<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

મણિપુરમાં ફરી ભડકી હિંસા: કાંગપોકપીમાં ઉગ્રવાદીઓ દ્વારા નાગા સમુદાયના યુવકની ઘાતકી હત્યા બાદ તણાવ ચરમસીમાએ, ૪૮ કલાકનું અલ્ટીમેટમ!

શિરચ્છેદ કરાયેલા મૃતદેહ અને વાયરલ વીડિયોથી રાજ્યમાં રોષ ફેલાયો: નાગા સિવિલ સોસાયટી દ્વારા માથું પરિવારને નહીં સોંપાય ત્યાં સુધી પોસ્ટમોર્ટમનો ઇન્કાર; કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે ઉગ્ર આક્રોશ

ઇમ્ફાલ, તા.૧૨: મણિપુર રાજ્યમાં ફરી એકવાર હિંસાનો દાવાનળ ભડકી ઉઠ્યો છે, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. કાંગપોકપી જિલ્લામાં ઉગ્રવાદીઓ દ્વારા નાગા સમુદાયના ૫૨ વર્ષીય અજિનબોઉ આર નામના વ્યક્તિની અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ ઘૃણાસ્પદ ઘટનામાં ઉગ્રવાદીઓએ હત્યા કર્યા બાદ મૃતકનું માથું વાઢી નાખ્યું હતું, જેના કારણે સમગ્ર રાજ્યમાં સનસનાટી મચી ગઈ છે અને નાગા સમુદાયમાં ભારે રોષે ભભૂકી ઉઠ્યો છે.

આ ઘટના સામે આવ્યા બાદ નાગા સિવિલ સોસાયટીના અગ્રણી સંગઠન 'જોઈન્ટ ટ્રાઈબ્સ કાઉન્સિલ' દ્વારા પ્રશાસનને કડક ચેતવણી આપવામાં આવી છે. સંગઠને સ્પષ્ટ અલ્ટીમેટમ આપ્યું છે કે આગામી ૪૮ કલાકની અંદર મૃતકનું કાપેલું માથું સન્માનજનક અંતિમ સંસ્કાર માટે પરિવારજનોને સોંપવામાં આવે. જ્યાં સુધી આ માગણી પૂરી નહીં થાય, ત્યાં સુધી મૃતકનું પોસ્ટમોર્ટમ કરવા દેવામાં આવશે નહીં અને જો સમયમર્યાદામાં ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

આ અમાનવીય કૃત્યનો એક વાયરલ વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં સેના જેવા ગણવેશમાં સજ્જ ઉગ્રવાદીઓ વચ્ચે અજિનબોઉનું કપાયેલું માથું જોવા મળ્યું હતું. રવિવારે મોડી રાત્રે અજિનબોઉનો શિરચ્છેદ કરાયેલો નશ્વર દેહ ઇમ્ફાલની જવાહરલાલ નહેરુ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ ખાતે લાવવામાં આવ્યો હતો. નાગા સંગઠનોએ આ ભયાનક અપરાધને માનવતાનું અપમાન ગણાવતા આખી સ્થિતિ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની નિષ્ક્રિયતાને સીધી જવાબદાર ઠેરાવી છે.

ઉલ્લેખનીય છે કે, ગત શુક્રવાર અને શનિવાર દરમિયાન કામજોંગ, ઉખરુલ અને કાંગપોકપી જિલ્લાઓમાં થયેલી સશસ્ત્ર અથડામણ અને ગોળીબારની ઘટનાઓમાં ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા છે. આ હિંસાની શરૂઆત શુક્રવારે રાત્રે કામજોંગ જિલ્લાના ચસ્સાદ ગામમાં એક ૨૨ વર્ષીય મહિલાની ગોળી મારીને કરાયેલી હત્યાથી થઈ હતી, ત્યારબાદ કુકી અને નાગા સશસ્ત્ર જૂથો વચ્ચે સામસામે હિંસક અથડામણો ફાટી નીકળી હતી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી વાય. ખેમચંદ સિંહે તાત્કાલિક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા તથા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા દળોને કડક આદેશો આપ્યા છે.

(4:50 PM IST)