<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

મણિપુરમાં ફરી હિંસા ભડકી : ગોળીબારમાં કુકી-ઝો સમુદાયના ૩નાં મોત, કુકી ઇનપી મણિપુર સંગઠને આ હત્યાઓ માટે નાગા સશસ્ત્ર સંગઠનોને જવાબદાર ગણાવ્યાં, ઇમ્ફાલમાં હજારો લોકો રસ્તા પર ઊતર્યા; ભાજપ સરકારને રાજીનામાની ચેતવણી: નાયબ મુખ્યમંત્રી નેમચા કિપગેનને મંત્રીમંડળમાંથી હટાવવાની માગણી

ઇમ્ફાલમાં મણિપુરની અખંડિતતા માટેની સંકલન સમિતિ ‘કોકોમી’ મૈતેઈ અને નાગા સંગઠનોના નેજા હેઠળ વિશાળ રેલી : કુકી સશસ્ત્ર સંગઠનો સાથેના યુદ્ધવિરામ કરારને રદ કરવા, વિસ્થાપિતોને ઘરે પરત લાવવા અને શાંતિ સ્થાપવાની માગણી : મુખ્યમંત્રી વાય. ખેમચંદ સિંહની ભાજપ નેતૃત્વવાળી સરકાર સામે રોષ

ઇમ્ફાલ, તા. ૧ : મણિપુરમાં ફરી હિંસક અથડામણો શરૂ થતાં શાંતિ સ્થાપવાના પ્રયાસો સામે ગંભીર પડકાર ઊભો થયો છે. શનિવાર, ૩૧ ઓક્ટોબરે રાજ્યના નોને જિલ્લામાં અજાણ્યા સશસ્ત્ર જૂથો વચ્ચે થયેલા ગોળીબારમાં કુકી-ઝો સમુદાયના ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. બીજી તરફ રાજ્યમાં સતત હિંસા અને અસુરક્ષાના વિરોધમાં રાજધાની ઇમ્ફાલમાં હજારો લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. દેખાવકારોએ ભાજપના નેતૃત્વવાળી રાજ્ય સરકાર સામે આક્રોશ વ્યક્ત કરી શાંતિ અને સલામતીની ખાતરી આપવામાં નિષ્ફળ જાય તો રાજીનામું આપવાની માગણી કરી હતી. 

મણિપુર પોલીસની ૩૧ ઓક્ટોબરની સત્તાવાર યાદી મુજબ નોને જિલ્લાના નુન્ગબા પોલીસ સ્ટેશન હેઠળ આવેલા કેક્રુ નાગા ગામમાં અજાણ્યા સશસ્ત્ર લોકો વચ્ચે ગોળીબાર થયો હતો. મૃતકો કુકી સમુદાયના હોવાનું પોલીસે પુષ્ટિ આપી છે. વિસ્તારમાં વધારાની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કુકી ઇનપી મણિપુર સંગઠને આ હત્યાઓ માટે નાગા સશસ્ત્ર સંગઠનોને જવાબદાર ગણાવ્યાં છે. જોકે પોલીસે હુમલાખોરોની ઓળખ જાહેર કરી નથી. 

બીજી તરફ મણિપુરની અખંડિતતા માટેની સંકલન સમિતિ ‘કોકોમી’ તથા નાગા સંગઠનોના નેજા હેઠળ ઇમ્ફાલમાં વિશાળ રેલી યોજાઈ હતી. ટિડિમ ગ્રાઉન્ડથી શરૂ થયેલી રેલીમાં હજારો લોકો જોડાયા હતા. મુખ્યમંત્રી કાર્યાલય અને ભાજપના પ્રદેશ કાર્યાલય તરફ આગળ વધતા દેખાવકારોને પોલીસે કૈસામપત જંક્શન નજીક અટકાવ્યા હતા. પોલીસે જણાવ્યા મુજબ વિરોધ પ્રદર્શનો દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી.

રેલીમાં છ મુદ્દાનો ઠરાવ પસાર કરાયો હતો. તેમાં કુકી સશસ્ત્ર સંગઠનો સાથેનો ‘સસ્પેન્શન ઓફ ઓપરેશન્સ’ કરાર આગળ ન વધારવો, વિસ્થાપિત લોકોનું સુરક્ષિત પુનર્વસન કરવું, આસામ રાઇફલ્સને સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાંથી હટાવવી અને ૧૯૫૧ને આધારવર્ષ માની રાષ્ટ્રીય નાગરિક નોંધણી સુધારવાની માગણીઓ સામેલ છે. નાયબ મુખ્યમંત્રી નેમચા કિપગેનને મંત્રીમંડળમાંથી હટાવવાની માગણી સાથે તેમ ન થાય તો સરકાર રાજીનામું આપે તેવી ચેતવણી અપાઈ હતી. 

મુખ્યમંત્રી વાય. ખેમચંદ સિંહે સમુદાયકેન્દ્રિત રાજકારણથી દૂર રહેવાની અપીલ કરી જણાવ્યું હતું કે મણિપુરમાં ૩૬ જુદા જુદા સમુદાયો વસે છે અને સરકાર માત્ર એક સમુદાયના હિતને પ્રાધાન્ય આપીને ચાલી શકે નહીં. મે ૨૦૨૩થી શરૂ થયેલી વંશીય હિંસામાં અત્યાર સુધી ઓછામાં ઓછા ૩૦૬ લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું અગાઉ વિધાનસભામાં જણાવાયું હતું. 

(9:20 AM IST)