<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

સ્વિટ્ઝર્લેન્ડમાં હિંસક તોફાનો ફાટી નીકળ્યાં : ઝ્યુરિખ અને બાસેલમાં આગચંપી, પોલીસ ઉપર પથ્થરમારો અને બોટલોના ઘા

યુરોપમાં ફેલાયેલા વિરોધ પ્રદર્શનોની અસર સ્વિટ્ઝર્લેન્ડ સુધી પહોંચી : સેંકડો દેખાવકારો રસ્તા ઉપર ઊતર્યા : વાહનો અને બેરીકેડ સળગાવ્યાં : પોલીસે વોટર કેનન અને રબરની ગોળીઓનો ઉપયોગ કર્યો

ઝ્યુરિખ, તા. ૧ : યુરોપના વિવિધ દેશોમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યુરિખ અને બાસેલ શહેરોમાં શનિવારની રાત્રે હિંસક તોફાનો ફાટી નીકળ્યા હતા. ટોળાંએ રસ્તાઓ ઉપર આગચંપી કરી પોલીસ ઉપર પથ્થરો, બોટલો અને ફટાકડા ફેંક્યા હતા. સ્થિતિ કાબૂમાં લેવા પોલીસે વોટર કેનન, ટિયરગેસ અને રબરની ગોળીઓનો ઉપયોગ કર્યો હતો.

 

ઝ્યુરિખ પોલીસના સત્તાવાર નિવેદન અનુસાર રાત્રે સાડાદસ વાગ્યાની આસપાસ લાંગસ્ટ્રાસે વિસ્તારમાં કેટલાક સો લોકો એકત્ર થયા હતા. તેમાંથી કેટલાકે ચહેરા ઢાંકેલા હતા. ટોળાંએ કચરાપેટીઓ, ઇલેક્ટ્રિક સ્કૂટરો અને એક કારને આગ ચાંપી હતી. બસ-ટ્રામ સ્ટોપ અને દુકાનોના કાચ પણ તોડવામાં આવ્યા હતા.

 

બીજી તરફ બાસેલ શહેરમાં આશરે ૧૫૦ લોકો પરવાનગી વગરના પ્રદર્શનમાં જોડાયા હતા. દેખાવકારોએ રસ્તા ઉપર અવરોધો ઊભા કરીને આગ લગાવતાં જાહેર પરિવહન અટકાવવું પડ્યું હતું. પોલીસે કાર્યવાહી કરતાં દેખાવકારો વિખેરાઈ ગયા હતા.

 

ફ્રાન્સમાં તાજેતરના યુવા આંદોલનો અને વિરોધ પ્રદર્શનોના પગલે સોશિયલ મીડિયા મારફતે સ્વિટ્ઝર્લેન્ડમાં પણ વિરોધ માટે અપીલો થઈ હતી. ઝ્યુરિખમાં રાત્રે દોઢ વાગ્યા આસપાસ સ્થિતિ શાંત પડી હતી. પોલીસે નુકસાનનો આંક નક્કી કરવા અને જવાબદારોની ઓળખ માટે તપાસ શરૂ કરી છે. 

(9:11 AM IST)