તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th October 2026
જલગાંવમાં RSS કૂચ દરમિયાન હિંસક તણાવ ભડક્યો: વિરોધીઓએ મહિલાઓને આગળ ધરી પથ્થરમારો કર્યો, પોલીસે કર્યો લાઠીચાર્જ
કિનગાંવમાં મસ્જિદ સામેથી પસાર થતી શોભાયાત્રા રોકવા મુદ્દે ભારે ઘર્ષણ સર્જાયા બાદ વધારાની પોલીસ ટુકડીઓ તૈનાત

જલગાંવ : મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના યાવલ તાલુકામાં આવેલા કિનગાંવ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા કાઢવામાં આવેલી કૂચ દરમિયાન બે જૂથો વચ્ચે સામસામે ભારે અથડામણ થતાં પરિસ્થિતિ વણસી ગઈ હતી. કૂચની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે કેટલાક લોકોએ મસ્જિદની સામેથી સરઘસ પસાર થવાનો વિરોધ નોંધાવ્યો હતો. પરિસ્થિતિ વણસતાં અને બે જૂથો સામસામે આવી જતાં પોલીસે ભીડને વિખેરવા માટે હળવો બળપ્રયોગ કરવો પડ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ વ્યાપી ગયો છે.
મળેલી માહિતી અનુસાર, કૂચ મસ્જિદની સામેથી પસાર થઈ રહી હતી ત્યારે એક જૂથે તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. મસ્જિદની સામેથી કૂચ પસાર થવા ન દેવા માટે પુરુષોએ મહિલાઓને રસ્તા પર મસ્જિદની સામે બેસી જવા દબાણ કર્યું હતું. આ દરમિયાન તણાવ વધતાં કેટલાંક સ્થળોએ અચાનક પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. ઘટનાને કારણે કિનગાંવ વિસ્તારમાં ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જોકે બાદમાં પોલીસે કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે શોભાયાત્રા પૂર્ણ કરાવી હતી.
બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વહીવટીતંત્ર તુરંત એલર્ટ મોડ પર આવી ગયું હતું. પોલીસ અધિક્ષક શ્રીકાંત ધીવારે, અધિક પોલીસ અધિક્ષક સંદીપ ગાવિત અને વિભાગીય પોલીસ અધિકારી અનિલ બડગુજર સહિત ભુસાવલ, યાવલ તથા રાવેરથી મોટી સંખ્યામાં પોલીસ કાફલો કિનગાંવ ખાતે દોડી આવ્યો હતો. હાલમાં કિનગાંવમાં પરિસ્થિતિ સંપૂર્ણ રીતે પોલીસના નિયંત્રણ હેઠળ છે, પરંતુ સાવચેતીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવી રાખવામાં આવ્યો છે.
ધાર્મિક સ્થળની સામેથી પસાર થતી શોભાયાત્રાના માર્ગ અંગેના આ વિવાદે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. શોભાયાત્રાના માર્ગ પર જ વિવાદ કેમ શરૂ થયો, પથ્થરમારો કોણે શરૂ કર્યો અને આ સમગ્ર હિંસક ઘટના પાછળ કોણ જવાબદાર છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
