તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Thursday, 12th November 2026
વિશ્વ હિન્દુ પરિષદે સોનિયા ગાંધીના સંસ્મરણોને ગણાવ્યા હિન્દુ-વિરોધી: પુસ્તક સામે ઉગ્ર વિરોધ નોંધીને જાહેરમાં માફીની કરી માંગ
બાબરી અને બાટલા હાઉસ મુદ્દે આંસુ વહાવવાના દાવા સામે વીએચપીએ ઉઠાવ્યા ગંભીર સવાલો, ચૂંટણી ટાણે રાજકારણ ગરમાયું

મુંબઈ : વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી નેતાઓએ ગુરુવારે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના તાજેતરમાં પ્રકાશિત થયેલા સંસ્મરણો સામે આક્રોશ વ્યક્ત કરતા તેને સંપૂર્ણપણે હિન્દુ-વિરોધી ગણાવ્યા છે અને તેમની પાસે જાહેરમાં માફી માંગવાની માંગણી કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા મુસ્લિમ મતદારોને રીઝવવાની રાજકીય ચાલ તરીકે આ પુસ્તક પ્રકાશન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરીને વીઈએચપીના પ્રવક્તા શ્રીરાજ નાયર અને કોંકણ પ્રાંત સચિવ મોહન સાલેકરે પત્રકારો સમક્ષ આ વિરોધ નોંધાવ્યો હતો.
નેતાઓએ આક્ષેપ કર્યો છે કે પુસ્તકમાં બાબરી મસ્જિદ ધ્વંસ અને બાટલા હાઉસ એન્કાઉન્ટર જેવા પ્રસંગોએ સંવેદના વ્યક્ત કરાઈ છે, પરંતુ કાશ્મીરી પંડિતોના પલાયન, પહેલગામ હુમલા અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારો વખતે નેતાઓનું મૌન તેમની પસંદગીયુક્ત નીતિ દર્શાવે છે.
વીએચપીના પદાધિકારીઓએ ઉમેર્યું હતું કે આ પ્રકારનો પસંદગીયુક્ત આક્રોશ અને કેટલાક ખાસ મુદ્દાઓને જ મહત્વ આપવાનો અભિગમ દેશના સામાજિક સૌહાર્દ અને રાષ્ટ્રીય હિતો માટે મોટો પડકાર છે, જેની સામે જનતામાં પણ નારાજગી પ્રવર્તી રહી છે.
આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સંગઠન દ્વારા મુંબઈ એરપોર્ટ વિસ્તાર સહિતના સ્થળોએ કથિત રીતે પાંચ અનધિકૃત મસ્જિદો ઓળખી કાઢવામાં આવ્યાનો દાવો કરીને તમામ ગેરકાયદેસર ધાર્મિક બાંધકામો તાત્કાલિક દૂર કરવાની કાનૂની માંગ પણ કરવામાં આવી હતી.
આ વિવાદસ્પદ નિવેદનો અને પુસ્તકમાં કરવામાં આવેલા દાવાઓ બાદ રાજકીય વર્તુળોમાં ગરમાવો આવી ગયો છે, ત્યારે કોંગ્રેસ પક્ષ તરફથી આ મામલે શું પ્રતિક્રિયા આપવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.
(7:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
