તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th November 2026
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામા હિંસક અથડામણ : TTPના આતંકી હુમલામાં ૧૧ પોલીસકર્મીના મોત :જવાબી કારેયવાહીમાં ૧૮ આતંકીઓ ઠાર
ગેરકાયદે ગોલ્ડ માઇનિંગ વિરુદ્ધના ઓપરેશનથી પરત ફરતા પોલીસ કાફલા પર આતંકીઓનું ઘાતક એમ્બુશ:સામસામી ગોળીબારની અથડામણમાં સુરક્ષા દળોએ આતંકી સંગઠનના આકરો પ્રહાર

પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ પ્રાંત ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદ વિરુદ્ધની લડાઈ વધુ ભીષણ બની છે. કોહાટ જિલ્લામાં પ્રતિબંધિત આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના આતંકીઓ દ્વારા પોલીસ કાફલા પર અચાનક ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. આ ભીષણ અથડામણમાં ૧૧ પોલીસ જવાનો શહીદ થયા છે, જ્યારે સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં ૧૮ આતંકીઓ પણ ઠાર થયા હોવાના અહેવાલ છે.
મળતી વિગતો અનુસાર, ખૈબર પખ્તુનખ્વાના કોહાટ જિલ્લામાં ગેરકાયદેસર સોનાની ખનન પ્રવૃત્તિઓ વિરુદ્ધ એક સફળ ઓપરેશન પાર પાડીને પોલીસ ટીમ પરત ફરી રહી હતી. તે દરમિયાન રસ્તામાં અગાઉથી ઘાત લગાવીને બેઠેલા TTPના સશસ્ત્ર આતંકીઓએ પોલીસ વાહનો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ અચાનક થયેલા હુમલાને કારણે પોલીસ જવાનોએ પણ મોરચો સંભાળ્યો હતો, જેના પગલે બંને પક્ષો વચ્ચે કલાકો સુધી ભારે ગોળીબાર ચાલુ રહ્યો હતો.
આ લાંબી અને લોહિયાળ અથડામણમાં બે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સહિત કુલ ૧૧ જવાનોએ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. જોકે, પોલીસ અને સુરક્ષા દળોએ પણ મક્કમતાપૂર્વક સામનો કરીને ૧૮ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા આતંકીઓ દ્વારા હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી છે, જ્યારે પાકિસ્તાની સત્તાવાળાઓનું કહેવું છે કે આ હુમલા પાછળ આતંકીઓ અને સ્થાનિક અપરાધી તત્વોનું સંયુક્ત કાવતરું હતું.
ઉલ્લેખનીય છે કે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં છેલ્લા કેટલાક સમયથી સુરક્ષા દળો પરના હુમલામાં સતત વધારો થયો છે. આ ક્ષેત્રમાં વધતા જતા આતંકવાદ અને સરકારી નિયંત્રણની સ્થિતિને ધ્યાનમાં રાખીને અગાઉથી જ કટોકટી અને વિશેષ પગલાં લાગુ કરવામાં આવ્યા છે. આ ભયಾನક હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં ભારે તણાવનો માહોલ છે અને વધારાની સુરક્ષા ફોર્સ તૈનાત કરીને ભાગી ગયેલા અન્ય આતંકીઓની શોધખોળ માટે સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવવામાં આવ્યું છે. પાકિસ્તાનના આંતરિક મંત્રી અને સ્થાનિક નેતાઓએ આ કાયરતાપૂર્ણ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી છે
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
