<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

ટ્રેનોમાં હવે 'VIP કલ્ચર' ખતમ: વંદે ભારત માટે એક્સપ્રેસ ટ્રેનોને લૂપ લાઇન પર નહીં સડવું પડે!

ભારતીય રેલવેની હાઈ-ટેક ‘સ્લોટ સિસ્ટમ’: હવે રાજધાની કે વંદે ભારતને રસ્તો આપવા સામાન્ય ટ્રેનોને કલાકો સુધી રોકી રાખવામાં નહીં આવે : મુસાફરીના સમયમાં ૨.૫ કલાકનો ઘટાડો અને નવી ટ્રેનો માટે ખુલશે રસ્તો

નવી દિલ્હી : ભારતીય રેલવેમાં મુસાફરી કરતા કરોડો મુસાફરો માટે ખુશખબર છે. વર્ષોથી ચાલી આવતી એ પ્રથા હવે ઈતિહાસ બની જશે, જેમાં વંદે ભારત, રાજધાની કે શતાબ્દી જેવી પ્રીમિયમ ટ્રેનોને પસાર કરવા માટે સામાન્ય એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનોને કલાકો સુધી લૂપ લાઇન પર 'સજા' ભોગવવી પડતી હતી. રેલવે મંત્રાલય એક એવી હાઈ-ટેક સિસ્ટમ પર કામ કરી રહ્યું છે જેનાથી આ ભેદભાવ દૂર થશે. હવે ટ્રેનોને તેમની ઝડપના આધારે અલગ-અલગ 'સ્લોટ્સ'માં વહેંચવામાં આવશે, જેથી કોઈ ટ્રેનને બીજી ટ્રેનને ઓવરટેક કરવા માટે ઉભી રહેવાની જરૂર જ નહીં પડે.

આ નવી સિસ્ટમ મુજબ, ૧૩૦ થી ૧૬૦ કિમીની ઝડપે દોડતી પ્રીમિયમ ટ્રેનોને એક ચોક્કસ સમયગાળામાં સમૂહમાં રવાના કરવામાં આવશે. ત્યારબાદ, ૧૧૦ કિમીની ઝડપ ધરાવતી નિયમિત ટ્રેનોનો સ્લોટ આવશે. એક જ સ્લોટમાં દોડતી તમામ ટ્રેનોની ગતિ સમાન હોવાથી, પાછળ આવતી ટ્રેન આગળની ટ્રેનને 'નડતરરૂપ' નહીં બને. આ ટેકનિકલ ફેરફારને કારણે જે ટ્રેનો અગાઉ VIP ટ્રેનોને રસ્તો આપવા માટે ૨ થી ૩ કલાક મોડી પડતી હતી, તે હવે માત્ર ૧૦ થી ૧૫ મિનિટના સામાન્ય અંતરાલમાં દોડતી જોવા મળશે.

રેલવેના આ નિર્ણયની સૌથી મોટી અસર દિલ્હી-મુંબઈ અને દિલ્હી-હાવડા જેવા વ્યસ્ત રૂટ પર જોવા મળશે. અહીં મુસાફરીનો સમય અઢી કલાક જેટલો ઘટી જશે અને ટ્રેક પર ટ્રાફિક વ્યવસ્થા સુધરતા દરરોજ વધારાની ૮ નવી ટ્રેનો દોડાવવી શક્ય બનશે. રેલવે બોર્ડ આ માટે નવું ટાઈમટેબલ તૈયાર કરી રહ્યું છે, જે સામાન્ય મુસાફરોના સમયની કિંમત સમજીને રેલવે પ્રવાસને વધુ ઝડપી અને આરામદાયક બનાવશે. આ બદલાવ ભારતીય રેલવેના આધુનિકીકરણ તરફનું એક મોટું કદમ સાબિત થશે.

(8:34 PM IST)