<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

વિષ્‍ણુપ્રસાદ દવે (શ્રી પ્રસાદજી) : સૌરાષ્‍ટ્રની પ્રાચીન સંતવાણીના આરાધકે વિદાય લીધી

છેલ્લા પાંચ દાયકાથી પ્રાચીન સંતવાણીની પરંપરાને એક ભજનીક તરીકે જાળવી રાખી, ભજન-સત્‍સંગનો બહોળો ચાહક વર્ગ ધરાવતા હતા : હેમુભાઇ ગઢવીએ આકાશવાણી રાજકોટમાં ૧૯૭૬માં ભજનીક તરીકે પસંદ કર્યા હતા, વિષ્‍ણુપ્રસાદજી અને સાંઇરામે અનેક કાર્યક્રમો સાથે કર્યા હતા

રાજકોટ : શ્રી વિષ્‍ણુપ્રસાદ કેશવલાલ દવે જેમણે છેલ્લા પચાસ વર્ષથી પ્રાચિન સંતવાણીની પરંપરાને એક ભજનીક તરીકે જાળવી રાખી. તા. ર૩ જૂન સાંજે પાંચ કલાકે સંતવાણીના આ ભજન પુરૂષે વિદાય લીધી. શ્રી પ્રસાદજીના હુલામણા નામથી પોતાના ભજન, સત્‍સંગનો બહોળો ચાહક વર્ગ ધરાવતા  વિષ્‍ણુપ્રસાદજીને હેમુભાઇ ગઢવીએ આકાશવાણી, રાજકોટ પર ઇ.સ.૧૯૭૬માં ભજનીક તરીકે પસંદ કરેલા હતા. જીવનના ઉતરાર્ધમાં તેમણે આકાશવાણીના એ ગ્રેડના ભજનિક તરીકે માન્‍યતા મેળવી હતી. ર૦૦૭ની સાલમાં તત્‍કાલીન મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ સાંઇરામ દવે અને વિષ્‍ણુપ્રસાદ દવેને સંયુકત ગૌરવ પુરસ્‍કારથી નવાજયા હતા. આ બાપ દિકરાએ જુગલબંધીના ઘણા કાર્યક્રમો સાથે કર્યા હતા. પિતાપુત્રનો મિત્રતાભર્યો વ્‍યવહાર હવે માત્ર એક યાદ બનીને રહી ગયો.

જીવનમાં કડક શિસ્‍તના અને અનુશાસનના આગ્રહી પ્રસાદજીએ સૌરાષ્‍ટ્રની ભજન પરંપરાનો અંતિમ દિવડામાના એક હતા. તેમણે લખેલા-શોધેલા તથા કંપોઝ કરેલા ઘણાં બધા ભજનો આજે લોકજીભે રમે છે. જેમા જપલે હરિ કા નામ, કાના નાના છાના માના, સદ્દગરૂ કે શરણો મેં જાકે, પવન પાવડી વિગેરે ભજનો આજે વર્ષોથી સંતવાણીમાં સંભળાય છે. રેડિયો સ્‍ટેશન પર હજુ પણ પ્રાતઃ કાળે રજૂ થતા ‘અર્ચના સંતવાણી' કાર્યક્રમમાં પ્રસાદજીએ આશરે સો જેટલા પ્રાચિન ભજનો રજૂ કર્યા છે. સૌરાષ્‍ટ્રની અસલ્લ પ્રાચીન ભજન પરંપરાને જાળવનારા ભજનિકોમાં તેમનું નામ મોખરે હતું.

એશીંના દાયકામાં તેમણે રેડિયો પરથી રજૂ કરેલું ભજન ‘મારું રે પિયરીયું માધવપુરમાં...!' જેનાથી પ્રસાદજીને ખ્‍યાતિ પ્રાપ્ત થઇ હતી.

શ્રી પ્રસાદજીએ પોતાના વતન અમરનગરથી પોતાની શૈક્ષણિક કારકિર્દી શરૂ કરી હતી. જેઓ મોંઘીબા ગર્લ્‍સ હાઇસ્‍કુલ ગોંડલમાંથી શિક્ષક તરીકે નિવૃત થયા હતા. પૂ. હરિરામ બાપા (ધુનેશ્વર) તેમનો ગુરૂદ્વારો હતો. જેમના માટે પ્રસાદજીનું સમગ્ર જીવન સમર્પિત હતું. સત્ત હરિરામ બાપાના આર્શીવાદને લીધે પ્રસાદજીની વાણીમાં ભજન સાથે સત્‍સંગની ધારા ઉતરી હતી. પ્રસાદજીના પણ અનેક શિષ્‍યોમાં તેમના અવસાનથી શોકનું મોજું ફરી વળ્‍યું છે. રવિ-ભાણ સદ્દગુરૂ પરંપરાના ભજનોમાં પ્રસાદજીની નિપૂણતા હતી. હાસ્‍યકલાકાર સાંઇરામ દવે પોતાની સફળતાનો તમામ શ્રેય પોતાના પિતાજીને આપે છે. આમ વિષ્‍ણુપ્રસાદ દવેના દેહાવસાન સાથે સૌરાષ્‍ટ્રે એક બિનવિવાદિત અને સમર્થ ભજનાનંદી  પુરૂષ ગુમાવ્‍યો છે. ગુજરાતના અનેક સંતો સાથે તેમને પારિવારિક નાતો હતો. નિખાલસ સ્‍વભાવ અને ર્નિવ્‍યસની જીવન સાથે પ્રસાદજી તેમના ચાહકો-પરિવારજનો પર ઉંડી છાપ છોડી ગયા છે. કલાજગતમાં પિતાના નકશેકદમ પર ચાલનારા અને બહોળો ચાહકવર્ગ ધરાવતા સાંઇરામ દવે તથા લઘુબંધુ કિશન અને અમિતે પિતાની છત્રછાયા ગુમાવી છે. છેલ્લા એકાદ વષસ્‍થી અન્નનળીના કેન્‍સરથી પ્રસાદજી પીડાતા હતા. એક ભજનાનંદી પુરૂષની વિદાયથી સમગ્ર ગુજરાતનું કલાજગત શોકગ્રસ્‍ત થયું છે

(11:20 AM IST)