તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th October 2026
મણિપુરમાં હિંસાની આગ વકરી: કામજોંગ અને ઉખરુલમાં સશસ્ત્ર અથડામણમાં એક મહિલા સહિત ૫ લોકોના મોત
સંઘર્ષ દરમિયાન ૧૦ જેટલા ઘરો અને પોલીસ સ્ટેશનને આગ ચાંપી દેવામાં આવી; ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં હિંસાને કારણે ૪૦થી વધુ લોકોએ ગુમાવ્યા પ્રાણ

ઇમ્ફાલ : મણિપુર રાજ્યમાં ફરી એકવાર હિંસાની આગ ભડકી ઉઠી છે. કામજોંગ અને ઉખરુલ જિલ્લાઓમાં સશસ્ત્ર જૂથો વચ્ચે થયેલી લોહીયાળ અથડામણમાં એક મહિલા સહિત પાંચ લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ અતિસંવેદનશીલ ઘટનાને કારણે સમગ્ર ક્ષેત્રમાં ભય અને તણાવનું વાતાવરણ છવાઈ ગયું છે, જ્યારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આ હિંસામાં મૃત્યુ પામેલા લોકોનો આંકડો સાત હોવાનો દાવો કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, નાગા પ્રભુત્વ ધરાવતા કામજોંગ અને કુકી પ્રભુત્વ ધરાવતા ચાસદ ગામ વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો હતો. ચાસદ ગામમાં એક ૨૨ વર્ષીય યુવક અને ૪૨ વર્ષીય મહિલાની ગોળી મારીને હત્યા કરવામાં આવ્યા બાદ બંને સમુદાયો વચ્ચે હિંસા વકરી હતી. આ હત્યાના વિરોધમાં શુક્રવારે રાત્રે શરૂ થયેલો કુકી અને નાગા સશસ્ત્ર જૂથો વચ્ચેનો ગોળીબાર શનિવાર સવાર સુધી અવિરતપણે ચાલુ રહ્યો હતો. આ અથડામણ દરમિયાન આશરે દસ જેટલા ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી અને એક પોલીસ સ્ટેશનને પણ નિશાન બનાવીને સળગાવી દેવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ઉખરુલ જિલ્લામાં પણ હિંસાની અન્ય ઘટનાઓ બની હતી. ચેપુ યાઓલેન નજીક ૪૦ વર્ષીય સંદીપ રાય નામના વ્યક્તિની શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમજ ભારત-મ્યાનમાર સરહદ નજીક આવેલા નિંગચો ગામમાં સશસ્ત્ર હુમલાખોરોએ પ્રવેશ કરીને અંર્ધધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં ૩૫ વર્ષીય નગાચાન્સો નિંગશેન અને ૪૮ વર્ષીય લેશીશાન લેશાદાંગ નામના બે વ્યક્તિઓના મોત થયા હતા. ગ્રામજનોના જણાવ્યા અનુસાર હુમલો કર્યા બાદ આતંકવાદીઓ મ્યાનમાર સરહદ તરફ નાસી છૂટ્યા હતા.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વધતી હિંસાને રોકવા માટે ચાસદ પોલીસ ગેટ જંકશનની ૪૦0 મીટરની ત્રિજ્યામાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ ૧૬૨ હેઠળ પ્રતિબંધિત આદેશો (કર્ફ્યુ) લાગુ કરી દેવામાં આવ્યા છે. સુરક્ષા દળો દ્વારા ગામોમાં સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં મણિપુરમાં ફરીથી હિંસા ફાટી નીકળ્યા પછી અત્યાર સુધીમાં વિવિધ અથડામણોમાં ૪૦ થી વધુ લોકો પોતાના પ્રાણ ગુમાવી ચૂક્યા છે. ઉખરુલ, કામજોંગ, કાંગપોકપી અને સેનાપતિ સહિતના અનેક વિસ્તારોમાં અવારનવાર હિંસાની ઘટનાઓ સામે આવતી રહે છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા બંને સમુદાયો વચ્ચે શાંતિ સ્થાપવા માટે સતત બેઠકો યોજવામાં આવી રહી છે, પરંતુ બદલાની ભાવના અને અવિશ્વાસને કારણે શાંતિ સ્થાપવી પડકારજનક બની રહી છે.
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
