તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
એક અવાજ, અનેક યાદો : કિશોર કુમારના અમર સંગીતની અવિસ્મરણીય સફર
કિશોર કુમારની ૩૯મી પુણ્યતિથિ : ગાયકીના આકાશનો કદી અસ્ત ન થતો સૂર્ય ...કિશોર કુમારની જીવનગાથા : સૂરનો જાદુ, પડદા પર મસ્તી અને સંગીતની અમર સફર : કિશોર કુમારના ગીતો તથા ફિલ્મી અભિનયની યાદગાર જીવનગાથા : કિશોર કુમારે ૪૧ વર્ષની કારકિર્દીમાં ૧૧ જેટલી ભાષાઓમાં આશરે ૨૮૨૨ જેટલા ગીતો ગાયા હતા

(જીતેન્દ્ર રૃપારેલિયા) વાપી : ૧૩ ઓકટોબર, ૧૯૮૭ના રોજ સંગીત જગતના આ અનોખા કલાકારે કિશોર કુમારે દુનિયાને અલવિદા કહ્યું હતું. ગાયક, અભિનેતા, સંગીતકાર, ગીતકાર અને ફિલ્મ નિર્માતા તરીકે ભારતીય સિનેમાને આપ્યો હતો અમૂલ્ય વારસો.
ભારતીય સંગીત અને હિન્દી સિનેમાના ઇતિહાસમાં કેટલાક કલાકારો એવા હોય છે, જેમનો અવાજ સમયની સીમાઓ વટાવીને પેઢી દર પેઢી લોકોના હૃદયમાં જીવંત રહે છે. આવા જ એક અદ્વિતીય કલાકાર એટલે કિશોર કુમાર. પોતાની અનોખી ગાયકી, મસ્તમૌલા સ્વભાવ, રમૂજી અભિનય અને સંગીતની અદભુત સમજથી તેમણે ભારતીય ફિલ્મ જગતમાં આગવું સ્થાન મેળવ્યું હતું.
રોમેન્ટિક ગીતોથી લઈને દર્દભર્યા ગીતો, મસ્તીભર્યા ગીતોથી લઈને જીવનની ફિલસૂફી વ્યકત કરતાં ગીતો સુધી કિશોર કુમારે દરેક ્પ્રકારની ગાયકીમાં પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. કિશોર કુમારનો જન્મ ૪ ઓગસ્ટ, ૧૯૨૯ના રોજ મધ્યપ્રદેશના ખંડવા શહેરમાં એક બંગાળી પરિવારમાં થયો હતો. તેમનું મૂળ નામ આભાસ કુમાર ગાંગુલી હતું. તેમના પિતા કુંજલાલ ગાંગુલી જાણીતા વકીલ હતા અને માતાનું નામ ગૌરી દેવી હતું. તેઓ ચાર ભાઈ-બહેનોમાં સૌથી નાના હતા. તેમના મોટા ભાઈ અશોક કુમાર હિન્દી ફિલ્મ જગતના જાણીતા અભિનેતા હતા. બીજા ભાઈ અનૂપ કુમાર પણ ફિલ્મ જગત સાથે સંકળાયેલા હતા. બાળપણથી જ કિશોર કુમારને સંગીત અને ગાયન પ્રત્યે વિશેષ લગાવ હતો. તેઓ ઔપચારિક રીતે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધા વગર પોતાની કુદરતી પ્રતિભા અને સતત અભ્યાસથી ગાયકીના ક્ષેત્રમાં આગળ વધ્યા હતા. તેમણે ઇન્દોરની ક્રિશ્ચિયન કોલેજમાં અભ્યાસ કર્યો હતો. કિશોર કુમારના મોટા ભાઈ અશોક કુમાર પહેલેથી જ ફિલ્મ જગતમાં જાણીતા હતા. તેમના પરિવારના મુંબઈ આવવા-જવાના કારણે કિશોર કુમારને પણ ફિલ્મી દુનિયાનો પરિચય થયો હતો.
વર્ષ ૧૯૪૬માં આવેલી ફિલ્મ 'શિકારી' દ્વારા તેમણે અભિનેતા તરીકે ફિલ્મી કારકિર્દીની શરૃઆત કરી હતી. આ ફિલ્મમાં તેમના મોટા ભાઈ અશોક કુમાર મુખ્ય ભૂમિકામાં હતા. શરૃઆતમાં કિશોર કુમાર અભિનય કરતા હતા, પરંતુ તેમની સાચી ઓળખ ગાયક તરીકે ઊભી થવાની હતી. વર્ષ ૧૯૪૮માં સંગીતકાર ખેમચંદ પ્રકાશે ફિલ્મ 'ઝિદ્દી' માં તેમને ગીત ગાવાની તક આપી હતી. આ ફિલ્મનું ગીત 'મરને કી દુઆ એં ક્યોં માંગુ' તેમની શરૃઆતની જાણીતી ગાયકીમાંનું એક બન્યું, ત્યારબાદ તેમણે અભિનય અને ગાયકી બંને ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા બતાવી હતી. કિશોર કુમારની ગાયકીની સૌથી મોટી વિશેષતા તેમનો અનોખો અવાજ અને ગાવાની અલગ શૈલી હતી. તેઓ પ્રારંભિક સમયમાં જાણીતા ગાયક કે. એલ. સહગલથી પ્રેરિત હતા. જો કે સંગીતકાર એસ. ડી. બર્મને તેમને પોતાની આગવી ગાયકીની શૈલી વિકસાવવાની પ્રેરણા આપી હતી. ત્યાર બાદ કિશોર કુમારે પોતાની ગાયકીમાં યોડેલિંગ નામની વિશિષ્ટ સંગીત શૈલીનો સુંદર ઉપયોગ કર્યો. યોડેલિંગમાં અવાજના ઊંચા અને નીચા સ્વરો વચ્ચે ઝડપથી ફેરફાર કરવામાં આવે છે. આ શૈલીને કારણે તેમની ગાયકી અન્ય ગાયકો કરતાં અલગ ઓળખાવા લાગી હતી. તેમની ગાયકીમાં રોમાંસ, હાસ્ય, વિરહ, ઉત્સાહ અને લાગણીની અભિવ્યકિત અદભુત રીતે જોવા મળતી હતી. તેમાં મુખ્યત્વે, દેવઆનંદ, રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન , ધર્મેન્દ્ર, ઋષિ કપૂર , જીતેન્દ્ર, સંજીવ કુમાર, વિનોદ ખન્ના. વર્ષ ૧૯૬૯માં આવેલી ફિલ્મ 'આરાધના' કિશોર કુમારની ગાયકીની કારકિર્દી માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ હતી. આ ફિલ્મનાં 'મેરે સપનોં કી રાની' અને 'રૃપ તેરા મસ્તાના' જેવાં ગીતોએ તેમને દેશભરમાં વિશેષ લોકપ્રિયતા અપાવી હતી. ખાસ કરીને રાજેશ ખન્ના માટે તેમનો અવાજ એક આગવી ઓળખ બની ગયો હતો.
કિશોર કુમારે પોતાની સંગીત કારકિર્દી દરમિયાન અસંખ્ય યાદગાર અને લોકપ્રિય ગીતો આપ્યાં હતાં. તેમની ગાયકીમાં પ્રેમ, લાગણી, વિરહ, મસ્તી, જીવનનો ઉત્સાહ અને સંવેદનાના અનેક રંગો જોવા મળતા હતા. તેમની ગાયકીની વિશેષતા એ હતી કે તેઓ દરેક પ્રકારનાં ગીતોને પોતાની આગવી શૈલી અને અનોખા અવાજથી જીવંત બનાવી દેતા હતા.
આમ તો કિશોર કુમારે પોતાની આશરે ચાર દાયકા ની સંગીતમય કારકિર્દી દરમિયાન ગાયકીના ક્ષેત્રે અદ્વિતીય યોગદાન આપ્યું હતું. વર્ષ ૧૯૪૬ થી ૧૯૮૭ સુધી વિસ્તરેલી તેમની ફિલ્મી સફરમાં તેમણે હિન્દી સહિત બંગાળી, ગુજરાતી, મરાઠી, આસામી, ઓડિયા, ભોજપુરી, કન્નડ, પંજાબી, મલયાલમ અને અંગ્રેજી જેવી વિવિધ ભાષાઓમાં ગીતો ગાયાં હતાં. એક ઉપલબ્ધ ગીત-સંકલન મુજબ તેમણે વિવિધ ભાષાઓમાં આશરે ૨,૮૨૨ ફિલ્મી ગીતો ગાયાં હતાં. જ્યારે બિનફિલ્મી ગીતોનો સમાવેશ કરતાં આ આંકડો વધુ થાય છે , તો કોઈ સંગીત સંગ્રહોમા તેમની ગીતોની સંખ્યા ૩૦૦૦ પણ કહે છે. જોકે તેમની વિશેષતા એ રહી હતી કે ભાષા ગમે તે હોય, તેમનો અનોખો અવાજ, ગાયકીની આગવી શૈલી અને લાગણીઓની અભિવ્યકિત દરેક ગીતને યાદગાર બનાવી દેતી હતી. આમ, કિશોર કુમારે માત્ર હિન્દી ફિલ્મ સંગીત જ નહીં, પરંતુ અનેક ભાષાઓના સંગીતપ્રેમીઓનાં હૃદયમાં પણ અમીટ સ્થાન મેળવ્યું હતું.
રૃપ તેરા મસ્તાના – ફિલ્મ : આરાધના, મેરે સપનોં કી રાની – ફિલ્મ : આરાધના, પલ પલ દિલ કે પાસ – ફિલ્મ : બ્લેકમેઇલ, ઝિંદગી એક સફર હૈ સુહાના – ફિલ્મ : અંદાજ, ચિંગારી કોઈ ભડકે – ફિલ્મ : અમર પ્રેમ, ઓ સાથી રે – ફિલ્મ : મુકદ્દર કા સિકંદર, ખઈકે પાન બનારસવાલા – ફિલ્મ : ડોન, દિલ ક્યા કરે – ફિલ્મ : જુલી, કોઈ હમદમ ના રહા – ફિલ્મ : ઝુમરૃ, યે શામ મસ્તાની – ફિલ્મ : કટી પતંગ જેવા અનેક ગીતો દ્વારા ભરપૂર ચાહના મેળવી હતી. તેમનાં ગીતોની લોકપ્રિયતા એટલી વ્યાપક છે કે આજે પણ અનેક પેઢીઓ આ ગીતો સાંભળીને સંગીતની અનોખી દુનિયામાં ખોવાઈ જાય છે.
કિશોર કુમારની પ્રતિભા માત્ર ગાયકી પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ તેઓ અભિનય, સંગીત નિર્દેશન, ગીત લેખન, ફિલ્મ નિર્માણ અને દિગ્દર્શન જેવા વિવિધ ક્ષેત્રોમાં પણ પોતાની આગવી ઓળખ ધરાવતા હતા. તેમણે પોતાની ફિલ્મી કારકિર્દી દરમિયાન અનેક યાદગાર ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેમની જાણીતી ફિલ્મોમાં ચલતી કા નામ ગાડી, હાફ ટિકિ, ઝુમરૃ, પડોસન, દૂર ગગન કી છાંવ મેં, દૂર કા રાહી અને નૌકરીનો સમાવેશ થાય છે. ખાસ કરીને 'પડોસન' અને 'ચલતી કા નામ ગાડી' જેવી ફિલ્મોમાં તેમના હાસ્યપ્રધાન અભિનય, સ્વાભાવિક કોમેડી અને અનોખી અદાકારીએ દર્શકોને ખૂબ મનોરંજન પૂરું પાડ્યું હતું. તેમની વિશેષતા એ હતી કે તેઓ પોતાની ફિલ્મોમાં અભિનયની સાથે ગાયકી અને સંગીતની જવાબદારી પણ સંભાળતા હતા. આમ, કિશોર કુમાર એક એવા બહુઆયામી કલાકાર હતા, જેમણે ભારતીય સિનેમાના અનેક ક્ષેત્રોમાં પોતાની પ્રતિભાનો અમીટ વારસો છોડી દીધો છે.
કિશોર કુમારનું અંગત જીવન પણ તેમની ફિલ્મી કારકિર્દીની જેમ અનેક પ્રસંગો અને યાદગાર ઘટનાઓથી ભરેલું રહ્યું હતું. તેમણે પોતાના જીવનમાં ચાર લગ્ન કર્યાં હતાં. વર્ષ ૧૯૫૦માં તેમણે રૃમા ગુહા ઠાકુર્તા સાથે પ્રથમ લગ્ન કર્યા હતા, ત્યારબાદ વર્ષ ૧૯૬૦ માં જાણીતી અભિનેત્રી મધુબાલા સાથે લગ્ન કર્યા હતા. વર્ષ ૧૯૭૬માં યોગિતા બાલી અને વર્ષ ૧૯૮૦માં લીના ચંદાવરકર સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. તેમને બે પુત્રો હતા, જેમાં મોટા પુત્ર અમિત કુમારે પિતાની જેમ ગાયકીના ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી, જ્યારે નાના પુત્ર સુમિત કુમાર પણ સંગીત સાથે જોડાયેલા રહ્યા છે. કિશોર કુમારનો સ્વભાવ પણ અન્ય કલાકારોથી અલગ હતો. તેઓ મસ્ત મૌલા, રમૂજી, નિખાલસ અને પોતાની આગવી દુનિયામાં રહેવાનું પસંદ કરતા હતા. તેમની રમૂજી પ્રકૃતિ, વિચિત્ર અંદાજ અને અનોખી જીવનશૈલીએ તેમને માત્ર એક મહાન કલાકાર જ નહીં, પરંતુ એક અલગ વ્યકિતત્વ તરીકે પણ ઓળખ અપાવી હતી.
કિશોર કુમારે પોતાની અદ્વિતીય ગાયકી અને સંગીત ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાન બદલ અનેક પુરસ્કારો અને સન્માનો પ્રાપ્ત કર્યા હતા. તેમને શ્રેષ્ઠ પુરુષ પાર્શ્વગાયક તરીકે કુલ આઠ વખત ફિલ્મફેર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો, જે તેમની સંગીત કારકિર્દીની એક નોંધપાત્ર સિદ્ધિ છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ સરકાર દ્વારા પણ તેમને 'લતા મંગેશકર સન્માન'થી નવાજવામાં આવ્યા હતા. ભારતીય ફિલ્મ સંગીતમાં તેમના વિશિષ્ટ યોગદાનને સન્માન આપવા મધ્યપ્રદેશ સરકારે વર્ષ ૧૯૯૭થી તેમના નામે 'કિશોર કુમાર સન્માન' પુરસ્કાર આપવાની શરૃઆત કરી હતી. આ સન્માન દર વર્ષે ભારતીય સિનેમા અને સંગીત ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર કલાકારને આપવામાં આવે છે. આમ, કિશોર કુમારને મળેલા આ પુરસ્કારો માત્ર તેમની વ્યકિતગત સિદ્ધિઓ જ નહીં, પરંતુ ભારતીય સંગીત જગતમાં તેમના અમૂલ્ય અને અવિસ્મરણીય યોગદાનની પણ સાક્ષી પૂરે છે. ભારતીય સંગીત જગત માટે ૧૩ ઓકટોબર, ૧૯૮૭નો દિવસ અત્યંત દુઃખદ રહ્યો હતો. આ દિવસે મહાન ગાયક કિશોર કુમારે માત્ર ૫૮ વર્ષની વયે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અચાનક અવસાનના સમાચારથી સમગ્ર ફિલ્મ જગત અને સંગીત પ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઈ હતી. જે અવાજે લાખો લોકોના જીવનમાં આનંદ, પ્રેમ, લાગણી અને સંગીતનો રંગ ભર્યો હતો, તે અવાજ હંમેશાં માટે શાંત થઈ ગયો હતો.
તેમના અવસાન બાદ પણ તેમનાં ગીતોની લોકપ્રિયતા ઓછી થઈ નથી. આજે પણ તેમની ગાયકી નવી પેઢીને આકર્ષે છે. કિશોર કુમારને પોતાના જન્મસ્થળ ખંડવા સાથે વિશેષ લગાવ હતો. તેઓ અનેક પ્રસંગોએ પોતાની ઓળખ 'કિશોર કુમાર ખંડવાવાલે' તરીકે આપતા હતા. તેમના જન્મસ્થળ ખંડવામાં આજે પણ તેમની યાદમાં કાર્યક્રમો યોજાય છે. તેમની જન્મજયંતિ અને પુણ્યતિથિ નિમિત્તે સંગીત પ્રેમીઓ તેમને યાદ કરે છે, ખંડવા ખાતે તેમની સ્મૃતિ સાથે જોડાયેલું સ્મારક પણ છે.
કિશોર કુમાર માત્ર એક ગાયક નહોતા, પરંતુ ભારતીય સંગીતના એક એવા યુગનું નામ હતા, જેમણે ગાયકીની પરંપરાને નવી ઓળખ આપી હતી. તેમના અવાજમાં પ્રેમ હતો, વિરહ હતો, હાસ્ય હતું, જીવન જીવવાનો ઉત્સાહ હતો અને માનવીય લાગણી ઓની ઊંડી અભિવ્યકિત હતી. તેમણે અનેક સંગીતકારો અને કલાકારો સાથે મળીને ભારતીય ફિલ્મ સંગીતને સમૃદ્ધ બનાવ્યું હતું. તેમના ગીતો આજે પણ જૂની પેઢી માટે યાદોની સફર છે, જ્યારે નવી પેઢી માટે સંગીતની સુંદર ઓળખ છે.
સ્વરના આ જાદુગર, સંગીતના મહારથી અને કરોડો ચાહકોના હૃદયમાં વસતા કિશોર કુમારને આજે ૧૩મી ઓકટોબર ૨૦૨૬ ના રોજ તેમની ૩૯ મી પુણ્યતિથિ નિમિત્તે ભાવભીની શ્રદ્ધાંજલિ અને શત શત નમન.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
