારો રસ્તા પર ઊતરી આવ્યા છે. રાજધાની ઢાકા અને ગાઝીપુર સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન હિંસક બનતાં તોડફોડ, આગચંપી અને પોલીસ સાથે ઘર્ષણની ઘટનાઓ સામે આવી છે. કામદારો લઘુત્તમ માસિક પગાર 12,500 ટકાથી વધારીને 30,000 ટકા કરવાની માગ કરી રહ્યા છે. સ્થિતિને કાબૂમાં લેવા પોલીસ અને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

 

ગારમેન્ટ કામદારોનું કહેવું છે કે વધતી મોંઘવારી વચ્ચે હાલના પગારમાં ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. ખાદ્યપદાર્થો, મકાનભાડું, પરિવહન અને આરોગ્ય સેવાઓના ખર્ચમાં વધારો થતાં આર્થિક મુશ્કેલીઓ વધી છે. કામદારો હાલમાં નક્કી થયેલા 12,500 ટકાના લઘુત્તમ માસિક પગારને 30,000 ટકા કરવાની માગ કરી રહ્યા છે. આ આશરે 140 ટકાનો વધારો છે.

 

 

 

વિરોધ પ્રદર્શન દરમિયાન ઢાકાના મીરપુર અને ગાઝીપુરના અનેક વિસ્તારોમાં રસ્તા રોકવામાં આવ્યા હતા. ગાઝીપુરના કોનાબારી વિસ્તારમાં પોલીસ બોક્સને આગ લગાડવાની ઘટના પણ નોંધાઈ હતી. કેટલાક સ્થળોએ પ્રદર્શનકારીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે ભીડને વિખેરવા ટિયર ગેસ અને અન્ય ઉપાયોનો ઉપયોગ કર્યો હતો. રસ્તાઓ બંધ થતાં વાહનવ્યવહારને ભારે અસર થઈ હતી.

 

 

 

હિંસક પ્રદર્શન અને રસ્તા રોકો આંદોલનને કારણે અનેક કપડાંની ફેક્ટરીઓ બંધ રાખવી પડી છે. ગાઝીપુરમાં રવિવારે ઓછામાં ઓછી 45 ફેક્ટરીઓએ રજા જાહેર કરી હોવાનું સ્થાનિક અહેવાલોમાં જણાવાયું હતું. ઉત્પાદન અટકતાં આંતરરાષ્ટ્રીય ઓર્ડર અને કાપડની નિકાસને અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

 

કામદારોની માગ પર વિચારણા કરવા બાંગ્લાદેશ સરકારે છ સભ્યોના વેતન બોર્ડની રચના કરી છે. તેમાં સરકાર, ફેક્ટરી માલિકો અને કામદારોના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે બોર્ડની રચના છતાં કેટલાક વિસ્તારોમાં વિરોધ ચાલુ રહ્યો છે. સરકારે કામદારોને કામ પર પરત ફરવાની અપીલ કરી છે.

 

 

બાંગ્લાદેશના ગારમેન્ટ ઉદ્યોગમાં આશરે 40 લાખ લોકો રોજગારી મેળવે છે. દેશની કુલ નિકાસ આવકમાં આ ક્ષેત્રનો હિસ્સો 80 ટકાથી વધુ છે. આંદોલન લાંબું ચાલશે તો ઉત્પાદન, નિકાસ અને ઉદ્યોગ સાથે જોડાયેલા રોજગાર પર અસર પડી શકે છે.

(6:24 PM IST)